<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st September 2026

DUSU ચૂંટણીમાં ABVPની ભવ્ય જીત પર અભિજીત દીપકેએ મૌન તોડ્યું : જીત પાછળ ધનબળનું એકમાત્ર કારણ હોવાનો આક્ષેપ

દિલ્હી યુનિવર્સિટી ચૂંટણીમાં રોલ્સ રોયસ, ઓડી અને બીએમડબલ્યુ જેવી કરોડોની ગાડીઓથી પ્રચાર થાય છે, ચૂંટણીમાં માત્ર પૈસા જ ચાલે છે : સીજેપી પ્રમુખનો દાવો

નવી દિલ્હી: દિલ્હી યુનિવર્સિટી સ્ટુડન્ટ યુનિયન (DUSU) ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના છાત્ર સંગઠન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) ની ૩-૧ થી થયેલી ભવ્ય જીત બાદ કોકરોચ જનતા પાર્ટી (CJP) ના પ્રમુખ અભિજીત દીપકેએ આખરે પોતાની પ્રથમ પ્રતિક્રિયા આપી છે. જૂન-જુલાઈ માસમાં પાટનગર દિલ્હીમાં ‘જેન જી’ (Gen Z) માટે આંદોલન ચલાવનારા અભિજીત દીપકેએ ભગવા બ્રિગેડની આ જીતને ધનબળ સાથે જોડતાં ચૂંટણીમાં માત્ર પૈસા જ ચાલતા હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે.

મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં પત્રકારો સાથે વાતચીત કરતી વખતે જ્યારે સીજેપી મુખિયાને DUSU ચૂંટણીના પરિણામો અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે ટૂંકી ટિપ્પણીમાં એક જ વાત ત્રણ વખત દોહરાવતા કહ્યું હતું કે, "બસ પૈસા જ ચાલે છે." તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, "ચૂંટણીઓમાં માત્ર પૈસા જ કામ કરે છે, બીજું કંઈ ચાલતું નથી. દિલ્હી યુનિવર્સિટીના ચૂંટણી પ્રચારમાં લોકો રોલ્સ રોયસ, ઓડી અને બીએમડબલ્યુ જેવી કરોડો રૂપિયાની મોંઘી ગાડીઓમાં આવે છે, એટલે અહીં માત્ર પૈસાની જ બોલબાલા છે."

'જેન જી' આંદોલન બાદ યોજાયેલી ચૂંટણીમાં ભાજપનો વિપક્ષ પર પલટવાર:
DUSU ચૂંટણીમાં પ્રમુખ સહિત ત્રણ બેઠકો પર એબીવીપીએ કબજો જમાવ્યો છે, જ્યારે ઉપપ્રમુખ પદ અપક્ષ ઉમેદવારના ફાળે ગયું છે. બીજી તરફ કોંગ્રેસના છાત્ર સંગઠન NSUI અને આમ આદમી પાર્ટીના ASAP માટે પરિણામો અત્યંત નિરાશાજનક રહ્યા છે. તાજેતરમાં નીટ (NEET) પેપર લીક બાદ કોકરોચ જનતા પાર્ટીએ દિલ્હીમાં મોટું આંદોલન ઊભુ કર્યું હતું, જેના કારણે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું પડ્યું હતું. દિલ્હી ઉપરાંત દેશના અન્ય રાજ્યોમાં થયેલા પ્રદર્શનોને ભાજપ સામે 'જેન જી'નો આક્રોશ ગણાવવામાં આવ્યો હતો. આ આંદોલન બાદ યુવા મતદારો અને ઉમેદવારો ધરાવતી આ પ્રથમ મોટી ચૂંટણી હોવાથી સમગ્ર દેશની નજરો DUSU ચૂંટણી પર ટકેલી હતી.

વિદ્યાર્થી આંદોલનો અને સત્ય નિકેતનમાં બિલ્ડિંગ ધરાશાયી થવાથી થયેલા વિદ્યાર્થીઓના મોત જેવા સંવેદનશીલ મુદ્દાઓ વચ્ચે યોજાયેલી આ ચૂંટણી એબીવીપી માટે મોટો પડકાર ગણાતી હતી. જોકે, પરિણામો જાહેર થતાં જ ભાજપે ગદ્ગદ થઈને વિપક્ષ અને સીજેપી પર પલટવાર કરતાં જણાવ્યું હતું કે, DUSU ના પરિણામોએ સાબિત કરી દીધું છે કે 'જેન જી' ખરેખર કોની સાથે છે. બીજી તરફ, સીજેપીના સહ-સંયોજક સૌરભ દાસે દાવો કર્યો હતો કે વિપક્ષમાં વિખવાદ અને કોંગ્રેસ દ્વારા થયેલી ખોટી ટિકિટ ફાળવણીના કારણે ભાજપને સીધો ફાયદો મળ્યો છે.

(5:07 PM IST)