તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 8th July 2026
"મને ગાળો આપો, પણ મહારાષ્ટ્રને બદનામ ન કરો": 'મિસિંગ લિંક' ભૂસ્ખલન પર મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના આકરા તેવર
મુંબઈ-પુણે એક્સપ્રેસવેની માળખાગત નિષ્ફળતાના આરોપો પર સીએમનો વળતો પ્રહાર; કહ્યું- "જે લોકો આજે મને ગાળો આપે છે, તે ૧૦ વર્ષ પછી ક્યાંય નહીં હોય, પણ આ પ્રોજેક્ટ અમારો વારસો બનીને રહેશે"

મુંબઈ : મુંબઈ-પુણે 'મિસિંગ લિંક' એક્સપ્રેસવે પર થયેલા ભૂસ્ખલનને પગલે વિપક્ષો દ્વારા કરવામાં આવી રહેલી આકરી ટીકાનો મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં ઈંટનો જવાબ પથ્થરથી આપ્યો છે. વિપક્ષી નેતાઓ પર પ્રહાર કરતા ફડણવીસે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, "તમે મને ગાળો આપો તો વાંધો નથી, હું તો દુરુપયોગથી સુરક્ષિત છું, પણ જો તમે મહારાષ્ટ્રની છબી બદનામ કરશો તો હું કોઈને છોડીશ નહીં."
રૂ. ૭,૦૦૦ કરોડના આ પ્રોજેક્ટને લઈને ફડણવીસે વિપક્ષ પર જૂઠાણા ફેલાવવાનો આરોપ લગાવ્યો. તેમણે જણાવ્યું કે, આ એન્જિનિયરિંગ અજાયબીને પાછલી મહા વિકાસ આઘાડી સરકાર દ્વારા લગભગ બંધ કરી દેવામાં આવી હતી. "તેમણે ૧૪ કારણો આપીને પ્રોજેક્ટની ફાઇલ બંધ કરી દીધી હતી, પરંતુ અમારી સરકારમાં હિંમત હતી કે અમે તેને બનાવીને બતાવ્યું," એમ તેમણે ઉમેર્યું. ભૂસ્ખલનને કારણે સર્જાયેલી સ્થિતિ અંગે સ્પષ્ટતા કરતા સીએમએ જણાવ્યું કે, મુખ્ય માળખાને કોઈ નુકસાન થયું નથી, માત્ર બહારના ભાગે કાટમાળ પડ્યો હતો, જે ૩ મિનિટમાં ક્રેન પહોંચાડીને સાફ કરી દેવાયો હતો.
આ પ્રોજેક્ટ્સ અમારો ઈતિહાસ બની રહેશે
પોતાના સંબોધનમાં ફડણવીસે નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે સાથેના પોતાના વહીવટી વારસાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું, "આજથી ૧૦ વર્ષ પછી ગાળો આપનારા લોકો નહીં દેખાય, પણ આ કનેક્ટિંગ લિંક ઊભી રહેશે જેના પર અમારું નામ હશે." તેમણે કોંકણ રેલ્વેના ઉદાહરણ દ્વારા સમજાવ્યું કે, શરૂઆતના વર્ષોમાં ભૂસ્ખલન એ નવા પ્રોજેક્ટ્સની પ્રક્રિયાનો એક ભાગ છે, પરંતુ તેને કારણે વિકાસના કામો અટકાવી દેવા તે યોગ્ય નથી.
આ ઉપરાંત, તેમણે વસઈ-વિરારમાં થયેલા ભારે વરસાદ અને કટોકટીના પગલાંની માહિતી આપી. તેમણે ગર્વ સાથે જાહેરાત કરી કે, મુંબઈ મહાનગરપાલિકાના ટેન્ડરોમાં પારદર્શિતા લાવીને GeM પોર્ટલ દ્વારા રૂ. ૧,૦૩૨ કરોડની મોટી બચત કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ ઉર્દૂ શેર "ગિરતે હૈં શાહસવાર હી મેદાન-એ-જંગ મેં..." ટાંકીને જણાવ્યું હતું કે જેઓ હિંમત કરીને કામ કરે છે, તેમના પર જ આક્ષેપો થાય છે, પરંતુ રાજ્યનો વિકાસ એ જ તેમનું એકમાત્ર લક્ષ્ય છે.
(8:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
