<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th May 2026

મુંબઈગરાઓની પહેલી પસંદ બની એસી લોકલ: માત્ર 4 મહિનામાં જ 1.5 કરોડ મુસાફરોની સવારી, આવકમાં પણ અધધ ઉછાળો

રેલવેની સુધારેલી કનેક્ટિવિટી અને વધારાની ટ્રેન સેવાઓને મુસાફરોનો અભૂતપૂર્વ પ્રતિસાદ; દરરોજ સરેરાશ 1.30 લાખથી વધુ લોકો કરી રહ્યા છે આરામદાયક મુસાફરી

મુંબઈ : મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેનમાં હવે 'એસી લોકલ'નો ક્રેઝ દિવસેને દિવસે વધી રહ્યો છે. મધ્ય રેલ્વે દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના આંકડા મુજબ, જાન્યુઆરીથી મે 2026 ના ટૂંકા ગાળામાં એસી લોકલ ટ્રેનોમાં મુસાફરોની સંખ્યામાં તોતિંગ વધારો જોવા મળ્યો છે. આ આંકડો સાબિત કરે છે કે મુંબઈના મુસાફરો હવે ગરમી અને ભીડથી બચવા માટે આરામદાયક, સલામત અને ઝડપી મુસાફરીના વિકલ્પ તરીકે એસી લોકલને પ્રાધાન્ય આપી રહ્યા છે.
આંકડામાં ઝળકતી સફળતા
મધ્ય રેલ્વેના ડેટા મુજબ, 26 જાન્યુઆરીથી 20 મે, 2026 દરમિયાન એસી લોકલ ટ્રેનોમાં કુલ 1.50 કરોડ મુસાફરોએ મુસાફરી કરી છે, જે ગયા વર્ષના સમાન ગાળામાં માત્ર 1 કરોડ હતી. દૈનિક સરેરાશ મુસાફરોની વાત કરીએ તો, ગયા વર્ષના 87,596 ની સામે આ વર્ષે આ સંખ્યા 1,30,075 પર પહોંચી છે, જે 48.5 ટકાનો જોરદાર ઉછાળો દર્શાવે છે. આ વધારા સાથે રેલવેની તિજોરીમાં પણ આવક વધી છે; ગયા વર્ષે આ સમયગાળામાં ₹44.27 કરોડની આવક થઈ હતી, જે આ વર્ષે વધીને ₹64.40 કરોડ થઈ ગઈ છે.
વધતી માંગ સામે રેલવેનો સક્રિય પ્રતિસાદ
મુસાફરોની વધતી જતી માંગને પહોંચી વળવા માટે મધ્ય રેલ્વેએ પોતાની સેવામાં મોટો ફેરફાર કર્યો છે. જાન્યુઆરી-મે 2026 દરમિયાન કુલ 8,991 એસી સેવાઓ ચલાવવામાં આવી હતી, જે ગત વર્ષની સરખામણીએ 31.6 ટકાનો વધારો સૂચવે છે. હાલમાં સીએસએમટી-પનવેલ સેક્શન અને મુખ્ય લાઇન કોરિડોર પર ટ્રેનોની સંખ્યા વધારીને 108 કરવામાં આવી છે. મે મહિના સુધીમાં વધારાની સેવાઓ ઉમેરતા, હવે મુસાફરોને વધુ ફ્રીક્વન્સી સાથે ટ્રેન મળી રહી છે.
શા માટે વધી રહ્યો છે એસી લોકલનો ક્રેઝ?
અધિકારીઓના મતે, આ સફળતાનું મુખ્ય કારણ નેટવર્કનું વિસ્તરણ અને ટ્રેન ઓપરેશનમાં સુધારો છે. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી કલ્યાણ, બદલાપુર અને ટીટવાલા સુધીના રૂટ પર સેવાઓનું વિસ્તરણ થતાં મુસાફરોને મોટો ફાયદો થયો છે. આરામદાયક બેઠક વ્યવસ્થા અને ઠંડા વાતાવરણને કારણે ઓફિસ જતા મુસાફરો હવે એસી લોકલને 'પ્રીમિયમ અને બજેટ-ફ્રેન્ડલી' મુસાફરી માની રહ્યા છે. રેલવે પ્રશાસને પણ મુસાફરોને સલામતી માટે નિયમબદ્ધ મુસાફરી અને વેલિડ ટિકિટ સાથે પ્રવાસ કરવાની અપીલ કરી છે, જેથી ભીડના સમયે પણ વ્યવસ્થા જળવાઈ રહે.

(7:59 PM IST)