તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 28th October 2026
મુંબઈના દરિયાકાંઠે તરતા હોર્ડિંગ્સ લાવવાની યોજના સામે આદિત્ય ઠાકરેનો આક્રોશ: સરકાર પર શહેરના સૌંદર્યને નષ્ટ કરવાનો ગંભીર આક્ષેપ
જુહુ અને વરલી જેવા પ્રખ્યાત દરિયાકાંઠે ફ્લોટિંગ જાહેરાત બાર્જ સ્થાપવાના નિર્ણય સામે વિરોધ શરૂ થયો છે, જ્યારે મંત્રીએ તેને આવકનો સ્ત્રોત ગણાવ્યો છે.

મુંબઈ : મહારાષ્ટ્ર મેરીટાઇમ બોર્ડ દ્વારા મુંબઈના પ્રખ્યાત દરિયાકાંઠાના સ્થળો પર 'ફ્લોટિંગ એડવર્ટાઇઝિંગ બાર્જ' (સમુદ્ર પર તરતા જાહેરાતના માળખાં) લાવવાની પ્રસ્તાવિત યોજના સામે રાજકીય અને સામાજિક સ્તરે ભારે વિરોધ શરૂ થઈ ગયો છે. શિવસેના (યુબીટી) ના નેતા આદિત્ય ઠાકરેએ આ યોજનાને લઈને રાજ્ય સરકાર સામે તીખા પ્રહારો કર્યા છે અને આક્ષેપ કર્યો છે કે સરકાર દ્વારા શહેરના કુદરતી સૌંદર્ય અને દરિયાકાંઠાના વિસ્તારોને વ્યાપારી લાભ માટે નષ્ટ કરવામાં આવી રહ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, મહારાષ્ટ્ર મેરીટાઇમ બોર્ડ દ્વારા મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર) અંતર્ગત જુહુ બીચ, લોટસ જેટી, કાર્ટર રોડ, માર્વે જેટી અને વરલીમાં બાંદ્રા-વરલી સી-લિંક જેટી સહિત લગભગ ૨૦ જેટલા પ્રમુખ સ્થળોએ જાહેરાતના મોટા બોર્ડ લગાવવા માટે એજન્સીઓની નિમણૂક હેતુ ટેન્ડર મંગાવવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટ્સ 'ડિઝાઇન, બિલ્ડ, ફાઇનાન્સ, ઓપરેટ એન્ડ મેન્ટેન' (ડીબીએફઓમ) મોડેલ હેઠળ વિકસાવવાનું આયોજન છે.
આ યોજનાની આકરી ટીકા કરતા આદિત્ય ઠાકરેએ સોશિયલ મીડિયા પર પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે વર્તમાન શાસનને શહેરના સૌંદર્યની કોઈ સમજ નથી અને મુંબઈનો જે પણ હિસ્સો લૂંટી શકાય તેમ છે તેને મેળવવા માટે તેઓ સમુદ્રને પણ છોડી રહ્યા નથી. તેમણે ઉમેર્યું હતું કે રાત્રિના સમયે અતિશય તેજસ્વી પ્રકાશ ફેંકતી એલઇડી સ્ક્રીનોની સંખ્યા ઘટાડવાને બદલે આવી યોજનાઓ લાવવી તે સામાન્ય જનતાના હિતમાં નથી.
બીજી બાજુ, આ યોજનાનો બચાવ કરતા મહારાષ્ટ્રના બંદર અને મત્સ્યોદ્યોગ મંત્રી નિતીશ રાણેએ સ્પષ્ટ કર્યું છે કે આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય મેરીટાઇમ બોર્ડને જાહેરાત પ્રવૃત્તિઓમાંથી સીધી આવક મેળવવામાં મદદ કરવાનો છે, જેથી બંદર અને જળ પરિવહન માળખાના વિકાસ અને જાળવણી માટે ભંડોળ ઊભું કરી શકાય. અગાઉ બોર્ડની ભૂમિકા માત્ર નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ આપવા પૂરતી સીમિત હતી, પરંતુ હવે નવા વ્યવસ્થા હેઠળ બોર્ડ સીધી આવક કમાઈ શકશે.
આ પ્રસ્તાવ સામે આવવાની સાથે જ મુંબઈના સ્થાનિક રહેવાસીઓ અને પર્યાવરણીય કાર્યકરોમાં ચિંતાની લાગણી ફેલાઈ ગઈ છે. ટીકાકારોનું માનવું છે કે દરિયાકાંઠે આવા તરતા જાહેરાત માળખાઓ ઉભા કરવાથી મુંબઈના દરિયાકાંઠાના પર્યાવરણ અને દરિયાઈ જીવન પર વિપરીત અસરો પડી શકે છે, તેમજ મહારાષ્ટ્ર કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટી (એમસીઝેડએમએ) ની મંજૂરીના મુદ્દે પણ સવાલો ઉભા થયા છે.
વહીવટી તંત્ર દ્વારા આ સ્થાપનો આંતરરાષ્ટ્રીય ધોરણોને અનુરૂપ અને પર્યાવરણીય નિયમોનું પાલન કરીને સ્થાપિત કરવામાં આવશે તેવું કહેવામાં આવ્યું છે, પરંતુ આગામી સમયમાં આ વિરોધ વરસી શકે છે અને સરકાર આ મામલે કેવા પગલાં ભરે છે તેના પર સૌની નજર ટકેલી છે.
(8:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
