<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th April 2026

પૂર્વ લડાખની ગલવાન અથડામણ બાદ હવે અરુણાચલ પ્રદેશની સરહદ સળગાવવા ચીનનું કાવતરું: 'ઝાંગનાન'ના નામે વિસ્તારોને ચીની ઓળખ આપી : ભારતે 'કાલ્પનિક દાવા' ગણાવી ઝાટકણી કાઢી

છઠ્ઠી વખત અરુણાચલના સ્થળોના નામ બદલી ચીને સાર્વભૌમતાને પડકારી, તવાંગમાં અથડામણ બાદ LAC પર તણાવ વધવાના સંકેત, પેન્ટાગોનનો ખુલાસો: 2020માં વિવાદિત વિસ્તારમાં 100 ઘરોનું ગામ વસાવ્યું

નવી દિલ્હી તા.૧૫ : પૂર્વ લડાખમાં ગલવાન ઘાટીની અથડામણ બાદ હવે ચીને અરુણાચલ પ્રદેશની સરહદે તણાવ વધારવાના સંકેત આપ્યા છે. ચીને ફરી એકવાર અરુણાચલ પ્રદેશના અનેક સ્થળોના 'ચીની નામ' જાહેર કરીને ભારતની સાર્વભૌમતાને પડકાર ફેંક્યો છે. ચીન અરુણાચલ પ્રદેશને 'ઝાંગનાન' એટલે કે દક્ષિણ તિબેટનો ભાગ ગણાવે છે અને તેને ભારત દ્વારા ગેરકાયદેસર રીતે સ્થાપિત કરાયેલું ગણાવ્યું છે.

 

ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ચીનના આ પગલાને 'કાલ્પનિક નામો' અને 'તોફાની પ્રયાસ' ગણાવી સ્પષ્ટપણે ફગાવી દીધો છે. ભારતે કહ્યું કે ચીનની આવી ખોટી દાવાઓ અને પાયાવિહોણી વાર્તાઓ ઉભી કરવાની કોશિશો અરુણાચલ પ્રદેશ સહિતના સ્થળોની અકાટ્ય વાસ્તવિકતા બદલી શકતી નથી. અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય ભાગ હતો, છે અને રહેશે. ભારતે ચેતવણી આપી કે ચીનની આવી કાર્યવાહી બંને દેશો વચ્ચેના સંબંધોને સામાન્ય બનાવવાના પ્રયાસોને નુકસાન પહોંચાડે છે.

 

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગુઓ જિયાકુને દાવો કર્યો કે ઝાંગનાન ચીનનો વિસ્તાર છે અને ચીને ક્યારેય 'કહેવાતા અરુણાચલ પ્રદેશ'ને માન્યતા આપી નથી. ચીનના મતે ઝાંગનાન વિસ્તારના કેટલાક સ્થળોના નામ માનક બનાવવા એ સંપૂર્ણપણે ચીનની સાર્વભૌમત્વ હેઠળ છે. આ છઠ્ઠી વખત છે જ્યારે ચીને છેલ્લા 10 વર્ષમાં અરુણાચલના સ્થળોના નામ બદલ્યા છે.

 

આ ઘટનાક્રમ ડિસેમ્બર 2022માં તવાંગ સેક્ટરમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે થયેલી અથડામણ બાદ સામે આવ્યો છે, જેમાં બંને પક્ષના કેટલાક જવાનોને નાની ઈજાઓ થઈ હતી. તવાંગ સેક્ટરમાં LAC પર બંને પક્ષોના વિવાદિત દાવાઓના વિસ્તારો છે જ્યાં બંને સેના પેટ્રોલિંગ કરે છે. પેન્ટાગોનના રિપોર્ટ મુજબ 2020માં ચીને અરુણાચલ પ્રદેશ અને તિબેટ સ્વાયત્ત ક્ષેત્ર વચ્ચેના વિવાદિત વિસ્તારમાં 100 ઘરોનું એક મોટું નાગરિક ગામ બનાવ્યું હતું.

 

ચીન અક્સાઈ ચીનમાં ત્રીજી નવી વહીવટી કાઉન્ટી પણ સ્થાપી રહ્યું છે, જેને ભારત પોતાનો સાર્વભૌમ પ્રદેશ માને છે. નિષ્ણાતો માને છે કે પૂર્વ લડાખ બાદ ચીન હવે પૂર્વોત્તરમાં અરુણાચલ સરહદે 'નવા તથ્યો' ઉભા કરીને દબાણ વધારવા માંગે છે. જોકે ચીને કહ્યું છે કે ભારત સાથે સંબંધો સુધારવાની તેની નીતિમાં કોઈ ફેરફાર નથી.

(3:55 PM IST)