<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th May 2026

અદાણી ફાઉન્ડેશન ૭૦૦ કરોડના દાન સાથે શરૂ કરશે રાષ્ટ્રવ્યાપી “આઈ કેર” અભિયાન: પ્રથમ તબક્કે બિહારમાં ૧૫૦ કરોડના ખર્ચે આઈ કેર હોસ્પિટલનું ભૂમિપૂજન

બિહારમાં વર્ષે ૩ લાખથી વધુ આઈ સર્જરી કરવાનું લક્ષ્ય, બિહારના ભાગલપુરમાં ૨૦૦ બેડની જનરલ હોસ્પિટલ પણ બનાવશે, અખંડ જ્યોતિ ફાઉન્ડેશન સાથે મળી શરૂ કરાશે રાષ્ટ્રવ્યાપી ‘આઈ કેર’ અભિયાન

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧૮ :  અદાણી ગ્રુપના ચેરમેન શ્રી ગૌતમભાઈ અદાણીએ આજે ​​"સેવા હી સાધના હૈ" ની તેમની પરિકલ્પના પર આધારિત રુ.૧૫૦ કરોડના વિરાટ વિઝન કેરની પહેલનો પટનાથી લગભગ ૭૦ કિલોમીટર દૂર મસ્તીચકમાં  શિલાન્યાસ પ્રસંગે આ જાહેરાત કરી હતી. આ પહેલના ભાગરુપે દર વર્ષે ૩.૩ લાખ આંખની શસ્ત્રક્રિયાની  ક્ષમતા ધરાવતી વિશ્વની સૌથી મોટી ગ્રામીણ આંખની સંભાળ ઇકોસિસ્ટમ બનાવવામાં આવશે અને દર વર્ષે ૧,૦૦૦ આંખના આરોગ્ય વ્યાવસાયિકોને તાલીમ આપવામાં આવશે. આ પહેલનો પ્રયાસ હિન્દી હાર્ટલેન્ડમાં વંચિત સમુદાયોને ગૌરવ, આશા અને દૃષ્ટિ લાવતી વેળા આંખની સસ્તી સારવારની ગ્રામ્ય કક્ષાએ સવલત અને આંખની સંભાળના-કૌશલ્યને મજબૂત બનાવવાનો છે.

શ્રી ગૌતમ અદાણીએ X પર એક પોસ્ટમાં કહ્યું છે કે "સેવા હી સાધના હૈ" એ એક માત્ર સૂત્ર નથી, પરંતુ કરુણા ભાવને સમાજ માટે સ્થાયી સંસ્થાઓમાં રૂપાંતરિત કરતી એક માર્ગદર્શક ફિલસૂફી છે. દૃષ્ટિ પુનઃસ્થાપિત કરવી એ ફક્ત તબીબી પ્રક્રિયા નથી. પરંતુ માનવ જીવનમાં આશા, આત્મવિશ્વાસ અને ગૌરવને પરત લાવવા વિશે છે," તેમણે બિહારને "એવી ભૂમિ ગણાવતા લખ્યું છે કે આ રાજ્યએ રાષ્ટ્રને નવી ચેતના અને ઐતિહાસિક દિશા આપી છે", તેમણે ઉમેર્યું છે કે આ હેતુથી નવા રચાયેલું "અદાણી અખંડ જ્યોતિ ફાઉન્ડેશન" બિહારમાં જન્મેલી સેવાની સુવાસને ભારતભરમાં વસતા વંચિત સમુદાયો સુધી લઈ જવાનો પ્રયાસ કરશે.

​અદાણી ગ્રુપની સામાજિક કલ્યાણ અને વિકાસ પાંખ અદાણી ફાઉન્ડેશન બિહાર સ્થિત અગ્રણી ગ્રામીણ આંખ સંભાળ સંસ્થા અખંડ જ્યોતિ ફાઉન્ડેશન સાથે સહયોગમાં મસ્તીચકમાં અદાણી સેન્ટર ફોર આઈ (ACE) અને અદાણી ટ્રેનિંગ ઇન ઓપ્થેલ્મિક મેડિસિન (ATOM) ને નાણાકીય સહયોગ પૂરો પાડશે.

