News of Tuesday, 22nd September 2026
૧૧થી ૧૨ વર્ષની બાળકીઓમાં ખીલ, વજન વધવું અને અનિયમિત પિરિયડ્સ PCOSના લક્ષણો હોઈ શકે: AIIMSના ડોક્ટરોની ગંભીર ચેતવણી
કિશોરીઓમાં વધી રહ્યો છે પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમનો ભય : ખરાબ લાઈફસ્ટાઈલ અને સ્ટ્રેસ મુખ્ય કારણ: યોગ અને યોગ્ય લાઈફસ્ટાઈલથી મેળવી શકાય છે નિવારણ

નવી દિલ્હી: દિલ્હી AIIMS (ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ)ના તબીબો દ્વારા ૧૧ થી ૧૯ વર્ષની વયજૂથ ધરાવતી કિશોરીઓમાં વધી રહેલા PCOS (પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ)ના કેસો અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. સામાન્ય રીતે ૨૦ થી ૩૦ વર્ષની મહિલાઓમાં જોવા મળતી આ હોર્મોનલ સમસ્યા હવે ૧૧થી ૧૨ વર્ષની બાળકીઓમાં પણ ઝડપથી વધી રહી છે. દેશમાં આ વયજૂથની લગભગ ૩ થી ૮ ટકા કિશોરીઓ આ સમસ્યાથી પીડાઈ રહી છે.
AIIMSના પ્રોફેસર ડૉ. રીમા દાદાએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, જંક ફૂડ, અવ્યવસ્થિત આહાર, કસરતનો અભાવ, સતત માનસિક તણાવ અને કૌટુંબિક ઈતિહાસને કારણે કિશોરીઓમાં PCOSનું પ્રમાણ વધી રહ્યું છે. આ સ્થિતિમાં અંડાશય (ઓવરી)માંથી પુરુષ હોર્મોન 'એન્ડ્રોજેન'નું પ્રમાણ વધી જાય છે, જે માસિક સ્રાવ, ત્વચા, વાળ અને ઓવ્યુલેશન સિસ્ટમને નુકસાન પહોંચાડે છે. ઘણીવાર તરુણાવસ્થા (પ્યુબર્ટી)ના સામાન્ય ફેરફારો અને PCOSના લક્ષણો સમાન દેખાતા હોવાથી માતાપિતા આ સમસ્યા ઓળખી શકતા નથી.
ફક્ત અનિયમિત માસિક જ નહીં, અન્ય લક્ષણો પર પણ નજર રાખવી જરૂરી, ગંભીર કેસોમાં મલ્ટિ-ડિસિપ્લિનરી સારવારની જરૂરિયાત
ડૉ. રીમા દાદાએ સ્પષ્ટ કર્યું હતું કે, ફક્ત સમયસર માસિક ન આવવું એ જ PCOSનું લક્ષણ નથી. જો ૧૧-૧૨ વર્ષની પુત્રીના ચહેરા, છાતી, પેટ કે પીઠ પર અસામાન્ય વાળ ઊગવા, સતત ખીલ થવા અને અચાનક વજન વધવું જેવા લક્ષણો દેખાય તો તુરંત ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. બાળકી નાની છે તેવું માનીને લક્ષણોની અવગણના ન કરવાની સલાહ આપવામાં આવી છે.
AIIMSના બાળરોગ વિભાગના પ્રોફેસર ડૉ. રજની શર્માએ ઉમેર્યું હતું કે, PCOSની અસર માત્ર અંડાશય સુધી સીમિત નથી રહેતી. સમયસર સારવાર ન મળે તો ભવિષ્યમાં હૃદયરોગ અને સ્ટ્રોક જેવી ગંભીર બીમારીઓનું જોખમ વધી જાય છે. આથી માત્ર ગાયનેકોલોજિસ્ટ જ નહીં, પરંતુ પીડિયાટ્રિશિયન (બાળરોગ નિષ્ણાત), ન્યુટ્રિશનિસ્ટ અને જરૂર જણાય તો સાયકિયાટ્રિસ્ટની મદદ લેવી પણ જરૂરી બને છે.
દરમિયાન, AIIMS ખાતે કરાયેલા સંશોધનને ટાંકીને ડૉ. રીમા દાદાએ જણાવ્યું હતું કે યોગ અને પ્રાણાયામ દ્વારા PCOSને ખૂબ સરળતાથી નિયંત્રિત કરી શકાય છે. ઘણી મહિલાઓ અને કિશોરીઓએ નિયમિત યોગાસન અને જીવનશૈલીમાં ફેરફાર કરીને આ સ્થિતિ પર સફળતાપૂર્વક વિજય મેળવ્યો છે.
(6:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
