News of Wednesday, 11th November 2026
મુંબઈના સાયન વિસ્તારમાં આવેલી પ્રતિક્ષા નગરમાં મોડી સાંજે ભીષણ આગ બાદ ત્રણ ધડાકા : ૧ થી ૨ લોકો ઈજાગ્રસ્ત : દહેશતનો માહોલ
L7 બિલ્ડિંગ અને સ્થાનિક દુકાનો વચ્ચેના ભાગમાં અચાનક આગ લાગતાં સિલિન્ડર બ્લાસ્ટ થવાની શંકા : ફાયર બ્રિગેડની ૬ ગાડીઓએ સ્થળ પર પહોંચી આગ પર મેળવ્યો કાબૂ

મુંબઈ: મુંબઈના સાયન વિસ્તારમાં આવેલી પ્રતિક્ષા નગરમાં મંગળવારે મોડી સાંજે એક ભયાનક આગની ઘટના સામે આવી છે. પ્રતિક્ષા નગર સ્થિત એલ૭ બિલ્ડિંગની પાછળ અને સ્થાનિક દુકાનો વચ્ચેના ભાગમાં અચાનક ભીષણ આગ ભાળકી ઊઠી હતી. આ ગમખ્વાર આગ લાગ્યા બાદ એકપછી એક ત્રણ શક્તિશાળી ધડાકા થતાં સમગ્ર વિસ્તારમાં ભારે અફડાતફડી અને દહેશતનો માહોલ સર્જાયો હતો. ગોવર્ધન પૂજાના બીજા દિવસે અને ભાઈબીજના પૂર્વસંધ્યાએ સર્જાયેલી આ દુર્ઘટનામાં આશરે ૧ થી ૨ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ મળ્યા છે.
સિલિન્ડર ધડાકા થવાની આશંકા અને સ્થાનિકો દ્વારા મદદ:
પ્રાથમિક માહિતી અનુસાર, આગની લપેટમાં આવ્યા બાદ શક્યતઃ રાંધણ ગેસના સિલિન્ડર ફાટવાને કારણે આ ત્રણ ધડાકા થયા હતા. અકસ્માત સર્જાતાં જ સ્થાનિક રહીશો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આગ અને ધડાકાના અવાજથી આસપાસના લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. બિલ્ડિંગમાં રહેતા લોકો સલામત સ્થળે આશ્રય લેવા લાગ્યા હતા, જ્યારે કે કેટલાક લોકો નીચે રસ્તા પર દોડી આવ્યા હતા.
ફાયર બ્રિગેડ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે:
બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ૬ ગાડીઓ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. સાથોસાથ સ્થાનિક પોલીસ કાફલો પણ સ્થળ પર આવી પહોંચ્યો હતો અને સુરક્ષાના ભાગરૂપે ભેગા થયેલા લોકોના ટોળાને દૂર કરી પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવ્યું હતું. આગ લાગવાનું ચોક્કસ કારણ, ધડાકા પાછળના સંજોગો તેમજ થયેલા આર્થિક નુકસાન અંગે પોલીસ અને ફાયર બ્રિગેડ દ્વારા વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.
(12:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
