News of Thursday, 14th May 2026
કેરળમાં ૧૦ વર્ષ બાદ ડાબેરીઓના કિલ્લામાં ગાબડું: વી.ડી. સતીસન બનશે નવા મુખ્યમંત્રી, શશી થરૂરે કહ્યું- "આ માત્ર એક વ્યક્તિની નહીં, આખી ટીમ UDFની જીત છે"
૧૪૦માંથી ૧૦૨ બેઠકો જીતીને કોંગ્રેસ ગઠબંધને રચ્યો ઇતિહાસ: શશી થરૂરે સતીસનને ગણાવ્યા સમર્પિત નેતા, નવા મુખ્યમંત્રીએ ‘નવા કેરળ’ના નિર્માણ માટે કમર કસી

તિરુવનંતપુરમ : કેરળના રાજકારણમાં એક નવા યુગની શરૂઆત થઈ છે. ૧૦ વર્ષ સુધી ચાલેલા ડાબેરી શાસનને ઉથલાવીને જનતાએ યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF) ને સત્તા સોંપી છે. કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા વી.ડી. સતીસનના નામની જાહેરાત મુખ્યમંત્રી તરીકે કરવામાં આવી છે. આ નિર્ણયને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ શશી થરૂરે આવકાર્યો છે અને તેને કેરળના લોકોના વિશ્વાસની જીત ગણાવી છે.
થરૂરની પ્રતિક્રિયા: ટીમ વર્ક પર ભાર
શશી થરૂરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાની ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, વી.ડી. સતીસનનું મુખ્યમંત્રી તરીકે ચૂંટાવું એ તેમની વર્ષોની સમર્પિત સેવા અને સંકલ્પનું પરિણામ છે. થરૂરે ભારપૂર્વક કહ્યું કે, "આ જનાદેશ કોઈ એક વ્યક્તિની જીત નથી, પરંતુ તે ‘ટીમ UDF’નો વિજય છે. ગઠબંધનના તમામ ઘટક પક્ષોએ સાથે મળીને એક ન્યાયી અને પ્રગતિશીલ કેરળના નિર્માણ માટે કામ કરવાનું છે." તેમણે વધુમાં ઉમેર્યું કે દરેક વરિષ્ઠ નેતાની જવાબદારી છે કે આ સરકાર લોકોની અપેક્ષાઓ પર ખરી ઉતરે.
વી.ડી. સતીસનનો સંકલ્પ: ‘નવું કેરળ’
મુખ્યમંત્રી પદ માટે પસંદગી થયા બાદ વી.ડી. સતીસને હાઈકમાન્ડનો આભાર માન્યો હતો. તેમણે પત્રકારોને જણાવ્યું કે કેરળની જનતાએ ૧૪૦માંથી ૧૦૨ બેઠકો આપીને અમને જે મોટી જવાબદારી સોંપી છે, તેને અમે સંપૂર્ણ નિષ્ઠાથી નિભાવીશું. સતીસને વચન આપ્યું હતું કે તેમની સરકાર ‘નવું કેરળ’ બનાવવા માટે કટિબદ્ધ છે અને ચૂંટણી દરમિયાન જનતાને આપવામાં આવેલા દરેક વચનો એક પછી એક પૂરા કરવામાં આવશે.
બંગાળમાં પણ હલચલ: મમતા બેનર્જીની હાર પર સયોની ઘોષનું નિવેદન
બીજી તરફ, પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસની હાર બાદ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ટીએમસી સાંસદ સયોની ઘોષે મમતા બેનર્જી સાથેની મુલાકાત બાદ વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું હતું કે, "પક્ષ હાર્યો નથી, પરંતુ મમતા બેનર્જીને મતોની ચોરી અને હેરાફેરી દ્વારા હરાવવામાં આવ્યા છે." તેમણે આશા વ્યક્ત કરી હતી કે ૨૦૨૯ અને ૨૦૩૧માં બંગાળની જનતા આનો યોગ્ય જવાબ આપશે.
કેરળમાં સત્તા પરિવર્તન અને બંગાળમાં મમતા બેનર્જીની હાર એ દેશના આગામી રાજકીય પ્રવાહ માટે મહત્વના સંકેતો માનવામાં આવે છે.
(9:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
