<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th November 2026

ઓસ્ટ્રેલિયા પછી હવે બાંગ્લાદેશમાં પણ 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ : હાઇકોર્ટે વચગાળાની માર્ગદર્શિકા બનાવવા આદેશ આપ્યો

એલ્ગોરિધમ આધારિત ફીડ બાળકોના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે, સાયબર નિષ્ણાત, બાળ મનોવિજ્ઞાની અને ડોક્ટરોની સ્વતંત્ર સમિતિ બનાવાશે

ઢાકા તા.૨૪ : ઓસ્ટ્રેલિયા બાદ હવે બાંગ્લાદેશે પણ 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાની દિશામાં મોટું પગલું ભર્યું છે, બાંગ્લાદેશની સુપ્રીમ કોર્ટના હાઇકોર્ટ ડિવિઝને રવિવારે 22 નવેમ્બરના રોજ આદેશ આપ્યો છે કે 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરતા અટકાવવા માટે ફરજિયાત વચગાળાની માર્ગદર્શિકા તાત્કાલિક ઘડવામાં આવે, જસ્ટિસ સિકદર મહમુદુર રાઝી અને જસ્ટિસ ફાતેમા અન્વરની બેન્ચે જાહેરહિતની રિટ અરજીની પ્રાથમિક સુનાવણી બાદ આ આદેશ આપ્યો હતો, આ અરજી આ મહિનાની શરૂઆતમાં સુપ્રીમ કોર્ટના વકીલ મોહમ્મદ ફૈસલ દસ્તગીરે દાખલ કરી હતી, જેમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા નિયમન અંગે રાષ્ટ્રીય નીતિ બનાવવામાં સરકારની નિષ્ફળતા સામે સવાલ ઉઠાવવામાં આવ્યો હતો, કોર્ટે પોસ્ટ અને ટેલિકોમ્યુનિકેશન ડિવિઝનના સચિવ અને બાંગ્લાદેશ ટેલિકોમ્યુનિકેશન રેગ્યુલેટરી કમિશન BTRC ના ચેરમેન સહિતના પ્રતિવાદીઓને જરૂરી પગલાં લેવા નિર્દેશ આપ્યો છે, કોર્ટે તાત્કાલિક સ્વતંત્ર નિષ્ણાત સમિતિની રચના કરવાનો પણ આદેશ આપ્યો છે, જેમાં સાયબર સિક્યોરિટી નિષ્ણાતો, બાળ મનોવિજ્ઞાનીઓ, બાળરોગ નિષ્ણાત ડોક્ટરો અને કાયદા નિષ્ણાતોનો સમાવેશ થશે, આ સમિતિ એલ્ગોરિધમ આધારિત કન્ટેન્ટ ફીડ બાળકોના વર્તન, કન્ટેન્ટના સંપર્ક અને એકંદર વિકાસ પર કેવી માળખાકીય અસર કરે છે તેનું મૂલ્યાંકન કરશે અને તેના આધારે વ્યાપક નીતિ ઘડવામાં મદદ કરશે, કોર્ટે સત્તાવાળાઓને ચાર અઠવાડિયામાં જવાબ આપવા પણ કહ્યું છે કે બાળકો માટે સોશિયલ મીડિયા નિયમનની નીતિ ન બનાવવી અને સ્વતંત્ર સમિતિ ન બનાવવી તેને ગેરકાયદેસર અને સત્તાની બહારનું કેમ ન જાહેર કરવું, આ આદેશ પાછળનું મુખ્ય કારણ બાળકોમાં વધતા ડિજિટલ એક્સપોઝરથી તેમના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર પડતી ખરાબ અસર અંગેની વધતી ચિંતા છે, આખી દુનિયામાં બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર સોશિયલ મીડિયાની અસર અંગે ચર્ચા ચાલી રહી છે, ઓસ્ટ્રેલિયાએ તો 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકીને વિશ્વમાં પહેલ કરી છે, હવે બાંગ્લાદેશ પણ તે જ રસ્તે આગળ વધી રહ્યું છે, જોકે હાલ કોર્ટે સીધો પ્રતિબંધ નથી લગાવ્યો, પરંતુ વચગાળાની માર્ગદર્શિકા અને નિષ્ણાત સમિતિ દ્વારા કાયમી નીતિ બનાવવાનો માર્ગ ખોલ્યો છે, આ નિર્ણયથી બાંગ્લાદેશમાં સોશિયલ મીડિયા કંપનીઓ, વાલીઓ અને શાળાઓમાં પણ નવી ચર્ચા શરૂ થઈ છે.

(3:47 PM IST)