News of Friday, 10th July 2026
અદાણી ગ્રુપની પહેલથી યુવા વૈજ્ઞાનિકોને નવી ઉડાન: 32 તેજસ્વી વિદ્યાર્થીઓને અદ્યતન સંશોધનની તક મળી
અદાણી ગ્રુપ અને CEE ના સહયોગથી IISc બેંગલુરુ ખાતે 'RSI-ઇન્ડિયા 2026' કાર્યક્રમનું સફળ સમાપન:છ અઠવાડિયાના આ અભિયાનમાં 32 તેજસ્વી હાઇસ્કૂલ વિદ્યાર્થીઓને IISc ફેકલ્ટી હેઠળ અદ્યતન વૈજ્ઞાનિક સંશોધનની તક: ભારતને શુદ્ધ વિજ્ઞાન ક્ષેત્રે વૈશ્વિક સ્તરના સંશોધકો તૈયાર કરવા અને ભાવિ વૈજ્ઞાનિક પ્રતિભાઓને યોગ્ય માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડવા માટે પહેલ

અદાણી ગ્રુપ અને યુએસ સ્થિત સેન્ટર ફોર એક્સેલન્સ ઇન એજ્યુકેશનના સહયોગથી બેંગલુરુની પ્રતિષ્ઠિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ ખાતે રિસર્ચ સાયન્સ ઇનિશિયેટિવ ના સમાપન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. છ અઠવાડિયા સુધી ચાલેલા આ કાર્યક્રમે દેશના અસાધારણ માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને ઉચ્ચ સ્તરીય વૈજ્ઞાનિક સંશોધન માટે એક મજબૂત મંચ પૂરો પાડ્યો છે.
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતની ભાવિ વૈજ્ઞાનિક પ્રતિભાને ઓળખવાનો અને તેને પ્રોત્સાહન આપવાનો હતો. MIT, USA ખાતે વૈશ્વિક સ્તરે પ્રખ્યાત રિસર્ચ સાયન્સ ઇનિશિયેટિવ (RSI) પર આધારિત, RSI-ઈન્ડિયા 2026 એ IISc ફેકલ્ટી હેઠળ છ અઠવાડિયાના એડવાન્સ્ડ કોર્સવર્ક, માર્ગદર્શન સંશોધન અને વૈજ્ઞાનિક પ્રસ્તુતિઓ માટે 32 ઉત્કૃષ્ટ વિદ્યાર્થીઓની પસંદગી કરી.
ભાગ લેનાર વિદ્યાર્થી શિવ માંડલિકે જણાવ્યું હતું કે, "RSI-ઇન્ડિયા એક અનોખું પ્લેટફોર્મ છે, જેણે આર્થિક અવરોધો વિના અમને વિશ્વ કક્ષાનું સંશોધન કરવાની તક આપી છે." તેમણે અદાણી ગ્રુપના સંપૂર્ણ ભંડોળ માટે આભાર વ્યક્ત કર્યો હતો. અન્ય વિદ્યાર્થી તનિષ્કે કહ્યું કે, અહીં પ્રોફેસરો સાથે કામ કરવાનો અનુભવ અત્યંત પ્રેરણાદાયી રહ્યો છે, જ્યાં વિજ્ઞાન અને નવીનતા પ્રત્યેના સમાન જુસ્સો ધરાવતા સાથીઓ સાથે જોડાવાની તક મળી. વિદ્યાર્થી પ્રદ્યુને આ કાર્યક્રમને શૈક્ષણિક અને અભ્યાસેતર પ્રવૃત્તિઓનું શ્રેષ્ઠ મિશ્રણ ગણાવ્યું હતું.
કાર્યક્રમના ફેકલ્ટી કન્વીનર પ્રોફેસર દીપક સૈનીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, હાઇસ્કૂલનો તબક્કો કારકિર્દી પસંદગી માટે નિર્ણાયક હોય છે. તેમણે નોંધ્યું કે ભારતને એન્જિનિયરિંગ અને મેડિકલ ઉપરાંત, દેશની વૈજ્ઞાનિક પ્રગતિને વેગ આપવા માટે 'શુદ્ધ વિજ્ઞાન' ક્ષેત્રે સંશોધકોના મોટા વર્ગની તાતી જરૂર છે. પ્રોફેસર સૈનીએ અદાણી ગ્રુપના યોગદાનની પ્રશંસા કરતા કહ્યું કે, આ સહકાર નવી પેઢીના વૈજ્ઞાનિકોને ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે.
અમેરિકાની MIT ની તર્જ પર તૈયાર કરાયેલ આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ માત્ર સંશોધન જ નહીં, પરંતુ વૈજ્ઞાનિક પ્રસ્તુતિઓ દ્વારા પોતાની ક્ષમતા પણ સાબિત કરી છે. આ સમાપન સમારોહ ભારતની વૈજ્ઞાનિક મહત્વાકાંક્ષાઓને સાકાર કરવા તરફનું એક મહત્વનું પગલું માનવામાં આવે છે.
(8:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
