<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 10th May 2026

બંગાળના વિજય બાદ હવે ભાજપનું 'મિશન સાઉથ': દક્ષિણ ભારતના અભેદ્ય કિલ્લાઓ જીતવા માટે કેન્દ્રીય નેતૃત્વએ તૈયાર કર્યો માસ્ટર પ્લાન

પશ્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તન બાદ હવે તેલંગણા, તમિલનાડુ અને કેરળમાં ભગવો લહેરાવવા રણનીતિ ઘડાઈ: પ્રાદેશિક પક્ષોના ગઢમાં ગાબડા પાડી દરિયાકાંઠાના તમામ રાજ્યોમાં કમળ ખીલવવા ભાજપના ચાણક્યની નજર

નવી દિલ્હી : પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીના દાયકાઓ જૂના ગઢને ધરાશાયી કર્યા બાદ હવે ભારતીય જનતા પાર્ટીએ પોતાનું સંપૂર્ણ ધ્યાન દક્ષિણ ભારત પર કેન્દ્રિત કર્યું છે. ૧૯૮૦માં અરબ સાગરના કાંઠેથી શરૂ થયેલી ભાજપની રાજકીય સફર ૪૬ વર્ષ બાદ ગંગાસાગર સુધી તો પહોંચી ગઈ છે, પરંતુ હવે હિન્દ મહાસાગરના કાંઠાના રાજ્યો જીતવાનું મિશન હાથ ધરવામાં આવ્યું છે. પાર્ટીનો આગામી એક દાયકાનો લક્ષ્યાંક તમામ સમુદ્રી સરહદો ધરાવતા પ્રદેશોમાં સત્તા સ્થાપિત કરવાનો છે, જેમાં તેલંગણા હાલ ભાજપની પ્રાથમિકતાના લિસ્ટમાં ટોચ પર હોવાનું મનાય છે.

વર્ષ ૨૦૧૪માં કેન્દ્રમાં સત્તા સંભાળ્યા બાદ અમિત શાહે પૂર્વોત્તર અને કોરોમંડળ વિસ્તારમાં ભાજપના વિસ્તરણનો જે રોડમેપ તૈયાર કર્યો હતો, તે હવે તેના અંતિમ ચરણમાં પહોંચી રહ્યો છે. પૂર્વોત્તરમાં કોંગ્રેસના સુપડા સાફ કર્યા બાદ અને ઓડિશા તેમજ બંગાળમાં મજબૂત પકડ બનાવ્યા પછી હવે ભાજપ દક્ષિણના પાંચ રાજ્યોમાં કબ્જો જમાવવા આતુર છે. આંધ્રપ્રદેશમાં ગઠબંધન સરકાર અને કર્ણાટકમાં વાપસીના ભરોસા વચ્ચે હવે તેલંગણા, તમિલનાડુ અને કેરળ જેવા અઘરા રાજ્યોમાં વિરોધી પક્ષોના પાયા હલાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

તમિલનાડુમાં ભાજપ 'બંગાળ ફોર્મ્યુલા' અપનાવીને અન્નાદ્રમુકના દિગ્ગજ નેતાઓને પોતાની સાથે લાવીને સંગઠન મજબૂત કરી રહ્યું છે, જ્યારે કેરળમાં ડાબેરી પક્ષોના ઘટતા પ્રભાવનો લાભ લઈને તેમનું સ્થાન મેળવવાની વ્યૂહરચના છે. કેરળમાં આરએસએસના મજબૂત નેટવર્ક અને ખ્રિસ્તી સમુદાયમાં વધતી જતી લોકપ્રિયતાને આધારે ભાજપ હિન્દુ મતોના ધ્રુવીકરણ પર ધ્યાન આપી રહ્યું છે. આમ, આવનારા વર્ષોમાં દક્ષિણ ભારતના રાજકારણમાં ભાજપ એક મુખ્ય ધરી તરીકે ઉભરી આવે તેવી પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે.

(11:38 AM IST)