<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th November 2026

બિહારમાં પ્રશાસનિક તંત્ર પર મોટો સપાટો: જાહેર ફરિયાદોના નિવારણમાં બેદરકારી બદલ ૧૫ અધિકારીઓ સસ્પેન્ડ

મુખ્યમંત્રી દ્વારા 'સહયોગ શિબિર' અને પોર્ટલની સમીક્ષા દરમિયાન કામગીરીમાં વિલંબ કરનાર સર્કલ ઓફિસર તથા એન્જિનિયરો સામે લેવાયા કડક શિસ્તભંગના પગલાં

પટના : બિહારમાં વહીવટી કામગીરીને વધુ પારદર્શક અને જવાબદેહ બનાવવાની દિશામાં કડક પગલું ભરતા મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ જાહેર ફરિયાદોના નિવારણમાં ગંભીર બેદરકારી અને વિલંબ દાખવવા બદલ મંગળવારે ૧૫ અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે.

 

પ્રાપ્ત વિગતો અનુસાર, 'સહયોગ' પોર્ટલ અને શિબિર અંતર્ગત નાગરિકો તરફથી મળતી અરજીઓની સમીક્ષા કરતી વખતે આ કાર્યવાહી કરવામાં આવી હતી, જ્યાં આ અધિકારીઓ નિર્ધારિત સમયમર્યાદામાં ફરિયાદોનું નિરાકરણ લાવવામાં નિષ્ફળ નીવડ્યા હતા અને પ્રક્રિયાગત નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું.

 

સસ્પેન્ડ કરાયેલા આ અધિકારીઓમાં મુંગેર, ભોજપુર, કટિહાર, ભાગલપુર, અરરિયા, ગયા, જહાનાબાદ અને સુપૌલ સહિતના વિવિધ જિલ્લાઓમાં ફરજ બજાવતા સર્કલ ઓફિસરો, બ્લોક ડેવલપમેન્ટ ઓફિસરો, એન્જિનિયરો તથા મહેસૂલ અધિકારીઓનો સમાવેશ થાય છે.

 

મુખ્યમંત્રી સચિવાલય દ્વારા આ તમામ દોષિત અધિકારીઓ સામે વિભાગીય તપાસ અને શિસ્તભંગની કડક કાર્યવાહી શરૂ કરવાના આદેશો જારી કરવામાં આવ્યા છે, જેથી પ્રશાસનમાં કોઈ પણ પ્રકારની લાપરવાહી સાંખી લેવામાં નહીં આવે તેવો સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે.

 

સરકાર દ્વારા તમામ જિલ્લા અધિકારીઓ અને સચિવોને એ પણ સૂચના આપવામાં આવી છે કે તેઓ પોર્ટલ પર આવતી અરજીઓના સમયસર નિકાલ પર સતત નજર રાખે અને ગુણવત્તાયુક્ત કામગીરી સુનિશ્ચિત કરે જેથી સામાન્ય જનતાને હાલાકી ન ભોગવવી પડે.

 

આ કડક પ્રશાસનિક પગલાથી અધિકારીઓ અને કર્મચારીઓમાં મોટો ફફડાટ ફેલાયો છે, અને ભવિષ્યમાં પણ જનહિતના કાર્યોમાં કોતાહી દાખવનાર સામે આવા જ કડક દંડાત્મક પગલાં જારી રહેશે તેવી ખાતરી આપવામાં આવી છે.

(6:36 PM IST)