News of Friday, 13th November 2026
દિવાળી પછી HULનો ગ્રાહકોને ઝટકોઃ ડિટર્જન્ટ પાવડરના ભાવમાં વધારોઃ ‘સફેદીની ચમકાર' થઈ મોંઘી
રોજિંદા વપરાશના ઉત્પાદનો બનાવતી કંપની એચયુએલે ડિટર્જન્ટ અને સાબુના ભાવમાં રૂા.૧ થી લઈને રૂા.૧૦ સુધીનો વધારો જાહેર કર્યો : ઉત્પાદન ખર્ચ વધતા કંપનીએ આ નવો ભાવવધારો તાત્કાલિક અસરથી લાગુ કર્યો છે. મોંઘવારી વચ્ચે ઘરનું માસિક બજેટ ખોરવાશે

નવી દિલ્હી તા.૧૩: દિવાળી પૂર્ણ થતાની સાથે જ નાગરિકોના ખિસ્સામાં બોજ વધ્યો છે. દેશની સૌથી મોટી એફએમસીજી કંપની HUL એટલે કે, હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડે નાગરિકોને મોટો ઝટકો આપ્યો છે. કંપનીએ કપડાં ધોવાના સાબુ અને ડિટર્જન્ટ પાવડરના ભાવમાં મોટો વધારો ઝીંકી દીધો છે. આ વધારો ૧ રૂપિયાથી લઈને ૧૦ રૂપિયા સુધીનો કરવામાં આવ્યો છે. કંપનીએ ઉત્પાદન ખર્ચનું દબાણ ઘટાડવા તેમજ નફાનું પ્રમાણ જાળવી રાખવા આ નિર્ણય લીધો છે. કંપનીએ સર્ફ એક્સેલ, રીન અને વ્હીલ જેવી બ્રાન્ડ્સની એમઆરપીમાં ૧૧ ટકા સુધીનો વધારો જાહેર કર્યો છે. કાચા માલની કિમતોમાં અસ્થિરતા વચ્ચે કંપનીએ કિમતો વધારવી પડી છે. મોંઘવારીના બોજ હેઠળ સમાન્ય જનતા વધુ દબાતી જશે તેમાં કોઈ અતિશયોક્તિ નથી.
મહત્વનું છે કે, કંપનીએ પેકિંગ સાઇઝ પ્રમાણે કિમતોમાં સુધારો કર્યો છે. સર્ફ એક્સેલ ક્વિક વોશના ૧ કિલોવાળા પેકની કિમત ૨૩૫ રૂપિયાથી વધારીને ૨૪૫ રૂપિયા કરવામાં આવી છે. આ જ શ્રેણીના ૫૦૦ ગ્રામ પેકનો ભાવ હવે ૧૨૩ રૂપિયાથી વધીને ૧૨૮ રૂપિયા થયો છે. સર્ફ એક્સેલ ઇઝી વોશના ૧ કિલોવાળા પેકની કિમત ૧૬૭ રૂપિયાથી ૫ રૂપિયા વધારીને ૧૭૨ રૂપિયા કરી છે. જ્યારે ૫૦૦ ગ્રામ પેક ૮૫ રૂપિયાથી વધીને ૮૭ રૂપિયા થયો છે. સર્ફ એક્સેલ સાબુ ૨૫૦ ગ્રામ પેક ૪૨ રૂપિયાથી વધીને ૪૫ રૂપિયા થયો છે. ૨૦૦ ગ્રામના ૪ સાબુવાળું ફેમિલી પેક ૧૪૫ રૂપિયાથી વધીને ૧૫૫ રૂપિયા થઈ ગયું છે.
કંપનીએ રીન અને વ્હીલ બ્રાન્ડની કિમતોમાં પણ સારો એવો વધારો કર્યો છે. સફેદ કપડાં ચમકાવવા વપરાતા રીન આલા ૫૦૦ મિલીલીટરની કિમત ૯૦ રૂપિયાથી વધીને ૯૫ રૂપિયા પહોંચી ગઈ છે. રીન ડિટર્જન્ટ પાઉડરના ૧ કિલોવાળા પેકના ભાવ ૧૨૦ રૂપિયાથી વધારીને ૧૨૩ રૂપિયા કરવામાં આવ્યા છે. તેના ૫૦૦ ગ્રામ પેકનો ભાવ ૬૧ રૂપિયાથી વધીને ૬૩ રૂપિયા થયો છે. સામાન્ય વર્ગમાં લોકપ્રિય વ્હીલ ડિટર્જન્ટ પાવડરના ૧ કિલો પેકનો ભાવ ૯૦ રૂપિયાથી વધીને ૯૩ રૂપિયા થયો છે. તેમજ તેના ૫૦૦ ગ્રામ પેકનો ભાવ ૪૬ રૂપિયાથી વધારીને ૪૭ રૂપિયા કરી દેવામાં આવ્યો છે.
આ સિવાય કંપનીએ મોતી ગુલાબ સાબુ ૧૫૦ ગ્રામ પેકની કિમત પણ ૭૪ રૂપિયાથી વધારીને ૮૨ રૂપિયા કરી દીધી છે. આ સાબુમાં સીધો ૧૦ ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે. હાલ બજારમાં કાચા માલના ભાવ ખૂબ વધી રહ્યા છે. તમામ રોજિંદા વપરાશની વસ્તુઓ બનાવતી કંપનીઓ ઉત્પાદન ખર્ચને પહોંચી વળવા દરો વધારી રહી છે. કંપનીઓ પોતાના વેચાણનો વ્યાપ ઘટવા દીધા વિના નફો મેળવવા સંઘર્ષ કરી રહી છે. આ ભાવ વધારાની સીધી અસર ગૃહિણીઓના માસિક બજેટ પર પડશે. દૈનિક વપરાશની ચીજવસ્તુઓ મોંઘી થવાથી સામાન્ય લોકોનો ખર્ચ નોંધપાત્ર રીતે વધશે.
(9:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
