<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd October 2026

અદાણી ગ્રુપનું શ્રીલંકામાં મોટું વિસ્તરણ: કોલંબો પોર્ટની ટર્મિનલની ક્ષમતા બમણી

શ્રીલંકાના વડાપ્રધાન ડૉ. હરિની અમરસૂરિયાએ CWITના બીજા તબક્કાનું ઉદ્ઘાટન કર્યું; USD ૭૫૦ મિલિયનના રોકાણ સાથે ક્ષમતા ૩.૨ મિલિયન TEUs

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૩ : અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (APSEZ)ના કોલંબો વેસ્ટ ઈન્ટરનેશનલ ટર્મિનલ (CWIT)ના વિસ્તરણના બીજા તબક્કાનો શ્રીલંકાના વડાપ્રધાન ડૉ. હરિની અમરસૂરિયાએ પ્રારંભ કરાવ્યો છે. USD ૭૫૦ મિલિયનના કુલ રોકાણ સાથે થયેલા આ વિસ્તરણથી ટર્મિનલની વાર્ષિક ક્ષમતા ૧.૬ મિલિયનથી વધીને ૩.૨ મિલિયન TEUs થઈ છે.

CWITએ કામગીરીના પ્રથમ દોઢ વર્ષમાં જ ૨ મિલિયન TEUs કાર્ગોનું સંચાલન કરી કોલંબો બંદરના ઈતિહાસમાં નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. ટર્મિનલે ૨૦૨૪ના પ્રથમ જ વર્ષમાં ૧ મિલિયન TEUsનું સંચાલન કરીને ઝડપી કાર્ગો હેન્ડલિંગનો રેકોર્ડ પણ નોંધાવ્યો હતો.

વડાપ્રધાન ડૉ. અમરસૂરિયાએ જણાવ્યું હતું કે CWITનું વિસ્તરણ શ્રીલંકાના આર્થિક ભવિષ્ય અને કોલંબો બંદરની વૈશ્વિક વેપારમાં સ્થિતિ મજબૂત કરવાની દિશામાં મહત્વનું સીમાચિહ્ન છે. તેમણે જણાવ્યું કે નવી ક્ષમતાથી રોકાણ, રોજગારી અને આંતરરાષ્ટ્રીય વેપારને વેગ મળવાની સાથે શ્રીલંકાને હિંદ મહાસાગરના મહત્વપૂર્ણ મેરીટાઇમ અને લોજિસ્ટિક્સ હબ તરીકે વિકસાવવાની તકો વધશે.

APSEZના પૂર્ણકાલિન ડિરેક્ટર અને CEO અશ્વિની ગુપ્તાએ જણાવ્યું હતું કે વિસ્તરણ બાદ CWIT એકસાથે ત્રણ મોટા કન્ટેનર જહાજોને લાંગરવાની ક્ષમતા ધરાવશે. સંપૂર્ણ ઓટોમેશન, ઊંડા પાણીનું માળખું અને વધેલી ક્ષમતા સાથે ટર્મિનલ પૂર્વ-પશ્ચિમ વેપાર માર્ગ પર મહત્વપૂર્ણ ટ્રાન્સશિપમેન્ટ હબ તરીકે કોલંબોની ભૂમિકાને વધુ મજબૂત કરશે.

CWITને APSEZ, જોન કિલ્સ હોલ્ડિંગ્સ અને શ્રીલંકા પોર્ટ્સ ઓથોરિટી દ્વારા ૩૫ વર્ષના BOT કન્સેશન હેઠળ વિકસાવવામાં આવ્યું છે. ટર્મિનલથી અત્યાર સુધીમાં ૩,૦૦૦થી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીનું સર્જન થયું છે. શ્રીલંકાના પ્રથમ સંપૂર્ણ સ્વચાલિત ડીપ-વોટર કન્ટેનર ટર્મિનલ તરીકે CWIT સંપૂર્ણ વીજળી સંચાલિત છે અને શૂન્ય ટેલપાઇપ ઉત્સર્જન સાથે મોટા કન્ટેનર જહાજોને સેવા આપવા સક્ષમ છે. ટર્મિનલે અત્યાર સુધીમાં ૧.૭ કરોડ સુરક્ષિત કામકાજના કલાકો પૂર્ણ કર્યા હોવાનું કંપનીએ જણાવ્યું છે.

(9:27 AM IST)