તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Monday, 22nd June 2026
અભિનેતા પ્રકાશ રાજ મુશ્કેલીમાં: ૪ રાજ્યોમાં અલગ-અલગ વોટર આઈડી કાર્ડ રાખવાના આરોપમાં બિનજામીનપાત્ર વોરંટ જારી!
કોર્ટના સમન્સને નજરઅંદાજ કરવો પડ્યો ભારે: બેંગલુરુ કોર્ટે કડક પગલાં લેતા જ એક્ટરે સોશિયલ મીડિયા પર ખુલાસો કરીને અહેવાલોને 'ફેક ન્યૂઝ' ગણાવ્યા

બેંગલુરુ: જાણીતા અને દિગ્ગજ અભિનેતા પ્રકાશ રાજ એક ગંભીર કાનૂની વિવાદમાં ફસાયા છે. ભારતના કાયદા મુજબ કોઈપણ નાગરિક દેશમાં માત્ર એક જ મતદાર ઓળખ પત્ર (વોટર આઈડી કાર્ડ) રાખી શકે છે, પરંતુ પ્રકાશ રાજ પર એકસાથે ચાર અલગ-અલગ રાજ્યોમાં વોટર આઈડી કાર્ડ ધરાવવાનો સનસનાટીભર્યો આરોપ લાગ્યો છે. આ મામલે બેંગલુરુની એક સ્થાનિક કોર્ટે કડક વલણ અપનાવતા અભિનેતા વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ (Non-Bailable Warrant) જારી કરી દીધું છે, જેના કારણે મનોરંજન અને રાજકીય જગતમાં ખળભળાટ મચી ગયો છે.
આ સમગ્ર વિવાદની વિગત એવી છે કે વકીલ દિલીપ કુમારે બેંગલુરુની ૪૮મી એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (ACJM) કોર્ટ સમક્ષ એક ખાનગી ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં પુરાવા સાથે દાવો કરવામાં આવ્યો હતો કે પ્રકાશ રાજ પાસે દક્ષિણ ભારતના ચાર મહત્વના રાજ્યો - કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને તમિલનાડુમાં સક્રિય મતદાર ઓળખ કાર્ડ છે. લોકશાહીના નિયમો અને કાયદાના ઉલ્લંઘન સમાન આ ગંભીર બાબતની નોંધ લઈને અદાલતે અગાઉ પ્રકાશ રાજને બે વાર સમન્સ જારી કરીને કોર્ટમાં હાજર થવા આદેશ કર્યો હતો. જોકે, અભિનેતા આ સમન્સને અવગણીને કોર્ટમાં હાજર ન થતાં આખરે ન્યાયાધીશે તેમની સામે બિનજામીનપાત્ર વોરંટ ઈશ્યુ કર્યું છે.
બીજી તરફ, આ અહેવાલો સોશિયલ મીડિયા અને મીડિયા ચેનલો પર વાયુવેગે ફેલાઈ જતાં પ્રકાશ રાજે આ મામલે મૌન તોડ્યું છે. તેમણે પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પરથી એક પોસ્ટ શેર કરીને આ તમામ સમાચારોનો સ્પષ્ટ ઈનકાર કર્યો છે. પ્રકાશ રાજે દાવો કર્યો છે કે તેમની સામે કોઈ બિનજામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યું નથી અને આ અહેવાલો સંપૂર્ણપણે નકલી એટલે કે 'ફેક ન્યૂઝ' છે. હવે આ મામલે કોર્ટ અને અભિનેતા વચ્ચેની કાનૂની લડાઈ આગામી દિવસોમાં કયું નવું સ્વરૂપ લે છે તે જોવું રહ્યું.
(6:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
