તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 19th September 2026
અદાણી ગ્રુપે ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA) સાથેની ભાગીદારી રિન્યુ કરી: દેશના રમત-ગમત ક્ષેત્ર અને ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે કરી લાંબાગાળાની પ્રતિબદ્ધતા
એશિયન ગેમ્સ અને વર્ષ ૨૦૩૦માં અમદાવાદ ખાતે યોજાનાર કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને કરાયો મોટો સહયોગ: 'ગર્વ હૈ' પહેલ દ્વારા યુવા પ્રતિભાઓને મજબૂત ટેકો પૂરો પાડવાની જાહેરાત

અમદાવાદ: ભારતીય રમત-ગમત જગત માટે એક અત્યંત મહત્વના અને ઉત્સાહજનક સમાચાર સામે આવ્યા છે. અદાણી ગ્રુપે ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન (IOA) સાથેના મુખ્ય પ્રાયોજક (પ્રિન્સિપલ સ્પોન્સરશિપ)નાં કરારને સત્તાવાર રીતે રિન્યૂ કર્યા છે. આ મહત્વપૂર્ણ પગલા દ્વારા અદાણી ગ્રુપે ભારતીય રમત-ગમત ક્ષેત્ર, ઓલિમ્પિક સ્પર્ધાઓ અને ઉચ્ચ સ્તરે દેશનું પ્રતિનિધિત્વ કરતા ખેલાડીઓ સાથેની પોતાની લાંબાગાળાની પ્રતિબદ્ધતા વધુ મજબૂત બનાવી છે.
આ ભાગીદારી અગાઉ ગ્લાસગો ખાતે યોજાયેલ કોમનવેલ્થ ગેમ્સ ૨૦૨૬ દરમિયાન પણ સક્રિય રહી હતી, જ્યાં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરીને મેડલ ટેલીમાં ૧૩ ગોલ્ડ, ૧૭ સિલ્વર અને ૯ બ્રોન્ઝ સહિત કુલ ૩૯ મેડલ જીતીને વૈશ્વિક સ્તરે દેશનું નામ રોશન કર્યું હતું. હવે જ્યારે જાપાનના આઈચી-નાગોયા ખાતે ૧૯ સપ્ટેમ્બરથી ૪ ઓક્ટોબર ૨૦૨૬ દરમિયાન એશિયન ગેમ્સનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે આ નવેસરથી સ્થપાયેલા સહયોગથી ભારતીય ખેલાડીઓનો ઉત્સાહ બેવડાઈ ગયો છે.
દેશમાં મજબૂત રમત-ગમતનું માળખું ઊભું કરવા અદાણી ગ્રુપ કટિબદ્ધ
આ પ્રસંગે અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડ (AEL) ના ડિરેક્ટર પ્રણવ અદાણીએ જણાવ્યું હતું કે ભારતીય ખેલાડીઓ સતત આંતરરાષ્ટ્રીય મંચ પર દેશનું ગૌરવ વધારી રહ્યા છે. જ્યારે આપણા ખેલાડીઓ એશિયન ગેમ્સમાં મેડલ જીતવા માટે તૈયાર છે, ત્યારે IOA સાથેના સહયોગને આગળ વધારતા અમને વિશેષ આનંદ થાય છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આગામી ૨૦૩૦માં અમદાવાદ ખાતે કોમનવેલ્થ ગેમ્સનું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે, ત્યારે દેશમાં રમત-ગમતનું મજબૂત માળખું તૈયાર કરવા અને યુવાઓને પ્રોત્સાહિત કરવા માટે આ ક્ષણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ગ્રુપની ‘ગર્વ હૈ’ (GARV HAI) પહેલ થકી દેશની તેજસ્વી પ્રતિભાઓને સશક્ત બનાવવાનું અભિયાન સતત ચાલુ રહેશે.
IOA પ્રમુખ પીટી ઉષાએ અદાણી ગ્રુપનો માન્યો આભાર
દિಗ್ಗજ ઓલિમ્પિયન અને IOA ના પ્રમુખ ડૉ. પીટી ઉષાએ આ સહયોગ અંગે વાત કરતા જણાવ્યું કે ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન અદ્ભુત રહ્યું હતું. તેમણે ભારતીય ઓલિમ્પિક એસોસિએશન સાથેનો સાથ જાળવી રાખવા બદલ અદાણી ગ્રુપનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે એશિયન ગેમ્સ અને ૨૦૩૦ની અમદાવાદ કોમનવેલ્થ ગેમ્સ જેવી મોટી સ્પર્ધાઓ માટે ખેલાડીઓને શ્રેષ્ઠ તાલીમ અને સુવિધાઓ પૂરી પાડવામાં આ ભાગીદારી અત્યંત ઉપયોગી સાબિત થશે.
અદાણી ગ્રુપે છેલ્લા કેટલાક વર્ષોમાં દેશમાં એક વ્યાપક સ્પોર્ટ્સ ઈકોસિસ્ટમ વિકસાવી છે, જેમાં પાયાના સ્તરેથી રમતગમતને પ્રોત્સાહન, ખેલાડીઓને આર્થિક તથા તકનીકી સહાય અને વ્યાવસાયિક રમતોનો વિકાસ સામેલ છે. આ ઉપરાંત આગામી ૨૯ નવેમ્બર ૨૦૨૬ના રોજ યોજાનાર અદાણી અમદાવાદ મેરેથોનની ૧૦મી આવૃત્તિ દ્વારા નાગરિકોમાં સ્વાસ્થ્ય અને ફિટનેસ અંગેની જાગૃતિ ફેલાવવાનું ભગીરથ કાર્ય પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.
(10:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
