તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 27th September 2026
બેંક કર્મચારી મંડળો અને ઇન્ડિયન બેંક્સ એસોસિએશન વચ્ચેની મોડી રાત્રિની બેઠક બાદ સોમવારથી ૩ દિવસીય દેશવ્યાપી હડતાળ મુલતવી રખાઈ : ઇન્ડિયન બેંક્સ એસોસિએશન (IBA) અને યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU) ના નેતાઓ વચ્ચે રવિવારે મોડી રાત્રે યોજાયેલી મહત્વપૂર્ણ બેઠક
પાંચ દિવસના વર્કિંગ વીકની મુખ્ય માંગણી સાથે ૨૮ થી ૩૦ સપ્ટેમ્બર સુધી યોજાનારી હડતાળ પાછી ખેંચાતાં બેંકિંગ સેવાઓ પૂર્વવત રહેશે : નાણા મંત્રાલયની અપીલ અને મધ્યસ્થતા બાદ યુનિયનોએ લીધો નિર્ણય

નવી દિલ્હી:ઇન્ડિયન બેંક્સ એસોસિએશન (IBA) અને યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU) ના નેતાઓ વચ્ચે રવિવારે મોડી રાત્રે યોજાયેલી મહત્વપૂર્ણ બેઠક બાદ બેંક કર્મચારીઓ દ્વારા સોમવારથી શરૂ થનારી ત્રણ દિવસીય દેશવ્યાપી હડતાળ મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયને પગલે દેશભરના બેંક ગ્રાહકોને મોટી રાહત મળી છે અને સોમવારથી તમામ સરકારી તેમજ ખાનગી બેંકોમાં કામકાજ સામાન્ય રીતે ચાલુ રહેશે.
UFBU દ્વારા બેંક કર્મચારીઓ માટે સપ્તાહમાં પાંચ દિવસ કામકાજ (ફાઈવ-ડે વીક) ની નીતિ લાગુ કરવાની મુખ્ય માંગ સાથે ૨૮ થી ૩૦ સપ્ટેમ્બર સુધી દેશવ્યાપી હડતાળનું આહ્વાન કરવામાં આવ્યું હતું. મોટાભાગના બેંક કર્મચારીઓનું પ્રતિનિધિત્વ કરતા આ યુનિયને રજૂઆત કરી હતી કે કર્મચારીઓએ લાંબા કલાકો સુધી કામ કરવું પડે છે, જેથી તમામ શનિવારે જાહેર રજા મળવી જોઈએ. હાલમાં દેશની બેંકો દર મહિનાના માત્ર બીજા અને ચોથા શનિવારે જ બંધ રહે છે.
અગાઉની વેતન મંત્રણાઓ દરમિયાન પાંચ દિવસના વર્કિંગ વીક અંગે સંમતિ સાધવામાં આવી હતી કે કેમ તે મુદ્દે છેલ્લા કેટલાક અઠવાડિયાથી સરકાર અને યુનિયનો વચ્ચે ખેંચતાણ ચાલી રહી હતી. બેંક યુનિયનોનો દાવો છે કે આ પ્રસ્તાવ પર છેલ્લા બે વર્ષથી વધુ સમયથી ચર્ચા ચાલી રહી છે, જ્યારે સરકારી સૂત્રો મુજબ આ માંગણી પર કોઈ અંતિમ સંમતિ થઈ નહોતી અને તેને વેતન કરારનો ભાગ પણ બનાવવામાં આવ્યો નહોતો.
હડતાળના કારણે દેશભરમાં નાણાકીય વ્યવહારો અને બેંકિંગ સેવાઓ ખોરવાઈ જવાની ભીતિ સર્જાતા નાણા મંત્રાલયે બેંક કર્મચારીઓને હડતાળનો માર્ગ ન અપનાવવા અપીલ કરી હતી. મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે ફેમિલી પેન્શનમાં સુધારા સહિતની અન્ય ક્ષેત્રીય માંગણીઓ અગાઉની વાટાઘાટોમાં ઉકેલી દેવાઈ છે, જ્યારે પર્ફોર્મન્સ લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ હાલ પૂરતી મુલતવી રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે UFBU દ્વારા પાંચ દિવસના કામકાજની માંગ પૂરી ન થાય તો ૨૬ ઓક્ટોબરથી અનિશ્ચિત મુદતની હડતાળ પર જવાની પણ ચીમકી આપવામાં આવી હતી, પરંતુ રવિવારની બેઠક બાદ આગળની વ્યૂહરચના અંગેની સ્થિતિ ટૂંક સમયમાં સ્પષ્ટ થશે.
(11:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
