<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th April 2026

લગ્નના બહાને અભિનેત્રીએ લંડનના ટેકીને લગાવ્યો ₹9.35 કરોડનો ચૂનો: હૈદરાબાદમાં હાઈ-પ્રોફાઈલ છેતરપિંડીની ફરિયાદ

7 વર્ષ સુધી પ્રેમની જાળમાં ફસાવીને મિલકતો, લક્ઝરી કાર અને સોનાના દાગીના પડાવ્યા; અંતે લગ્નનો ઈનકાર કરી અભિનેત્રીએ આપી ખોટા કેસમાં ફસાવવાની ધમકી, પોલીસ તપાસ તેજ

હૈદરાબાદ : તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં એક અભિનેત્રી અને તેના પરિવાર વિરુદ્ધ લંડનમાં સ્થિત એક સોફ્ટવેર એન્જિનિયર સાથે લગ્નના બહાને ₹9.35 કરોડની છેતરપિંડી કરવાનો ગંભીર ગુનો નોંધવામાં આવ્યો છે. આ હાઈ-પ્રોફાઈલ કેસની વિગતો ત્યારે બહાર આવી જ્યારે પીડિત એન્જિનિયરના 60 વર્ષીય પિતાએ હૈદરાબાદ પોલીસના સેન્ટ્રલ ક્રાઈમ સ્ટેશન (CCS) માં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે અભિનેત્રી, તેની માતા અને બહેન સહિત પરિવારના ચાર સભ્યો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
મિત્રતાથી શરૂ થઈ લૂંટની કહાની
ફરિયાદ મુજબ, પીડિત યુવક ૨૦૧૮માં જ્યારે ભારત આવ્યો હતો ત્યારે તેના મિત્રો દ્વારા આ અભિનેત્રી સાથે તેની ઓળખાણ થઈ હતી. અભિનેત્રીએ પોતાને અમેરિકામાં ભણેલી હોવાનું જણાવી યુવકને વિશ્વાસમાં લીધો હતો. માત્ર બે મહિનાની મુલાકાત બાદ જ માર્ચ ૨૦૧૮માં તેણે યુવકને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. યુવક અગાઉ પરણેલો હોવા છતાં અભિનેત્રીએ કહ્યું હતું કે તેને તેના છૂટાછેડાના મુદ્દાથી કોઈ વાંધો નથી.
મજબૂરીનું બહાનું ધરી કરોડો પડાવ્યા
એકવાર લગ્ન નક્કી થયા બાદ અભિનેત્રીએ પોતાની આર્થિક મુશ્કેલીઓનો રાગ આલાપ્યો હતો. તેણે ક્યારેક વિઝામાં સમસ્યા, તો ક્યારેક એજ્યુકેશન લોન બાકી હોવાના બહાને યુવક પાસે મદદ માંગી હતી. પ્રેમમાં અંધ યુવકે લગ્નના ભરોસે તેને આર્થિક સહાય કરવાનું શરૂ કર્યું. ૨૦૨૦માં જ્યારે પરિવારોની મુલાકાત ગોઠવવાની વાત આવી, ત્યારે અભિનેત્રીએ લગ્નનો ઈનકાર કરી દીધો. જોકે, પાછળથી તેની માતા અને બહેને 'અભિનેત્રી ડિપ્રેશનમાં છે' તેવું નાટક કરીને ફરીથી સંબંધ શરૂ કરાવ્યો હતો.
મિલકતો અને સોનામાં રોકાણ કરાવ્યું
૨૦૨૦ થી ૨૦૨૫ ના ગાળા દરમિયાન આ અભિનેત્રીએ લગ્નની ખાતરી આપીને યુવક પાસેથી કરોડો રૂપિયા પડાવ્યા હતા. એટલું જ નહીં, તેણે યુવક પાસે પોતાના નામે મોંઘી મિલકતો, લક્ઝરી વાહનો અને સોનાના દાગીના ખરીદાવ્યા હતા. જ્યારે પણ યુવક લગ્નનું દબાણ કરતો, ત્યારે તે કોઈ ને કોઈ બહાને વાત ટાળતી હતી.
અંતે ધમકી આપી તોડ્યો સંબંધ
જુલાઈ ૨૦૨૫માં અભિનેત્રીએ અંતે લગ્ન કરવાની સ્પષ્ટ ના પાડી દીધી અને યુવકને ખોટા કેસોમાં ફસાવી દેવાની ધમકી આપી સંપર્ક તોડી નાખ્યો. સાત વર્ષ સુધી ચાલેલા આ છેતરપિંડીના ખેલમાં યુવકે આર્થિક અને માનસિક રીતે ભારે પાયમાલી ભોગવી છે. હાલમાં હૈદરાબાદ પોલીસ અભિનેત્રીના બેંક ટ્રાન્ઝેક્શન અને મિલકતોના દસ્તાવેજોની ચકાસણી કરી રહી છે. આ ઘટનાએ ટેક જગત અને ગ્લેમર વર્લ્ડમાં ભારે ચર્ચા જગાવી છે.

(8:10 PM IST)