<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th April 2026

અદાણીનું ‘એરપોર્ટ સિટી’ મિશન: મુંબઈ, અમદાવાદ અને ગુવાહાટીમાં ઊભા થશે લક્ઝરી હોટલ અને મોલ્સના સામ્રાજ્ય

ગૌતમ અદાણીએ એરપોર્ટ બિઝનેસને રિયલ એસ્ટેટ સાથે જોડીને ત્રણ નવી કંપનીઓ લોન્ચ કરી : ૨૦૩૦ સુધીમાં ૧.૨૫ લાખ કરોડના રોકાણ સાથે ઉડ્ડયન ક્ષેત્રે એકાધિકાર સ્થાપવાની તૈયારી

અમદાવાદ: ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર કિંગ ગૌતમ અદાણીએ હવે આકાશ પછી જમીન પર પણ પોતાનું વર્ચસ્વ વધારવા માટે માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડે તેની 'એરપોર્ટ સિટી' વ્યૂહરચના હેઠળ ત્રણ નવી પેટાકંપનીઓ – અદાણી નવી મુંબઈ એરપોર્ટ સિટી, અદાણી ગુવાહાટી એરપોર્ટ સિટી અને અદાણી અમદાવાદ એરપોર્ટ સિટી લિમિટેડની સ્થાપના કરી છે. આ કંપનીઓ માત્ર એરપોર્ટની આસપાસ જ નહીં, પરંતુ મોટા શહેરોમાં આધુનિક લક્ઝરી હોટલો, ભવ્ય રેસ્ટોરાં, બિઝનેસ સેન્ટરો અને બેન્ક્વેટ હોલનું નિર્માણ કરશે. અદાણી ગ્રુપનો હેતુ મુસાફરોને માત્ર ફ્લાઇટની સુવિધા જ નહીં, પણ રહેવા અને મનોરંજન માટે વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડીને એક આખું નવું ઇકોસિસ્ટમ ઊભું કરવાનો છે.

વર્તમાન આંકડાઓ મુજબ, અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ ભારતનું સૌથી મોટું એરપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નેટવર્ક ધરાવે છે, જે દેશના ૨૫% મુસાફરો અને ૩૩% કાર્ગો ટ્રાફિકનું સંચાલન કરે છે. અમદાવાદ, લખનૌ અને જયપુર જેવા આઠ વ્યસ્ત એરપોર્ટ પર કબજો જમાવ્યા પછી હવે કંપનીનું ધ્યાન બિન-એરોનોટિકલ આવક એટલે કે રિયલ એસ્ટેટ અને હોસ્પિટાલિટી પર કેન્દ્રિત થયું છે. અદાણી ગ્રુપે ૨૦૩૦ સુધીમાં આ ક્ષેત્રમાં ૧૫ બિલિયન ડોલર (રૂ. ૧.૨૫ લાખ કરોડ) ના તોતિંગ રોકાણની જાહેરાત કરી છે. આ રોકાણ દ્વારા કંપની તેની ક્ષમતા વાર્ષિક ૨૦૦ મિલિયન મુસાફરો સુધી પહોંચાડવા માંગે છે, જે ભારતના વધતા જતા મધ્યમ વર્ગ અને હવાઈ મુસાફરીના ક્રેઝનો સીધો ફાયદો ઉઠાવશે.

રાજકીય અને આર્થિક વિશ્લેષકો આ કદમને અદાણી એરપોર્ટ યુનિટના આગામી આઈપીઓ (IPO) માટેની પૂર્વતૈયારી તરીકે જોઈ રહ્યા છે. જ્યારે કોઈ કંપની એરપોર્ટની સાથે રિયલ એસ્ટેટ અને હોસ્પિટાલિટી જેવા હાઈ-પ્રોફિટ બિઝનેસને જોડે છે, ત્યારે તેની વેલ્યુએશનમાં જબરદસ્ત ઉછાળો આવે છે. નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટના તાજેતરના ઉદ્ઘાટન બાદ આ ત્રણ નવી કંપનીઓની રચના દર્શાવે છે કે અદાણી ગ્રુપ આગામી દાયકા સુધી ભારતના લક્ઝરી ટ્રાવેલ માર્કેટ પર રાજ કરવા માટે સંપૂર્ણ સજ્જ છે.

(7:06 PM IST)