<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th June 2026

તેલંગાણામાં એસીબીની મોટી કાર્યવાહી :સસ્પેન્ડેડ મહિલા મામલતદારને ત્યાં દરોડામાં કરોડોની કમાણીનો પર્દાફાશ

પ્રાથમિક તપાસમાં કરોડોની કિંમતી જમીનો, વૈભવી ફ્લેટ્સ, સોના-હીરાના ઘરેણાં અને રોકડ રકમ મળી આવતા ઉચ્ચ સરકારી વર્તુળોમાં ભારે ચકચાર મચી ગઈ

તેલંગાણામાં એન્ટી-કરપ્શન બ્યૂરોએ એક મોટી કાર્યવાહી કરીને લાંચિયા અધિકારીઓની ઉંઘ હરામ કરી દીધી છે. શમીરપેટની સસ્પેન્ડેડ મહિલા મામલતદાર થુમ્માકોમ્મા સુચરિતાના રહેઠાણ સહિતના સ્થળો પર એસીબીની ટીમે પાડેલા દરોડામાં કરોડો રૂપિયાની કાળી કમાણીનો પર્દાફાશ થયો છે. પ્રાથમિક તપાસમાં કરોડોની કિંમતી જમીનો, વૈભવી ફ્લેટ્સ, સોના-હીરાના ઘરેણાં અને રોકડ રકમ મળી આવતા ઉચ્ચ સરકારી વર્તુળોમાં ભારે ચકચાર મચી ગઈ છે. 

એન્ટી-કરપ્શન બ્યૂરોએ સસ્પેન્ડ કરાયેલા શમીરપેટના મામલતદાર અને જોઈન્ટ સબ-રજિસ્ટ્રાર થુમ્માકોમ્મા સુચરિતા વિરુદ્ધ આવકના જાણીતા સ્ત્રોતો કરતાં વધુ સંપત્તિ જમા કરવાનો ગુનો નોંધ્યો છે. તેમણે પોતાની નોકરી દરમિયાન ભ્રષ્ટ અને શંકાસ્પદ માધ્યમોથી અકૂત સંપત્તિ એકઠી કરી હતી. એસીબીના અધિકારીઓએ તેના પોતાના ઘર ઉપરાંત તેના સંબંધીઓ અને સહયોગીઓ સાથે સંકળાયેલી અન્ય ત્રણ જગ્યાઓ પર સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં 12 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા.

એસીબીની તપાસ દરમિયાન અધિકારીઓને સિદ્દીપેટ જિલ્લાના ડામરાકુંટા ગામમાં 2 એકર અને 17 ગુંઠા જમીન, હૈદરાબાદના જુદા જુદા વિસ્તારોમાં ત્રણ આલીશાન ફ્લેટ અને કીસારા તથા ખાનામેટ ગામોમાં બે કિંમતી પ્લોટ મળી આવ્યા છે. તપાસકર્તાઓને સર્ચ દરમિયાન અંદાજે 12 લાખ રૂપિયા રોકડા, બે મોંઘી કાર, આશરે 1.20 કરોડ રૂપિયાની કિંમતના સોના અને હીરાના દાગીના તેમજ બેંક ખાતામાં 38 લાખ રૂપિયાની બેલેન્સ મળી આવી છે.

એન્ટી-કરપ્શન બ્યૂરોના જણાવ્યા અનુસાર, દરોડા દરમિયાન જપ્ત કરાયેલી સંપત્તિની સરકારી ચોપડે કિંમત 5.05 કરોડ રૂપિયાથી વધુ છે. જો કે, અધિકારીઓનું કહેવું છે કે આ સ્થાવર મિલકતોની બજાર કિંમત  કાગળો પર નોંધાયેલી કિંમત કરતાં ઘણી વધારે છે. એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, "અમને અન્ય 12 એકર કૃષિ જમીનના દસ્તાવેજો પણ મળ્યા છે જેની હાલ તપાસ ચાલી રહી છે. આ તમામ મિલકતોની વાસ્તવિક બજાર કિંમત આશરે 20 કરોડ રૂપિયા હોઈ શકે છે." એસીબીએ ઉમેર્યું કે હજુ પણ અન્ય મિલકતોની તપાસ અને પુષ્ટિ કરવાની પ્રક્રિયા ચાલુ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભ્રષ્ટ તહસીલદાર સુચરિતાની 26 મેના રોજ જ લાંચ લેવાના એક અલગ કેસમાં ધરપકડ કરવામાં આવી ચૂકી છે અને તે હાલ ન્યાયિક કસ્ટડી હેઠળ જેલમાં છે. ભ્રષ્ટાચારના આરોપોને પગલે ગત 24 જૂનના રોજ સરકારે તેને નોકરીમાંથી સસ્પેન્ડ કરી દીધી હતી. સુચરિતાએ એક સરકારી કામ કરી આપવાના બદલામાં એક વ્યક્તિ પાસે 30 લાખ રૂપિયાની લાંચ માંગી હતી અને 2 લાખ રૂપિયા સ્વીકાર્યા હતા. ત્યારબાદ તેને એસપીઈ અને એસીબી કેસોની વિશેષ અદાલતમાં રજૂ કરવામાં આવી હતી.

એન્ટી-કરપ્શન બ્યૂરોએ સામાન્ય જનતાને અપીલ કરી છે કે જો કોઈ સરકારી કર્મચારી કે અધિકારી કામના બદલામાં લાંચ માંગે, તો તેની માહિતી એસીબીના ટોલ-ફ્રી હેલ્પલાઈન નંબર 1064 પર તાત્કાલિક આપવી. એસીબીએ જણાવ્યું છે કે ભ્રષ્ટાચાર મુક્ત સમાજના નિર્માણ માટે નાગરિકોનો સહયોગ ખૂબ જ અનિવાર્ય છે.

(7:38 PM IST)