તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 26th April 2026
મધ્યપ્રદેશમાં અદાણી ફાઉન્ડેશનની મોટી પહેલ: શિવપુરીમાં અત્યાધુનિક ગાર્મેન્ટ સેન્ટર કાર્યરત, ૧,૫૦૦ મહિલાઓ બનશે 'આત્મનિર્ભર'
વડાપ્રધાનના 'લખપતિ દીદી' વિઝનને મળશે વેગ; આધુનિક મશીનો પર તાલીમ મેળવી ગ્રામીણ મહિલાઓ વૈશ્વિક બજાર સાથે જોડાશે, રેકોર્ડ સમયમાં પ્રોજેક્ટ થયો પૂર્ણ

શિવપુરી (મધ્યપ્રદેશ), તા.૨૫: મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લાના બદરવાસ બ્લોકમાં મહિલા સશક્તિકરણની દિશામાં એક નવું પ્રકરણ ઉમેરાયું છે. અદાણી ફાઉન્ડેશન દ્વારા અહીં એક ભવ્ય 'ગાર્મેન્ટ કૌશલ્ય અને ઉત્પાદન કેન્દ્ર'ની સ્થાપના કરવામાં આવી છે, જેનું ઉદ્ઘાટન શનિવારે સંપન્ન થયું હતું. આ કેન્દ્ર ગ્રામીણ મહિલાઓને માત્ર સીવણકામની તાલીમ જ નહીં આપે, પરંતુ તેમને આધુનિક મશીનો અને વૈશ્વિક બજાર સાથે જોડીને તેમની આવકમાં ધરખમ વધારો કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
અદાણી ફાઉન્ડેશનના સીઈઓ અભિષેક લખટકિયાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, "અમે લગભગ ૧,૫૦૦ મહિલાઓને 'અદાણી વિકાસ કેન્દ્ર' સાથે જોડી રહ્યા છીએ. અમારો ઉદ્દેશ્ય મહિલાઓને આધુનિક ટેકનોલોજી અને ડિઝાઇનમાં પારંગત બનાવી તેમને એક મોટું માર્કેટ પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે. જો આપણે ઉત્પાદનોની ગુણવત્તામાં સુધારો કરી શકીએ, તો આ મહિલાઓની આવક સીધી રીતે વધી જશે, જે તેમના સમગ્ર પરિવારના ઉત્થાનમાં મદદરૂપ થશે."
'લખપતિ દીદી' અભિયાનને સમર્થન:
પ્રોજેક્ટ મેનેજર અરવિંદ ભાર્ગવના જણાવ્યા અનુસાર, બદરવાસ બ્લોકમાં અગાઉથી જ ૩,૫૦૦થી વધુ મહિલાઓ જેકેટ બનાવવાના કામમાં જોડાયેલી છે, પરંતુ યોગ્ય પ્લેટફોર્મના અભાવે તેમનો વિકાસ મર્યાદિત હતો. અદાણી સીએસઆર (CSR) હેઠળ સ્થાપિત આ કેન્દ્રમાં ૬૦૦ હાઈ-ટેક મશીનો લગાવવામાં આવ્યા છે, જે ૧,૨૦૦થી ૧,૪૦૦ મહિલાઓ માટે સીધી રોજગારીનું સર્જન કરશે. આ પ્રોજેક્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'લખપતિ દીદી' વિઝનને સાકાર કરવા તરફનું એક મજબૂત કદમ છે. ખાસ વાત એ છે કે, ૯ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ જેનો શિલાન્યાસ થયો હતો, તે પ્રોજેક્ટ રેકોર્ડ બ્રેક સમયમાં પૂર્ણ કરી આજે કાર્યરત કરી દેવાયો છે.
ગ્રામીણ મહિલાઓ માટે નવી તકો:
ટ્રેનર અનિશા દીક્ષિતે જણાવ્યું કે અત્યાર સુધીમાં ૧૧૩ મહિલાઓએ સફળતાપૂર્વક તાલીમ મેળવી લીધી છે અને ચાલુ વર્ષે વધુ ૧,૩૦૦ મહિલાઓને તાલીમબદ્ધ કરવાનો લક્ષ્યાંક છે. મોટાભાગની મહિલાઓ નજીકના અંતરિયાળ ગામડાઓમાંથી આવે છે, જેમના માટે અત્યાર સુધી સીવણકામ માત્ર ઘરની ચાર દીવાલો સુધી મર્યાદિત હતું. હવે તેમને એક વ્યાવસાયિક પ્લેટફોર્મ મળ્યું છે.
નોંધનીય છે કે, અદાણી ફાઉન્ડેશન હાલમાં ભારતના ૨૨ રાજ્યોના ૭,૦૦૦થી વધુ ગામડાઓમાં સક્રિય છે અને અંદાજે ૯૬ લાખ લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી રહ્યું છે. શિવપુરીમાં શરૂ થયેલું આ ગાર્મેન્ટ સેન્ટર આગામી સમયમાં મધ્યપ્રદેશમાં મહિલા સશક્તિકરણનું એક ઉત્તમ મોડેલ સાબિત થશે.
(12:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
