<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th October 2026

૨૫ વર્ષની તરસ અને 'ગામ વેચાણ માટે'ના બેનરો બાદ સફાળી જાગી સરકાર: જાન્યુઆરી સુધીમાં પાઈપલાઈનથી પાણી પહોંચાડવાની કટિબદ્ધતા

સોલાપુરના તુળસી ગામના અનોખા વિરોધ સામે નમ્યું તંત્ર: ગ્રામ વિકાસ મંત્રીની સીધી મુલાકાત બાદ ગામજનોએ આખરે બેનરો હટાવ્યા

સોલાપુર : છેલ્લા ૨૫ વર્ષથી પીવાના અને સિંચાઈના પાણી માટે તરસતા મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના તુળસી ગામે આખરે તંત્ર અને સરકારનું ધ્યાન ખેંચવામાં સફળતા મેળવી છે. પાકના ધોવાણ અને ભારે જળસંકટથી કંટાળીને ગ્રામજનોએ ૨,૭૦૦ હેક્ટરમાં ફેલાયેલા સમગ્ર ગામને ‘વેચાણ માટે’ હોવાના બેનરો લગાવીને અનોખો અને આક્રમક વિરોધ નોંધાવ્યો હતો. આ ઘટના વાયરલ થતાં જ મહારાષ્ટ્ર સરકાર સફાળી જાગી હતી અને ગ્રામ વિકાસ તથા પંચાયતી રાજ મંત્રી જયકુમાર ગોરેએ રૂબરૂ ગામની મુલાકાત લઈને આવતા જાન્યુઆરી સુધીમાં પાઈપલાઈન મારફતે પાણી પહોંચાડવાનું સત્તાવાર વચન આપ્યું હતું.

 

ભૌગોલિક રીતે તુળસી ગામ સિના-માઢા લિફ્ટ સિંચાઈ યોજનાથી માત્ર ૯ કિલોમીટર દૂર આવેલું છે, છતાં યોજના અમલમાં આવ્યાના અઢી દાયકા વિત્યા પછી પણ ગામને પાણીનું એક ટીપું મળ્યું નહોતું. ચાલુ વર્ષે સતત ૪૫ દિવસથી વધુ સમય સુધી વરસાદ ન પડતાં સમગ્ર વિસ્તારમાં દુષ્કાળ જેવી કપરી પરિસ્થિતિ સર્જાઈ હતી. આસપાસના અન્ય ગામોને પાઈપલાઈનથી સરળતાથી પાણી મળતું હોવા છતાં તુળસી ગામ સતત ઉપેક્ષાનો ભોગ બનતું આવ્યું હતું, જેને કારણે આક્રોશિત બનેલા સરપંચ શરદ મોરે અને ગ્રામજનોએ સમગ્ર ગામ વેચવાના બેનરો ઝૂલાવ્યા હતા.

 

મુખ્યમંત્રીની સીધી સૂચના બાદ સ્થળ પર પહોંચેલા મંત્રી જયકુમાર ગોરેએ સ્થિતિનું નિરીક્ષણ કરીને જણાવ્યું હતું કે, "રાજ્ય સરકાર તુળસી ગામની જળ સમસ્યા પ્રત્યે અત્યંત ગંભીર છે. જળસંપદા વિભાગ પાસેથી તમામ જરૂરી મંજૂરીઓ મેળવીને સિના-માઢા યોજનામાંથી તુળસી સુધી બંધ પાઈપલાઈન નાખવાની કામગીરી તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવશે." સરકારે આવામી જાન્યુઆરી મહિના સુધીમાં આ પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો સ્પષ્ટ નિર્ધાર વ્યક્ત કર્યો છે.

 

આ સરકારી ખાતરી અને તંત્રના હસ્તક્ષેપ બાદ આક્રોશિત ગ્રામજનોએ પોતાના 'ગામ વેચાણ માટે'ના બેનરો ઉતારી લીધા છે. મંત્રીની મુલાકાત અગાઉ જિલ્લા કલેક્ટર એસ. કાર્તિકેયને પણ ગામની મુલાકાત લઈને સર્વે કરાવ્યો હતો અને સિંચાઈ વિભાગે જળવિજ્ઞાન સંબંધિત વિગતવાર સર્વે રિપોર્ટ તૈયાર કરીને કેનાલ નેટવર્ક વિસ્તરણ માટેનો પ્રસ્તાવ રાજ્ય સરકારને રવાના કરી દીધો છે.

 

ગામના સરપંચ શરદ મોરેના જણાવ્યા અનુસાર, નવી પાઈપલાઈન યોજના શરૂ થવાથી ગામના ઐતિહાસિક ભવાની પરકોલેશન તળાવને પણ ફરીથી પાણીથી ભરી શકાશે. આ તળાવ ભરાવાથી ગામના ઉત્તર ભાગમાં આવેલા આશરે ૫૦૦ એકર વિસ્તારની ખેતી અને પીવાના પાણીની વિકટ સમસ્યાનો કાયમી ઉકેલ આવી જશે. જેનાથી સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોને આર્થિક તથા સામાજિક સ્તરે મોટી રાહત મળશે.

 

હાલ પૂરતું સરકારી આશ્વાસન મળતાં ગામમાં વિરોધ પ્રદર્શન સમી ગયું છે, પરંતુ ૨૫ વર્ષથી સતત અન્યાય સહન કરનાર તુળસીના ગ્રામજનો હવે સરકારના શબ્દો કાગળ પરથી જમીન પર ઉતરે છે કે નહીં તેના પર ચાંપતી નજર રાખી રહ્યા છે. જાન્યુઆરી માસની સમયમર્યાદામાં પાઈપલાઈનનું કામ પૂરું થઈને તુળસી ગામ સુધી પાણી પહોંચે છે કે કેમ, તે જોવું આગામી દિવસોમાં રસપ્રદ રહેશે.

(8:28 PM IST)