<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th May 2026

નરેન્‍દ્રભાઈના ૧૧ તારીખના સોમનાથ પ્રવાસને લઈને વહીવટી તંત્ર સજ્જઃ હર્ષ સંઘવીએ ઉચ્‍ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી

૧૦૮ અશ્વો સાથેની ભવ્‍ય શૌર્ય યાત્રામાં ભાગ લેશેઃ સોમનાથ ખાતે આયોજિત વિશાળ જાહેર કાર્યક્રમમાં ઉપસ્‍થિત જનમેદનીને સંબોધિત કરશે

ગાંધીનગરઃ આગામી ૧૧ તારીખે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ પ્રવાસ અંતર્ગત તેઓ પ્રથમ જ્‍યોતિર્લિગ અને પવિત્ર યાત્રાધામ સોમનાથની વિશેષ મુલાકાત લેવાના છે. વડાપ્રધાનના આ ઐતિહાસિક પ્રવાસને લઈને ગુજરાત સરકાર અને સ્‍થાનિક વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ જ સંદર્ભે ગુજરાતના ગૃહ રાજ્‍યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ ઉચ્‍ચ અધિકારીઓ સાથે એક મહત્‍વપૂર્ણ સમીક્ષા બેઠક યોજી હતી અને સમગ્ર વ્‍યવસ્‍થા અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્‍યું હતું.

 નાયબ મુખ્‍યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ પ્રધાનમંત્રીના સોમનાથ પ્રવાસ દરમિયાન સુરક્ષા, ટ્રાફિક નિયમન અને દેશ-વિદેશથી આવતા યાત્રાળુઓને પડનારી સંભવિત અગવડો નિવારવા માટે વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં પોલીસ વિભાગ અને જિલ્‍લા પ્રશાસનના ઉચ્‍ચ અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

 શ્રી સંઘવીએ સોમનાથ મંદિર પરિસર અને આસપાસના વિસ્‍તારોની સુરક્ષા વ્‍યવસ્‍થાની ઝીણવટભરી સમીક્ષા કરી હતી જેથી આખો કાર્યક્રમ કોઈપણ વિઘ્‍ન વિના શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ શકે.

 ‘સોમનાથ સ્‍વાભિમાન પર્વ' અને ૧૦૮ અશ્વોની ઐતિહાસિક 'શૌર્ય યાત્રા'

અત્રે ઉલ્‍લેખનીય છે કે, વર્ષ ૧૦૨૬માં મહમૂદ ગઝનવી દ્વારા સોમનાથ મંદિર પર થયેલા પ્રથમ આક્રમણને ૧૦૦૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે સોમનાથ ખાતે 'સોમનાથ સ્‍વાભિમાન પર્વ'ની ભવ્‍ય ઉજવણી થઈ રહી છે. પ્રધાનમંત્રી મોદી આ પર્વમાં ખાસ હાજરી આપવાના છે. આગામી ૧૧ તારીખે સવારે તેઓ ૧૦૮ અશ્વો સાથેની ભવ્‍ય 'શૌર્ય યાત્રા'માં ભાગ લેશે. આ યાત્રા સોમનાથ મંદિરની રક્ષા કાજે પોતાના પ્રાણોની આહુતિ આપનાર અસંખ્‍ય વીરોને શ્રદ્ધાંજાલિ અર્પણ કરવા માટે યોજાઈ રહી છે.

 વડાપ્રધાન દર્શન-પૂજન બાદ જનમેદનીને સંબોધશે

૧૧ તારીખે શૌર્ય યાત્રામાં સહભાગી થયા બાદ વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી સોમનાથ મહાદેવના દર્શન અને ખાસ પૂજા-અર્ચના કરશે. ત્‍યારબાદ તેઓ સોમનાથ ખાતે આયોજિત એક વિશાળ જાહેર કાર્યક્રમમાં ઉપસ્‍થિત જનમેદનીને સંબોધિત કરશે.

 આ ઐતિહાસિક પર્વમાં દેશભરમાંથી સંતો-મહંતો અને હજારોની સંખ્‍યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડવાના છે. પીએમ મોદીના આ પ્રવાસને લઈને ગુજરાતભરમાં અને ખાસ કરીને ગીર-સોમનાથ જિલ્‍લામાં ભારે ઉત્‍સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

 પ્રશાસન દ્વારા ડ્રોન શો, ૭૨ કલાકના અખંડ ઓમકાર જાપ અને ભવ્‍ય રોશનીથી મંદિર પરિસરને સુશોભિત કરવાની કામગીરીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

 

 

(3:53 PM IST)