<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th June 2026

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીના ૬૪મા જન્મદિવસે અદાણી ફાઉન્ડેશનનો રેકોર્ડ : દેશ-વિદેશમાં યોજાયેલા મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં ૫૨,૩૦૬ યુનિટ રક્ત એકત્ર કરાયું

૨૧ રાજ્યો અને ૫ કેન્દ્રશાસિત પ્રદેશો સહિત વિદેશના ૪ સ્થળોએ યોજાયેલી મેગા બ્લડ ડોનેશન ડ્રાઈવ : ગત વર્ષના ૨૮,૦૯૦ યુનિટના રેકોર્ડને તોડી અદાણી હેલ્થકેર ટીમે 'સેવા હી સાધના હૈ'ના મંત્રને સાર્થક કર્યો

અમદાવાદ:*અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીના ૬૪મા જન્મદિવસે અદાણી ફાઉન્ડેશન દ્વારા દેશવ્યાપી રક્તદાન શિબિરનું અભૂતપૂર્વ આયોજન કરવામાં આવ્યું હતું. બુધવારે યોજાયેલી આ મહા ઝુંબેશ અંતર્ગત દેશના ૨૧ રાજ્યો, ૫ કેન્દ્રશાસિત પ્રદેશોના ૭૫૪થી વધુ શહેરો, નગરો અને ગામડાઓ તેમજ વિદેશના ૪ આંતરરાષ્ટ્રીય સ્થળો પરથી રેકોર્ડબ્રેક ૫૨,૩૦૬ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હોવાની સત્તાવાર જાહેરાત ગુરુવારે કરવામાં આવી છે. આ આંકડો ગત વર્ષે એકત્ર કરાયેલા ૨૮,૦૯૦ યુનિટ રક્ત કરતાં ઘણો વધારે છે.
આ ભગીરથ કાર્ય અદાણી ફાઉન્ડેશન દ્વારા રેડક્રોસ સેન્ટરો, સરકારી હોસ્પિટલો અને ટ્રસ્ટ સંચાલિત બ્લડ બેંકો સહિત ૭૬૪થી વધુ સંસ્થાઓના સંયુક્ત સહયોગથી સફળતાપૂર્વક સંપન્ન થયું છે, જેમાં હજારો રક્તદાતાઓ અને સ્વયંસેવકો જોડાયા હતા. અદાણી ગ્રુપના ડૉક્ટરો, પેરામેડિકલ સ્ટાફ, ડેટા ઓપરેટરો અને વહીવટી કર્મચારીઓ સહિત ૬,૦૦૦થી વધુ સ્વયંસેવકોએ આ કેમ્પને સુચારૂ રૂપે ચલાવવા માટે ખડેપગે સેવા આપી હતી. અદાણી હેલ્થકેર ટીમ દ્વારા સંચાલિત આ પહેલ ગૌતમ અદાણીની ફિલોસોફી 'સેવા હી સાધના હૈ' (સેવા એ જ પૂજા છે) થી પ્રેરિત છે, જે સમાજ પ્રત્યેના યોગદાનને સર્વોચ્ચ માને છે.
આ ઝુંબેશ દરમિયાન આશરે ૨૩,૫૩૮ લીટર જેટલું રક્ત એકત્રિત થયું છે, જે હોલ બ્લડ, પેક્ડ સેલ વોલ્યુમ, પ્લેટલેટ્સ, પ્લાઝમા, ફ્રેશ ફ્રોઝન પ્લાઝમા અને આલ્બ્યુમિન જેવા કટોકટીના ઘટકો દ્વારા ૧,૫૬,૯૧૮થી વધુ દર્દીઓને નવજીવન આપશે. આ ઘટકો ઈમરજન્સી કેર, સર્જરી, કેન્સરની સારવાર, પ્રસૂતિ સ્વાસ્થ્ય અને ગંભીર બીમારીઓના સંચાલન માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન ડૉ. પ્રીતિ અદાણીએ જણાવ્યું હતું કે, આ પહેલ ગૌતમ અદાણીના સેવાના વિચારને પ્રતિબિંબિત કરે છે અને અદાણી પરિવાર, સ્વયંસેવકો તેમજ તબીબી વ્યાવસાયિકોના સામૂહિક પ્રયાસોથી જ આ શક્ય બન્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (X) પર ડૉ. પ્રીતિ અદાણીએ આ અભિયાનમાં યોગદાન આપનારા તમામ લોકોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો અને નોંધ્યું હતું કે આ દાન હજારો દર્દીઓ અને તેમના પરિવારો માટે આશાનું નવું કિરણ લાવશે.
વર્ષ ૨૦૧૧માં માત્ર ૧,૩૦૦ યુનિટ રક્તના સંગ્રહથી શરૂ થયેલી આ પ્રવૃત્તિ આજે એક વાર્ષિક પરંપરા બની ગઈ છે, જે ગૌતમ અદાણીના જન્મદિવસને સામાજિક સેવા તરીકે ઉજવે છે. વર્ષો જતાં આ ઝુંબેશ દેશની સૌથી મોટી સ્વૈચ્છિક રક્તદાન ડ્રાઈવમાં પરિવર્તિત થઈ છે, જે કર્મચારીઓ, ભાગીદારો અને સામાન્ય સમુદાયને જીવન બચાવવાના સહિયારા સંકલ્પ સાથે જોડે છે. અદાણી ફાઉન્ડેશને ઉમેર્યું હતું કે આ પહેલ સમાવેશી અને ટકાઉ વિકાસ પ્રત્યેની તેમની વ્યાપક પ્રતિબદ્ધતાને દર્શાવે છે કે કેવી રીતે ઉદારતાના સામૂહિક કાર્યો સમાજ પર સકારાત્મક અને અર્થપૂર્ણ પ્રભાવ પાડી શકે છે.

(12:15 AM IST)