તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 26th September 2026
આચાર્ય પ્રમોદ કૃષ્ણમને આંતરરાષ્ટ્રીય નંબર પરથી મળી બોમ્બ અને રોકેટ લોન્ચરથી ઉડાવી દેવાની ધમકી: "દંભ બંધ કરો, નહીંતર ગોળી મારી દઈશું!"
શ્રી કલ્કી ધામમાં ગુરુ ગોવિંદ સિંહ જી અને ભગવાન બુદ્ધની મૂર્તિ સ્થાપિત કરવાના સંકલ્પથી ગભરાયેલા રાષ્ટ્રવિરોધી તત્વોનું કાવતરું; આતંકી સંગઠન બબ્બર ખાલસા સાથે કનેક્શન હોવાની આશંકા વચ્ચે પોલીસ તપાસ શરૂ

સંભલ : શ્રી કલ્કી ધામના પીઠાધીશ્વર આચાર્ય પ્રમોદ કૃષ્ણમને જાનથી મારી નાખવાની ધમકી મળતા સનાતન ધર્મ અને ધાર્મિક વર્તુળોમાં ભારે ચકચાર મચી ગઈ છે. આચાર્ય પ્રમોદ કૃષ્ણમને એક આંતરરાષ્ટ્રીય નંબર પરથી મોકલવામાં આવેલા ઓડિયો સંદેશ દ્વારા અત્યંત ગંભીર ધમકી આપવામાં આવી છે. વોઈસ મેસેજ મોકલનાર વ્યક્તિએ પોતાને કુલબીર સિંહ સિદ્ધુ તરીકે ઓળખાવ્યો છે અને ખુલ્લેઆમ કહ્યું છે કે, "તારો દંભ બંધ કર, નહીંતર અમે તને ગોળીઓ મારી દઈશું, બોમ્બ ફેંકીશું અને રોકેટ લોન્ચરથી ઉડાવી દઈશું!"
આ ઘટના અંગે સંભલ ખાતે શ્રી કલ્કી ધામમાં બોલાવવામાં આવેલી પત્રકાર પરિષદમાં આચાર્ય પ્રમોદ કૃષ્ણમે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસોથી તેમને અજાણ્યા આંતરરાષ્ટ્રીય નંબરો પરથી સતત કોલ આવી રહ્યા હતા. બે-ત્રણ દિવસ પહેલાં પંજાબી ભાષામાં રેકોર્ડ થયેલો આ ધમકીભર્યો ઓડિયો સંદેશ મળ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં ધમકી આપનાર વ્યક્તિનું કનેક્શન પ્રતિબંધિત આતંકવાદી સંગઠન 'બબ્બર ખાલસા' સાથે હોવાનું સામે આવી રહ્યું છે, જોકે આ અંગે પોલીસની સત્તાવાર પુષ્ટિ આવવાની બાકી છે. આચાર્યએ આ ઓડિયો રેકોર્ડિંગ, ટ્રાન્સક્રિપ્ટ અને મોબાઈલ નંબરની વિગતો કેન્દ્રીય ગૃહ મંત્રાલય, ઉત્તર પ્રદેશ પોલીસ અને પંજાબ પોલીસને મોકલીને તાત્કાલિક એફઆઈઆર (FIR) નોંધવા તેમજ સુરક્ષા વધારવાની માંગ કરી છે.
પ્રેસ કોન્ફરન્સમાં આચાર્યએ સ્પષ્ટ કર્યું કે, શ્રી કલ્કી ધામમાં ભગવાન કલ્કીની સાથે ગુરુ ગોવિંદ સિંહ જી મહારાજ, ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધને આદરપૂર્વક સ્થાપિત કરવાનો તેમણે દ્રઢ સંકલ્પ કર્યો છે. સનાતન ધર્મ અને હિન્દુ-શીખ એકતાનો આ સંદેશ રાષ્ટ્રવિરોધી તત્વોને પચતો નથી. શીખ અને હિન્દુ સમુદાયને એક જ માતાના બાળકો ગણાવતા તેમણે ઉમેર્યું કે ગુરુ ગોવિંદ સિંહજીના સર્વોચ્ચ બલિદાન વિના સનાતન ધર્મની રક્ષા અશક્ય હતી.
ધમકીઓ છતાં પોતાના સંકલ્પ પર અડગ રહેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે ભાવુક થઈને જણાવ્યું કે, "મારી હત્યા કરી શકાય છે, પરંતુ કલ્કી ધામનું નિર્માણ કાર્ય ક્યારેય અટકશે નહીં. જો દેશ અને ધર્મની એકતા માટે મારી હત્યા થાય તો તેને હું મારું સદ્ભાગ્ય અને બલિદાન માનીશ." તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને અપીલ કરી છે કે કલ્કી ધામના નિર્માણકાર્યને સંપૂર્ણ સુરક્ષા પૂરી પાડવામાં આવે અને જો તેમની સાથે કોઈ અનિચ્છનીય ઘટના ઘટે તો પણ સરકારની દેખરેખ હેઠળ આ ધામનું બાંધકામ પૂર્ણ કરવામાં આવે.
(10:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
