<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 16th August 2026

બિહારના જમુઈમાં આરોગ્ય મંત્રી નિશાંત કુમારના કાફલાને અકસ્માત : બે વાહનો એકબીજા સાથે અથડાતા અફરાતફરી

જનતા દળ યુનાઇટેડ (JDU)ના જિલ્લા અધ્યક્ષ શૈલેન્દ્ર મહતોની થાર કારને પાછળથી આવી રહેલી સ્કોર્પિયો ગાડીએ જોરદાર ટક્કર મારી

બિહારના જમુઈમાં રવિવારે આરોગ્ય મંત્રી નિશાંત કુમારના કાફલામાં અકસ્માતની ઘટના સામે આવી છે. કાફલામાં સામેલ બે વાહનો એકબીજા સાથે અથડાતા થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, રાહતની વાત એ છે કે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી.

   મળતી માહિતી મુજબ, જનતા દળ યુનાઇટેડના જિલ્લા અધ્યક્ષ શૈલેન્દ્ર મહતોની થાર કારને પાછળથી આવી રહેલી સ્કોર્પિયો ગાડીએ જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બંને વાહનોને નુકસાન થયું હતું.

આરોગ્ય મંત્રી નિશાંત કુમાર રવિવારે જમુઈ જિલ્લાના ઝાઝા ખાતે આયોજિત કાર્યક્રમમાં ભાગ લેવા જઈ રહ્યા હતા. અહીં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની નવનિર્મિત પ્રતિમાનું અનાવરણ  કરવામાં આવવાનું હતું.

નિશાંત કુમાર રસ્તા માર્ગે જમુઈ પહોંચી રહ્યા હતા ત્યારે પરિસદન ભવન નજીક તેમના કાફલામાં આ અકસ્માત થયો હતો.

 

પ્રાપ્ત માહિતી પ્રમાણે, જમુઈના કચહરી ચોક ખાતે આરોગ્ય મંત્રીના કાફલા પર પુષ્પવર્ષા કરવાની તૈયારીઓ કરવામાં આવી હતી. આ દરમિયાન કાફલામાં આગળ ચાલી રહેલી ગાડીઓએ અચાનક બ્રેક લગાવી હતી.

અચાનક બ્રેક લાગતાં પાછળ આવી રહેલી સ્કોર્પિયો ગાડીના ચાલકને ગાડી રોકવા માટે પૂરતો સમય મળ્યો નહીં અને તેણે JDU જિલ્લા અધ્યક્ષ શૈલેન્દ્ર મહતોની થારને પાછળથી ટક્કર મારી દીધી હતી.

(7:35 PM IST)