તા. ૧૯ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૦ ગુરૂવાર
News of Thursday, 19th November 2026
કચ્છના સાંઘી પ્લાન્ટમાં અદાણી સિમેન્ટે શરૂ કર્યું ઇલેક્ટ્રિક ટ્રકથી પરિવહન: 410 ટ્રક તૈનાત કરવાની તૈયારી
ગ્રીન લોજિસ્ટિક્સ તરફ મોટું પગલું; 2030 સુધીમાં 2,000થી વધુ ઇલેક્ટ્રિક ટ્રક રસ્તા પર ઉતારવાની યોજના, કાર્બન ઉત્સર્જન સાથે ડીઝલ ઊર્જાનો વપરાશ ઘટશે

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧૯ : બાંધકામ સામગ્રી ક્ષેત્રની અગ્રણી કંપની અદાણી સિમેન્ટે કચ્છના સાંઘી પ્લાન્ટ ખાતે હેવી-ડ્યુટી ઇલેક્ટ્રિક ટ્રકોને લીલી ઝંડી આપી પરિવહન ક્ષેત્રે નવી પહેલ કરી છે. કંપની દ્વારા પ્રથમ વખત વીજળીથી ચાલતા ટ્રકો તહેનાત કરાયા છે, જે ગ્રીન લોજિસ્ટિક્સ અને પર્યાવરણ સંરક્ષણ તરફનું મહત્ત્વપૂર્ણ પગલું છે.
કંપનીની યોજના મુજબ માર્ચ 2027 સુધીમાં ક્લિંકર અને સિમેન્ટના પરિવહન માટે 410 ઇલેક્ટ્રિક ટ્રક કાર્યરત કરાશે, જ્યારે 2030 સુધીમાં આ સંખ્યા 2,000થી વધુ કરવાનો લક્ષ્યાંક છે. આ ઉપરાંત રસ્તા માર્ગે થતા કુલ પરિવહનમાં 10 ટકા હિસ્સો ઇલેક્ટ્રિક ટ્રકો દ્વારા પૂરો કરવાની યોજના છે.
અદાણી ગ્રૂપના સિમેન્ટ વ્યવસાયના સીઈઓ વિનોદ બાહેટીએ જણાવ્યું હતું કે સાંઘી પ્લાન્ટની આ પહેલ માત્ર શરૂઆત છે. ક્લિંકર અને સિમેન્ટના ઇલેક્ટ્રિક પરિવહન માટે દેશભરમાં અનેક રૂટની ઓળખ કરાઈ છે. ઇલેક્ટ્રિક ટ્રકો કાર્બન ઉત્સર્જન ઘટાડવાની સાથે ડીઝલના ભાવની વધઘટ વચ્ચે પરિવહન ખર્ચમાં પણ બચત કરશે. કંપની વધુ હરિત અને સ્પર્ધાત્મક સિમેન્ટ વ્યવસાય ઊભો કરવા પ્રતિબદ્ધ છે.
કંપનીના જણાવ્યા મુજબ છેલ્લા એક દાયકામાં ડીઝલના ભાવમાં આશરે 60 ટકાનો વધારો થયો છે, જ્યારે લિથિયમ-આયર્ન બેટરી પેકના ખર્ચમાં 70 ટકા અને સૌર ઊર્જાના ટેરિફમાં 47 ટકાનો ઘટાડો થયો છે. આ પરિબળો ઇલેક્ટ્રિક ટ્રકોને આર્થિક રીતે વધુ વ્યવહારુ બનાવે છે.
અદાણી સિમેન્ટના અંદાજ મુજબ 410 ઇલેક્ટ્રિક ટ્રકોનો કાફલો વાર્ષિક 25 હજાર ટનથી વધુ કાર્બન ઉત્સર્જન ઘટાડશે અને આશરે 1.1 કરોડ લિટર ડીઝલની બચત કરશે. નવીનીકરણીય ઊર્જાથી સંચાલિત ટ્રકો દ્વારા કાર્બન ઉત્સર્જનમાં નોંધપાત્ર ઘટાડો શક્ય બનશે.
ઉલ્લેખનીય છે કે ભારત વિશ્વનો બીજા ક્રમનો સૌથી મોટો સિમેન્ટ ઉત્પાદક દેશ છે. ચૂનાના પથ્થર, ક્લિંકર અને તૈયાર સિમેન્ટના પરિવહનમાં મોટા પ્રમાણમાં ઇંધણ વપરાય છે. આવા સંજોગોમાં સાંઘી પ્લાન્ટથી શરૂ થયેલી આ પહેલ સિમેન્ટ ઉદ્યોગમાં ખર્ચ ઘટાડવા અને કાર્બન ઉત્સર્જન નિયંત્રિત કરવાની દિશામાં મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
(9:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
