તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૨ મંગળવાર
News of Saturday, 10th October 2026
દીપકેની અટકાયત બાદ હવે CJPની કમાન કોના હાથમાં? પ્લેનમાંથી પકડાતાં પહેલાં જ સોંપી દીધી હતી જવાબદારી!
દિલ્હી એરપોર્ટ પર વિમાનમાં ઘૂસીને જ અભિજીત દિપકે, સૌરવ દાસ અને આશુતોષ રંકાની અટકાયત - રાત્રે જ પ્રી-રેકોર્ડેડ વીડિયો બનાવી અજિંક્ય શિંદેને સોંપ્યું નેતૃત્વ

નવી દિલ્હી તા.૧૦જંતર-મંતર પર મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવા મુંબઈથી દિલ્હી પહોંચેલા કોકરોચ જનતા પાર્ટી (CJP) ના સ્થાપક અભિજીત દિપકેની પ્લેનમાંથી જ અટકાયત કરવામાં આવી છે.
દિલ્હી પોલીસ વિમાન લેન્ડ થતા જ ફ્લાઈટની અંદર ઘૂસી ગઈ હતી અને દિપકે સહિત સહ-સંયોજક આશુતોષ રંકા અને સૌરવ દાસને ગેટ નં.9 પાસેથી કસ્ટડીમાં લીધા હતા. આ દરમિયાન દિપકેએ ફેસબુક લાઈવ કર્યું હતું અને કહ્યું હતું - _"તમે જુઓ દેશ કઈ દિશામાં જઈ રહ્યો છે, અમને ફ્લાઈટની અંદરથી જ પકડાય છે, ઈન્દિરા ગાંધીની ઈમરજન્સીમાં પણ આવું નહોતું થયું. આ સરમુખત્યારશાહી છે, પણ અમે ડરતા નથી."
દિપકેને અંદાજો હતો કે તેની ધરપકડ થશે, તેથી તેણે શુક્રવારે રાત્રે જ એક પ્રી-રેકોર્ડેડ વીડિયો બનાવી રાખ્યો હતો. અટકાયત બાદ તરત જ CJP ના X હેન્ડલ પરથી વીડિયો શેર કરવામાં આવ્યો જેમાં તેણે કહ્યું હતું -
_"જો તમે આ વીડિયો જોઈ રહ્યા છો, તો એનો અર્થ છે કે હું, સૌરવ અને આશુતોષની ધરપકડ થઈ ગઈ છે. અમારી ગેરહાજરીમાં અજિંક્ય આંદોલનનું નેતૃત્વ કરશે. કૃપા કરીને તેને ફોલો કરો."
હવે CJP ના ઓર્ગેનાઈઝેશન ઈન્ચાર્જ *અજિંક્ય શિંદે* દિલ્હીના જંતર-મંતર પરના વિરોધનું નેતૃત્વ કરશે. શિંદેએ પણ વીડિયો જાહેર કરીને કહ્યું - _"સરકાર આપણી એકતાથી ડરે છે, જ્યાં પોલીસ રોકે ત્યાં જ તે જગ્યાને જંતર-મંતર બનાવી દો."
નોંધનીય છે કે આ પહેલા ડિજિટલ ક્રિએટર ધ્રુવ રાઠી અને CJP ના કાનૂની વડા રત્ના સિંહની પણ અટકાયત કરવામાં આવી છે. દિલ્હીમાં જંતર-મંતર આસપાસ કલમ 163 લાગુ કરી 500થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી હોવાના અહેવાલ છે.
અજિંક્ય શિંદે મૂળ મહારાષ્ટ્રના અલીબાગના છે, તેઓ AAP ની મહારાષ્ટ્ર ટીમમાં સોશિયલ મીડિયા કોઓર્ડિનેટર તરીકે કામ કરી ચૂક્યા છે અને 2016માં ગોવામાં દિપકેને મળ્યા બાદથી નજીકના સાથી છે.
(4:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
