News of Thursday, 28th May 2026
બંગાળમાં કારમી હાર બાદ મમતા બેનર્જીને વધુ એક ફટકો: આર.જી. કર કાંડ અને ભ્રષ્ટાચારથી નારાજ શાંતનુ સેનનું રાજીનામું
વિધાનસભા ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસના પરાજય બાદ પક્ષમાં આંતરિક બળવો તીવ્ર બન્યો

કોલકાતા: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ ની કારમી હાર બાદ પક્ષમાં મોટો ભૂકંપ આવ્યો છે. ચૂંટણી પરિણામોના આંચકા હજુ શમ્યા નથી ત્યાં જ તૃણમૂલ કોંગ્રેસની વધુ એક મોટી વિકેટ પડી ગઈ છે. રાજ્યસભાના પૂર્વ સાંસદ અને પક્ષના વરિષ્ઠ નેતા ડૉ. શાંતનુ સેને ગુરુવારે ટીએમસીના રાષ્ટ્રીય પ્રવક્તા પદેથી સત્તાવાર રીતે રાજીનામું આપી દીધું છે. કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનના કાઉન્સિલર સેને મમતા બેનર્જીને મોકલેલા પોતાના પત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે તેઓ પશ્ચિમ બંગાળની જનતાના જનાદેશને માન આપીને આ પદ છોડી રહ્યા છે, જેનાથી પક્ષની અંદર મચેલી આંતરિક અંધાધૂંધી હવે જાહેરમાં આવી ગઈ છે.
પેશાથી ડૉક્ટર એવા શાંતનુ સેને પોતાના રાજીનામા પાછળ કોલકાતાની આર.જી. કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં બનેલી કલંકિત બળાત્કાર અને હત્યાની ઘટના તેમજ સંસ્થામાં વ્યાપ્ત ભ્રષ્ટાચારને મુખ્ય કારણ ગણાવ્યું છે. આ ભયાનક કાંડ બાદ હોસ્પિટલ પ્રશાસનની મનમાની અને અનિયમિતતાઓ વિરુદ્ધ પક્ષમાં રહીને ખુલ્લેઆમ અવાજ ઉઠાવનારા સેન અગ્રણી નેતા હતા. જો કે, તે સમયે સત્ય બોલવા બદલ તેમને "પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ"ના બહાને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા. ભલે તેમણે અત્યારે પ્રવક્તા પદ છોડ્યું છે અને પક્ષમાં યથાવત છે, પરંતુ આ કડાકા ભડાકા દર્શાવે છે કે ટીએમસીના નેતાઓ હવે મમતા બેનર્જીની કાર્યશૈલી અને નેતૃત્વ સામે બળવો કરવા મજબૂર બન્યા છે.
બીજી તરફ, મમતા બેનર્જીના અતિ નજીકના ગણાતા વરિષ્ઠ સાંસદ સુખેન્દુ શેખર રોયે પણ પોતાની જ સરકાર અને વહીવટી તંત્રની આકરી આલોચના કરીને સળગતા સવાલો ઉભા કર્યા છે. તેમણે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે જે જનતાએ આપણને ૨૯ લોકસભા બેઠકો જીતાડી, તે જ જનતા આર.જી. કર કાંડ બાદ લાખોની સંખ્યામાં ન્યાય માટે આખી રાત રસ્તાઓ પર ઉતરી આવી હતી, પરંતુ આપણું આખું તંત્ર સત્ય છુપાવવા અને લોકોના અવાજને દબાવવામાં વ્યસ્ત રહ્યું. તેમણે ચેતવણી સૂર રેડતા કહ્યું કે દુનિયાની કોઈપણ લોકશાહીમાં જો શાસક પક્ષ જનતાના આક્રોશને નજરઅંદાજ કરે તો તેનું પતન નિશ્ચિત હોય છે. આ આંતરિક ઘર્ષણને કારણે બંગાળના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે.
(9:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
