<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th May 2026

ઉદ્યોગમાં સોલાર નાંખવા વધારાનો ૮૦૦૦નો ખર્ચ

સ્‍થાનિક કંપનીઓ પાસેથી જ સોલાર સેલ ખરીદવાના નિયમથી પ્રતિકિલો વોટ આઠ હજાર વધુ વસૂલાશે

નવી દિલ્‍હી,તા.૨૮: મેક ઈન ઈન્‍ડિયાને પ્રોત્‍સાહન આપવા માટે કેન્‍દ્ર સરકાર દ્વારા સ્‍થાનિક વસ્‍તુનો વપરાશ વધુમાં વધુ કરવામાં આવે તે દિશામાં કામગીરી કરી રહી છે. પરંતુ તેના માટે પૂરતી કંપનીઓ અને સ્‍પર્ધા વધુ નહીં હોવાના લીધે સસ્‍તી વસ્‍તુ પણ મોંઘી થઈ જાય છે. આવું જ કંઇક સોલાર પેનલ બનાવવામાં વપરાશ કરવામાં આવતા સોલાર સેલમાં થવાનું છે, કારણ કે ઔદ્યોગિક વપરાશ માટે નાંખવામાં આવતી સોલાર પેનલમાં ફરજિયાતપણે સ્‍થાનિક એટલે કે ભારતીય કંપનીના જ સોલાર સેલનો વપરાશ કરવાનો નિયમ આગામી એક જૂનથી લાગુ કરવામાં આવનાર છે. આ નિયમ લાગુ થયા બાદ ઔદ્યોગિક એકમમાં નાંખવામાં આવતી સોલાર પેનલમાં પ્રતિ કિલોવોટ ૮ હજાર રૂપિયાનો વધારો થવાનો છે. જેથી ઔદ્યોગિક એકમોમાં સોલારથી વીજળી પેદા કરવા માટેના ખર્ચમાં સીધો વધારો થવાનો છે.

એક સોલાર પેનલ બનાવવામાં ૧૪૦ની આસપાસ સોલાર સેલનો વપરાશ કરવામાં આવે છે. મોટાભાગની સોલાર કંપનીઓ ચાઈનાથી સોલાર સેલ મંગાવતા હોય છે. કારણ કે તે સસ્‍તા હોવાના લીધે સોલાર પેનલ પણ સસ્‍તામાં તૈયાર થઇ જાય છે. પરંતુ આગામી એક જૂનથી ભારતમાં જ સોલાર સેલ બનાવતી કંપની પાસેથી જ સોલાર સેલ લેવાનો નિયમ લાગુ કરવામાં આવનાર છે. તેમજ આ માટેનો સત્તાવાર પરીપત્ર પણ તમામ સોલાર વ્‍યવસાય સાથે સંકળાયેલાઓને પણ મોકલી આપવામાં આવ્‍યા છે. જેથી એક જૂન બાદ સોલાર પેનલના ભાવમાં વધારો થવાની શક્‍યતા છે. તેમાં પણ ખાસ કરીને ઔદ્યોગિક એકમોમાં વપરાશ કરવા માટે નાંખવામાં આવતા કિલોવોટમાં પ્રતિ કિલોવોટ ૮ હજારનો વધારો થવાનો છે.

વૈશ્વિક સ્‍તરે મળતા ભાવે સોલાર સેલ મળવા જોઇએ

સ્‍થાનિક કંપનીઓ પાસેથી જ સોલાર સેલ ખરીદવાના કારણે પ્રતિ કિલોવોટ આઠ હજાર રૂપિયાની સોલાર પેનલ બનાવવામાં વધારો થવાનો છે. સ્‍થાનિક કંપનીઓને પ્રોત્‍સાહન આપવા માટેનો આ નિર્ણય સરાહનીય છે, પરંતુ વૈશ્વિક સ્‍તરે જે ભાવે સોલાર પેનલ મળે છે તેવી પણ વ્‍યવસ્‍થા કરવામાં આવે તો કોઈને પણ તકલીફ પડે નહીં. તે માટેની પણ વિચારણા કરવામાં આવે તે જરૂરી છે.

સોલાર સેલ બનાવતી કંપનીઓ રિંગ બનાવી લૂંટ ચલાવે તેવી શક્‍યતા

ભારતમાં સોલાર સેલ બનાવતી કંપનીઓની સંખ્‍યા પાંચથી છ જ છે. તેના કારણે સોલાર સેલના ભાવ વધારે છે. જ્‍યારે તે કંપનીઓ દ્વારા રિગ બનાવીને ભાવ નક્કી કરતી હોય છે. જેથી મોટાભાગના સોલાર પેનલના ઉત્‍પાદકો વિદેશમાં સસ્‍તા ભાવે સોલાર સેલ મળે છે તે ભારતમાં લાવે છે. જો ભારતની કંપનીઓ દ્વારા બનાવવામાં આવતા સોલાર સેલ સસ્‍તા ભાવે મળતા થઇ જાય તો વિદેશથી સોલાર સેલ મંગાવવાની પળોજણમાં પણ કોઇ પણ પડવા તૈયાર નહીં હોવાની વિગતો જાણવા મળી છે. પરંતુ સ્‍થાનિક કંપનીઓને પ્રોત્‍સાહન આપવાની લાયમાં આગામી દિવસોમાં ઉઘાડી લૂંટ ચલાવવામાં આવે તેવી પણ શક્‍યતા નકારી શકાય તેમ નથી. કારણ કે એક સ્‍થાનિક સોલાર સેલના વપરાશના લીધે એક કિલોવોટે સીધો ૮ હજારનો વધારાનો ખર્ચ કરવાની નોબત ઊભી થવાની છે.

(10:05 AM IST)