તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 22nd July 2026
૧૬ વર્ષની કાનૂની જંગ બાદ લલિત મોદીની ભારતમાં ઘરવાપસી: ED કેસમાં મોટી રાહત મળતાં કરી જાહેરાત
SAFEMA એપેલેટ ટ્રિબ્યુનલે ૨૦૦૯ના આઈપીએલ દક્ષિણ આફ્રિકા FEMA કેસમાં મોટાભાગના દંડ અને આરોપો ફગાવ્યા: સત્યની જીત ગણાવતા IPLના પૂર્વ ચેરમેને આ વર્ષના અંત સુધીમાં ભારત પરત ફરવાનો વ્યક્ત કર્યો નિર્ધાર

લંડન : ઇન્ડિયન પ્રીમિયર લીગ ના સ્થાપક અને ભૂતપૂર્વ ચેરમેન લલિત મોદી માટે ૧૬ વર્ષથી ચાલી રહેલી કાનૂની લડાઈમાં એક ઐતિહાસિક મોડ આવ્યો છે. ૨૦૦૯માં દક્ષિણ આફ્રિકામાં યોજાયેલી આઈપીએલની બીજી સીઝન સંબંધિત વિદેશી હૂંડિયામણ સંચાલન કાયદા હેઠળ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા લાદવામાં આવેલા મોટાભાગના દંડ અને આક્ષેપોને SAFEMA એપેલેટ ટ્રિબ્યુનલે રદ કરી દીધા છે. આ ચુકાદાથી મોદી સામેના નાણાકીય ગેરરીતિઓના કેસ નબળા પડ્યા છે, જેને તેમની મોટી કાનૂની જીત ગણવામાં આવી રહી છે.
આ નિર્ણય પર પ્રતિક્રિયા આપતાં લલિત મોદીએ જણાવ્યું કે, "હું છેલ્લા ૧૬ વર્ષથી જે સત્યની લડાઈ લડી રહ્યો હતો, આજે કોર્ટે તેના પર મહોર મારી છે. મારો એકમાત્ર ઉદ્દેશ્ય હંમેશા IPLનું શ્રેષ્ઠ હિત જાળવવાનો જ હતો." ૨૦૧૦માં ભારત છોડ્યા બાદ વિદેશમાં વસવાટ કરી રહેલા મોદીએ સ્પષ્ટ કર્યું કે આ ચુકાદા સાથે જ તેમના જીવનનો એક લાંબો સંઘર્ષપૂર્ણ અધ્યાય પૂરો થયો છે અને તેઓ આ વર્ષના અંત સુધીમાં અથવા આગામી વર્ષની શરૂઆતમાં સ્વદેશ પરત ફરશે.
ભારત પરત ફરવાના નિર્ણય પાછળ કાનૂની રાહતની સાથે એક પારિવારિક કારણ પણ છે. ઓક્ટોબર મહિનામાં તેમની પુત્રી મા બનવાની હોવાથી તેઓ દાદા બનવા જઈ રહ્યા છે. આ પારિવારિક ખુશી મેળવ્યા બાદ તેઓ ભારતમાં પુનઃ પગ મૂકીને નવી શરૂઆત કરવા માંગે છે. આ કાનૂની સફળતા બાદ ભારતીય રમતગમત અને રાજકીય વર્તુળોમાં લલિત મોદીની 'ઘરવાપસી'ને લઈને ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.
(6:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