સસ્તી સંભાળ, જટિલ પ્રક્રિયાઓ અને મોટા પાયે ગ્રામીણ પહોંચ પર ધ્યાન કેન્દ્રિત કરવા ACE એક અદ્યતન સારવાર અને સર્જિકલ સુવિધાના રુપમાં સેવા આપશે અને ATOM ભારતના ગ્રામીણ આરોગ્ય સંભાળના ટીમ વર્કને મજબૂત બનાવવા માટે ઓપ્ટોમેટ્રિસ્ટ, નેત્ર સહાયકો અને સામુહિક આરોગ્ય સંભાળ કર્મચારીઓને તાલીમબધ્ધ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.

બિહાર અને નજીકના પ્રદેશોના અંતરિયાળ ગામોમાં છેવટની વ્યક્તિ સુધી ચક્ષુ સંભાળની સુવિધાના આરંભના  પ્રતીકરુપ ACEના બેનર હેઠળ ૧૦ દર્દીઓની ક્ષમતાની પરિવહન બસોના કાફલાને ઔપચારિક રીતે લીલી ઝંડી આપવામાં આવી હતી.

​શ્રી ગૌતમ અદાણી સાથે અદાણી ફાઉન્ડેશનના અધ્યક્ષા ડૉ. પ્રીતિ અદાણી, અખંડ જ્યોતિ આંખ હોસ્પિટલના સહ-સ્થાપક, સી.ઈ.ઓ. અને એક્ઝિક્યુટિવ ટ્રસ્ટી શ્રી મૃત્યુંજય તિવારી જોડાયા હતા.

શ્રી તિવારીએ આ સહયોગને સમગ્ર ભારતમાં વંચિત સમુદાયો માટે સસ્તી અને સુલભ આંખની સંભાળના વિસ્તરણ માટેની સહિયારી પ્રતિબદ્ધતા તરીકે વર્ણવતા “અખંડ જ્યોતિ આંખ હોસ્પિટલ પર ભરોસો મૂકી પરિવર્તનની આ યાત્રામાં અમને ભાગીદાર તરીકે પસંદ કરવા બદલ શ્રી ગૌતમ અદાણીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ભારતના અંતરિયાળ ગામોમાં વસતા છેવાડાના વંચિત અસંખ્ય સમુદાય માટે દૃષ્ટિ, અભિમાન, તક અને તેમના સપનાઓને પુનઃસ્થાપિત કરવા માટેની સહિયારી પ્રતિબદ્ધતાની દ્રષ્ટીએ આ ભાગીદારી માળખાગત સુવિધાઓના નિર્માણથી ઘણી વિશિષ્ટ છે. તેમણે શ્રધ્ધા વ્યક્ત કરી હતી કે અમારા સહિયારા પ્રયાસોથી આગામી વર્ષોમાં લાખો માનવ જીવોમાં હકારાત્મક અસર પેદા થશે.

વધુમાં અદાણી ગ્રુપના નિર્માણાધિન ૨૪૦૦ મેગાવોટના અલ્ટ્રા-સુપરક્રિટિકલ થર્મલ પાવર પ્લાન્ટ નજીક બિહારના ભાગલપુર જિલ્લામાં પીરપૈંટીમાં ૨૦૦ પથારીની ક્ષમતાની હોસ્પિટલનું નિર્માણ કરવાની યોજનાની અદાણી ફાઉન્ડેશને જાહેરાત કરી હતી. આ હોસ્પિટલનો હેતુ પૂર્વીય બિહારના મોટા ભાગોમાં વસતા સમુદાયો સુધી સારવારના લાભો વિસ્તારીને સસ્તી આરોગ્યસંભાળની પહોંચને વધુ મજબૂત બનાવવાનો છે.

અખંડ જ્યોતિ ફાઉન્ડેશનના ગ્રામ્ય જીવનમાં પરિવર્તન લાવતા કાર્યને બિહારથી આગળ અને ભારતભરમાં સ્થાયી વંચિત પ્રદેશોમાં લઈ જવા માટે શ્રી ગૌતમ અદાણીએ રુ.૫૦૦ કરોડ સહિત આ મિશનના રોજબરોજના કામકાજના ખર્ચ મળી કુલ રુ.૭૦૦ કરોડના વ્યક્તિગત સંકલ્પને આવરી લેતા દેશભરમાં લાંબા ગાળાના માનવતાવાદી અને સામુદાયિક આરોગ્ય સંભાળ મિશનને વિસ્તૃત કરવા માટે "અદાણી અખંડ જ્યોતિ ફાઉન્ડેશન" ની સ્થાપનાની પણ જાહેરાત કરી હતી.

(9:26 AM IST)