News of Tuesday, 28th July 2026
NEET વિરોધ પર પોસ્ટ મૂકીને ૩ લાખ ફોલોઅર્સ ગુમાવનાર અભિનેત્રી પર્લ માનેએ માફી માંગી: "હું એક સારી વ્યક્તિ બનવાનો પ્રયત્ન કરીશ!"
ટિપ્પણીઓ બંધ કર્યા બાદ યુટ્યુબ પર વીડિયો જારી કરીને આપી સફાઈ: કેસરી બેકગ્રાઉન્ડ અને 'નિષ્ફળ ફિલ્મ નિર્માતા' વાળી વિવાદાસ્પદ ટિપ્પણી બદલ માફી માગતી બિગ બોસ મલયાલમ ફેમ અભિનેત્રી

કોચિ : NEET પેપર લીક વિરોધ પ્રદર્શન અંગે સોશિયલ મીડિયા પર મૂકેલી એક વિવાદાસ્પદ પોસ્ટને કારણે ભારે વિરોધનો સામનો કરી રહેલી બિગ બોસ મલયાલમ સીઝન ૧ ફેમ અને જાણીતી ટીવી હોસ્ટ પર્લ માને (Pearle Maaney) એ આખરે પોતાની ભૂલ સ્વીકારીને જાહેર માફી માંગી છે. વિવાદ વધતા ૩ લાખથી વધુ ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ ગુમાવ્યા બાદ પર્લ માનેએ સોશિયલ મીડિયા પર ટિપ્પણીઓ બંધ કરી દીધી હતી અને બાદમાં પોતાની યુટ્યુબ ચેનલ પર એક લાંબો સ્પષ્ટતા કરતો વીડિયો અપલોડ કર્યો હતો.
વીડિયોમાં પર્લ માનેએ પોતાની પોસ્ટની દરેક લાઇન વાંચીને સમજાવી હતી અને ભાવુક થઈને કહ્યું હતું કે, "વિદ્યાર્થીઓ વિરોધ છોડીને ઘરે જતા રહે તેવો મારો કોઈ ઈરાદો નહોતો, હું તો માત્ર એટલું જ કહેવા માંગતી હતી કે તેઓ સુરક્ષિત રહે."
"વિદ્યાર્થીઓનું લોહી વહેતું જોઈને ડર લાગ્યો હતો"
પોતાની પોસ્ટ પાછળનું કારણ દર્શાવતા પર્લ માનેએ ખુલાસો કર્યો હતો કે, વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ કાર્યવાહીમાં વિદ્યાર્થીઓને માર મારવામાં આવતા અને તેમના શરીરમાંથી લોહી વહેતું હોવાના વીડિયો જોઈને તે ખૂબ ડરી ગઈ હતી. તે ડર અને પીડામાંથી જ તેણે તે પોસ્ટ લખી હતી.
જોકે, લોકોએ તેનો ખોટો અર્થ કાઢ્યો અને સોશિયલ મીડિયા પર તેની સખત ટીકા થવા લાગી. એક ટિપ્પણીમાં તો એવું પણ લખવામાં આવ્યું હતું કે, 'આ પોસ્ટ સ્વતંત્રતા સેનાનીઓની કબરો પર થૂંકવા સમાન છે', જેનાથી તેને ઊંડો આઘાત લાગ્યો હતો.
કેસરી બેકગ્રાઉન્ડ અને 'નિષ્ફળ ફિલ્મ નિર્માતા' ટિપ્પણી પર સ્પષ્ટતા:
વિવાદ દરમિયાન પર્લ માનેએ ગુસ્સામાં આવીને એક ક્રિટિકને 'નિષ્ફળ ફિલ્મ નિર્માતા' કહી દીધા હતા અને પોતાની પોસ્ટમાં કેસરી (Saffron) રંગના બેકગ્રાઉન્ડનો ઉપયોગ કર્યો હતો, જેના કારણે તેના પર રાજકીય પક્ષપાતનો પણ આરોપ લાગ્યો હતો.
· કેસરી રંગ અંગે: પર્લે સ્પષ્ટતા કરી હતી કે, "મેં કેનવા (Canva) પર નોટપેડ ટેમ્પલેટ લઈને ટાઈપ કર્યું હતું. આમાં કોઈ રાજકીય એજન્ડા નહોતો. મને ભારતીય ધ્વજમાં કેસરી રંગ ખૂબ ગમે છે."
· દિગ્દર્શકની માફી: તેણે સ્વીકાર્યું કે ગુસ્સામાં આવીને કોઈને 'નિષ્ફળ ફિલ્મ નિર્માતા' કહેવું તેની મોટી ભૂલ હતી. સાથે જ તેણે સ્પષ્ટ કર્યું કે આ ટિપ્પણી પ્રખ્યાત મલયાલમ દિગ્દર્શક સિબી મલયિલ માટે નહોતી અને તે તેમનો ખૂબ આદર કરે છે.
વીડિયોના અંતમાં પોતાના પિતાની શીખને યાદ કરતા પર્લે અશ્રુભીની આંખે કહ્યું હતું કે, "હું એક જાહેર વ્યક્તિ છું અને મારે મારા કાર્યો પ્રત્યે વધુ જવાબદાર બનવું પડશે. હું એક સારો મનુષ્ય બનવાનો પ્રયત્ન કરી રહી છું અને આશા રાખું છું કે લોકો મને માફ કરી દેશે."
(6:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
