News of Friday, 4th September 2026
અદાણી પોર્ટ્સનો મુન્દ્રામાં મોટો ધમાકો: 'એમ્બિશન ૨૦૩૧' હેઠળ શરૂ કર્યું સમર્પિત ખાલી કન્ટેનર યાર્ડ, લોજિસ્ટિક્સ ક્ષેત્રે ક્રાંતિ લાવવાની તૈયારી!
એન્ડ-ટુ-એન્ડ સેવાઓ સાથે બિનજરૂરી ખર્ચ અને સમયનો થશે બચાવ: આગામી ૫ વર્ષમાં કન્ટેનર ક્ષમતામાં ૬ મિલિયન TEUs થી વધુનો થશે મોટો વધારો

મુન્દ્રા : ભારતના સૌથી મોટા સંકલિત પરિવહન ઓપરેટર 'અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ' (APSEZ) એ શુક્રવારે વેપાર અને લોજિસ્ટિક્સ ક્ષેત્રે એક મોટી જાહેરાત કરી છે. કંપનીએ મુન્દ્રા બંદર ખાતે સંકલિત વેરહાઉસિંગ સાથે એક અત્યાધુનિક અને સમર્પિત ખાલી કન્ટેનર યાર્ડ (Empty Container Yard - ECY) શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ પહેલથી ખાલી કન્ટેનરના સંગ્રહ, જાળવણી, નિરીક્ષણ અને સીમલેસ હિલચાલ માટે એન્ડ-ટુ-એન્ડ સેવાઓ મળી રહેશે.
'એમ્બિશન ૨૦૩૧' અને ક્ષમતામાં મોટો વધારો:
APSEZ ના 'એમ્બિશન ૨૦૩૧' રોડમેપના ભાગરૂપે મુન્દ્રા ખાતે ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ભારે મૂડીરોકાણ કરવામાં આવી રહ્યું છે. કંપની આગામી ૫ વર્ષમાં ૬ મિલિયન TEUs થી વધુ કન્ટેનર હેન્ડલિંગ ક્ષમતા ઉમેરવાની યોજના ધરાવે છે. APSEZ ના સીઈઓ અશ્વની ગુપ્તાના જણાવ્યા અનુસાર, આ પ્રોજેક્ટથી શિપિંગ લાઈનો અને નિકાસકારોનો ટર્નઅરાઉન્ડ સમય ઘટશે અને લોજિસ્ટિક્સ ખર્ચમાં મોટો ઘટાડો થશે.
ભારતના કન્ટેનર બજારમાં મુન્દ્રાનું એકહથ્થુ શાસન:
નાણાકીય વર્ષ ૨૬ સુધીમાં અદાણી પોર્ટ્સ ભારતના કન્ટેનર માર્કેટમાં ૪૫.૫ ટકા હિસ્સો ધરાવે છે. આશ્ચર્યજનક રીતે, તેમાં એકલું મુન્દ્રા બંદર દેશના એકંદર કન્ટેનર વેપારનો આશરે ૩૫ ટકા હિસ્સો સંભાળે છે, જે તેને ભારતનું નંબર-૧ કન્ટેનર પોર્ટ બનાવે છે. મુન્દ્રા ખાતે વાર્ષિક ૧.૬ મિલિયન TEUs ખાલી કન્ટેનરની અવરજવર થાય છે.
૨૦૩૦ સુધીમાં ૧ અબજ ટન કાર્ગોનું લક્ષ્યાંક:
હાલમાં ૧૬ વ્યૂહાત્મક બંદરો અને ૧૩૬ જહાજોનો વૈવિધ્યસભર કાફલો ધરાવતી અદાણી પોર્ટ્સ દેશના કુલ બંદર વોલ્યુમના ૨૭ ટકા હિસ્સાનું સંચાલન કરે છે. વાર્ષિક ૬૫૩ મિલિયન ટનની વર્તમાન ક્ષમતા ધરાવતી આ કંપની વર્ષ ૨૦૩૦ સુધીમાં ૧ અબજ ટન થ્રુપુટ હાંસલ કરવાનો મક્કમ નિર્ધાર ધરાવે છે.
(9:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
