<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th July 2026

આરોપીને સહ-આરોપીની સજા માફીનો વિરોધ કરવાનો હક નથી

દિલ્‍હી હાઈકોર્ટનો મહત્‍વપૂર્ણ ચુકાદો

નવી દિલ્‍હી તા.૧૪: દિલ્‍હી હાઈકોર્ટે મહત્‍વપૂર્ણ ચુકાદામાં જણાવ્‍યું હતું કે કોઈ ફોજદારી કેસમાં એક આરોપી સરકારી સાક્ષી બનીને સજામાફીની માગણી કરવાની અરજી કરે ત્‍યારે બીજા આરોપીને તેનો વિરોધ કરવાનો કોઇ અધિકાર નથી. જોકે તેને ટ્રાયલ દરમિયાન સહ-આરોપીની વિશ્વસનીયતા પર પ્રશ્નો ઉઠાવવા માટે તેની ઊલટતપાસ કરવાની તક મળી શકે છે.

૪ જુલાઈને ચુકાદામાં જણાવાયું હતું કે સરકારી સાક્ષી બનેલા આરોપીની ટ્રાયલ દરમિયાન ઉલટતપાસ કરી શકાય છે અને તે પછી જ તેની જુબાની પુરાવા તરીકે માન્‍ય બને છે. તેથી અન્‍ય આરોપીને તેની વિશ્વસનીયતા પડકારવાની યોગ્‍ય અને અસરકારક તક ટ્રાયલ દરમિયાન જ મળે છે.

હાઈકોર્ટ મની લોન્‍ડરિગ કેસમાં એક આરોપી કંપની દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરી રહી હતી. આ આરોપી કંપનીએ ૨૦૨૪માં અન્‍ય એક આરોપીને સરકારી સાક્ષીનો દરજ્‍જો આપતા આદેશને પાછો ખેંચવાની માંગ કરી હતી. કંપનીએ દલીલ કરી હતી કે તે આ મામલામાં જરૂરી પક્ષકાર છે અને તેને સાંભળવામા આવ્‍યા વગર જ આદેશ આપવામાં આવ્‍યો હતો.

જોકે આ કંપનીની આશંકાને કસમયની ગણાવીને હાઇકોર્ટે જણાવ્‍યું હતું કે, આ મુદ્દે અગાઉ દિલ્‍હી હાઈકોર્ટ તેમજ અન્‍ય હાઈકોર્ટે પણ ચુકાદા આપ્‍યા છે અને તેમાં સ્‍પષ્ટ કરવામાં આવ્‍યું છે કે સહ-આરોપીનો અધિકાર માત્ર ટ્રાયલના તબક્કે જ ઊભો થાય છે. સજા માફીની કાર્યવાહી દરમિયાન તેને અલગથી સુનાવણીનો અધિકાર મળતો નથી.

હાઇકોર્ટે જણાવ્‍યું હતું કે અરજદાર કંપની અને અન્‍ય સહ-આરોપીઓને ટ્રાયલ દરમિયાન સરકારી સાક્ષી બનેલા આરોપીની ઊલટતપાસ કરીને તેની જુબાનીની વિશ્વસનીયતાને પડકારવાનો પૂરતો અવસર મળશે.

 

(10:30 AM IST)