News of Wednesday, 7th October 2026
સ્વદેશી રાફેલ તેજસ પ્રોગ્રામને વેગઃ જીઇ એરોસ્પેસે ભારતને F404 એન્જિન પહોંચાડયા
અમેરિકન કંપની દ્વારા સપ્ટેમ્બરમાં ચાર એન્જિનની ડિલિવરીઃ ડિસેમ્બર સુધીમાં ૨૦ એન્જિન પૂરા પાડવાનું લક્ષ્ય

નવી દિલ્હી, તા.૭: ભારતના સ્વદેશી હળવા લડાયક વિમાન તેજસ ફાઇટર જેટ કાર્યક્રમને વધુ એક મોટું પ્રોત્સાહન મળ્યું છે. અમેરિકન ફાઇટર જેટ એન્જિન ઉત્પાદક કંપની જીઇ એરોસ્પેસે ભારતના તેજસ કાર્યક્રમ માટે જ્૪૦૪ એન્જિન સપ્લાય કરવાની પ્રક્રિયા સત્તાવાર રીતે વેગવંતી બનાવી છે. અગાઉ એન્જિનની ડિલિવરીમાં થયેલા વિલંબના કારણે આ પ્રોગ્રામ સમયપત્રક કરતા પાછળ રહી ગયો હતો, પરંતુ હવે કંપની દ્વારા સપ્ટેમ્બર મહિનામાં ચાર નવા F404-IN20 એન્જિન હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડને સફળતાપૂર્વક પહોંચાડી દેવામાં આવ્યા છે. અગાઉ ઓગસ્ટ મહિનામાં પણ HAL ને ત્રણ એન્જિન મળ્યા હતા.
કંપનીના પ્રવક્તાએ સમાચાર એજન્સીને આપેલી સત્તાવાર માહિતી મુજબ, જીઇ એરોસ્પેસ જૂન અને ડિસેમ્બર ૨૦૨૬ વચ્ચે કુલ ૨૦ એન્જિન સપ્લાય કરવાના તેના નિર્ધારિત લક્ષ્યને પૂર્ણ કરવા માટે સંપૂર્ણપણે ટ્રેક પર છે. ભારતે વર્ષ ૨૦૨૧ માં તેજસ એમકે૧એ પ્રોગ્રામ માટે જીઇ સાથે કુલ ૯૯ F404-IN20 એન્જિનનો ઓર્ડર આપ્યો હતો, જે અંતર્ગત પહેલું એન્જિન ૨૫ માર્ચ, ૨૦૨૫ ના રોજ ભારતમાં આવ્યું હતું. વૈશ્વિક સપ્લાય ચેઇનમાં અવરોધો અને કોવિડ-૧૯ મહામારીના કારણે ઉત્પાદન લાઇન અગાઉ પ્રભાવિત થઈ હતી, પરંતુ હવે કંપની HAL અને ભારતીય વાયુસેના સાથે મળીને એન્જિન સપ્લાય પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
તેજસ પ્રોગ્રામના વ્યાપ અને ભવિષ્યની યોજનાઓ અંગે વાત કરીએ તો, સપ્ટેમ્બર ૨૦૨૫ માં સંરક્ષણ મંત્રાલય દ્વારા રૂ.૬૨,૩૭૦ કરોડથી વધુના ખર્ચે વધુ ૯૭ એલસીએ એમકે૧એ એરક્રાફ્ટ માટે HAL સાથે કરાર કરવામાં આવ્યો છે, જેમાં ૬૮ ફાઇટર જેટ અને ૨૯ ટ્વીન-સીટરનો સમાવેશ થાય છે અને આ વિમાનોમાં ૬૪ ટકાથી વધુ સ્વદેશી સામગ્રી હશે. આ ઉપરાંત, એપ્રિલ ૨૦૨૬ માં જીઇ એરોસ્પેસ અને ભારતીય વાયુસેના વચ્ચે ભારતમાં જ F404-IN20 એન્જિન ડેપો સ્થાપવા માટે પણ કરાર થયો છે, જેનું સંચાલન વાયુસેના દ્વારા કરવામાં આવશે જ્યારે જીઇ દ્વારા તકનીકી સહાય પૂરી પાડવામાં આવશે.
(4:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
