News of Saturday, 29th August 2026
અમેરિકાના ગ્રીન કાર્ડની લાંબી લાઇનમાં લગભગ ૧૦ લાખ ભારતીયો
૨૦૨૬માં અરજી કરનારને EB-2માં ૧૭૯ વર્ષ અને EB-3માં ૩૮ વર્ષ સુધી રાહ જોવી પડી શકે!બેકલોગ ૧૨.૬૪ લાખને પાર, ૨૦૪૦ સુધીમાં ૨૦ લાખ થવાની શક્યતા : ગ્રીન કાર્ડનું સપનું જોતા ભારતીયો માટે મોટો ઝટકો, જોબ આધારિત બેકલોગમાં ૭૯ ટકા ભારતીયઃ H-1Bથી અમેરિકામાં પહોંચેલા ભારતીયો માટે કાયમી વસવાટનો રસ્તો મુશ્કેલ

વોશિંનગ્ટન તા.૨૯: અમેરિકામાં કાયમી વસવાટ માટે ગ્રીન કાર્ડ મેળવવાનું ભારતીયોનું સપનું વધુ લાંબી રાહમાં ફેરવાઈ રહ્યું છે. નેશનલ ફાઉન્ડેશન ફોર અમેરિકન પોલિસી (NFAP)ના નવા વિશ્લેષણ મુજબ, ડિસેમ્બર ૨૦૨૫ સુધીમાં અમેરિકાની પ્રથમ ત્રણ રોજગાર આધારિત ઇમિગ્રેશન કેટેગરી ચ્ગ્-૧, EB-2 અને EB-3ની ગ્રીન કાર્ડ કતારમાં લગભગ ૧૦ લાખ ભારતીયો હતા. આ કુલ બેકલોગના લગભગ ૭૯ ટકા જેટલા છે. સૌથી ગંભીર સ્થિતિ EB-2માં છે, જ્યાં ૨૦૨૬માં અરજી કરનાર ભારતીયને સંભવિત રીતે ૧૭૯ વર્ષ સુધી રાહ જોવી પડી શકે છે, જ્યારે EB-3માં ૩૮ વર્ષ સુધી રાહ જોવી પડી શકે છે.
અમેરિકામાં H-1B વિઝા પર કામ કરતા ઘણા ભારતીય વ્યાવસાયિકો કાયમી નિવાસ માટે EB-2 અથવા EB-3નો માર્ગ અપનાવે છે. EB-2માં ઉચ્ચ ડિગ્રી ધરાવતા અથવા અસાધારણ ક્ષમતા ધરાવતા વ્યાવસાયિકો આવે છે. સ્નાતક ડિગ્રી બાદ સંબંધિત ક્ષેત્રમાં પાંચ વર્ષનો અનુભવ પણ ઉચ્ચ ડિગ્રીના સમકક્ષ ગણાઈ શકે છે. EB-3માં વ્યાવસાયિકો, કુશળ કામદારો અને અન્ય કામદારોનો સમાવેશ થાય છે.
NFAP મુજબ, ડિસેમ્બર ૨૦૨૫માં EB-2માં ૭,૩૧,૫૬૬ અને EB-3માં ૨,૧૩,૪૧૪ ભારતીયો બેકલોગમાં હતા. જોકે ભારતીય ચ્ગ્-૧ બેકલોગ એપ્રિલ ૨૦૨૦ના અંદાજિત ૭૧,૯૮૮થી ઘટીને ડિસેમ્બર ૨૦૨૫માં ૫૧,૬૧૯ થયો હતો. EB-1માં અસાધારણ ક્ષમતા ધરાવતા લોકો, ઉત્કૃષ્ટ સંશોધકો-પ્રોફેસરો અને કેટલાક બહુરાષ્ટ્રીય કંપનીના અધિકારીઓનો સમાવેશ થાય છે.
સમગ્ર અમેરિકાનો રોજગાર આધારિત બેકલોગ પણ એપ્રિલ ૨૦૨૦ના ૧૦,૪૮,૩૪૨થી વધીને ડિસેમ્બર ૨૦૨૫માં ૧૨,૬૪,૪૯૫ થયો છે. એટલે કે ૨,૧૬,૧૫૩ લોકોનો અથવા ૨૦.૬ ટકાનો વધારો થયો. ફજ્ખ્ભ્નું માનવું છે કે કાયદામાં ફેરફાર નહીં થાય તો ૨૦૪૦ સુધીમાં આ બેકલોગ ૨૦ લાખને પાર કરી શકે છે.
ભારતીયો પર અસરનું મુખ્ય કારણ અમેરિકાના ઇમિગ્રેશન કાયદાની બે મર્યાદા છે. રોજગાર આધારિત ઇમિગ્રન્ટ વિઝાની વાર્ષિક મર્યાદા ૧,૪૦,૦૦૦ છે, જે ૧૯૯૦માં કોંગ્રેસે નક્કી કરી હતી અને તેમાં મુખ્ય અરજદાર તથા લાયક પરિવારજનોનો સમાવેશ થાય છે. ફજ્ખ્ભ્ મુજબ, આશ્રિત પરિવારજનો ઉપલબ્ધ બેઠકોમાંથી સામાન્ય રીતે અડધી અથવા વધુ બેઠકો વાપરે છે.
બીજી મર્યાદા દેશવાર ૭ ટકાની છે. ઇમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટની કલમ ૨૦૨(a) હેઠળ કોઈ એક દેશના નાગરિકોને કુલ રોજગાર આધારિત વિઝાના ૭ ટકાથી વધુ મળી શકતા નથી. ભારત, ચીન અને ફિલિપાઇન્સ જેવા દેશોને આ વ્યવસ્થાથી ખાસ અસર થાય છે. NFAP કહે છે કે આ મર્યાદા હેઠળ ભારત અને ચીનને આઇસલેન્ડ અને લક્ઝમબર્ગ જેવા ઘણા નાના દેશો જેટલી જ દેશવાર ફાળવણી મળી શકે છે.
બેકલોગ વધવાનું એક કારણ મંજૂરી અને ગ્રીન કાર્ડ મળવા વચ્ચેનો મોટો તફાવત પણ છે. નાણાકીય વર્ષ ૨૦૧૬માં યુએસસીઆઇએસએ ભારતીયોના ૪૭,૬૦૧ EB-2 અરજીઓ મંજૂર કરી હતી. આશ્રિતોને સામેલ કરતાં NFAP મુજબ આ સંખ્યા અંદાજે ૯૮,૫૯૪ લોકોની હતી, પરંતુ માત્ર ૪,૪૦૭ ભારતીયોને કાયમી નિવાસ મળ્યો. એટલે એક જ વર્ષમાં ૯૦,૦૦૦થી વધુ લોકો બેકલોગમાં ઉમેરાયા.
ઓગસ્ટ ૨૦૨૬ના વિઝા બુલેટિન મુજબ, ભારતીય અરજદારો માટે EB-1માં પ્રાયોરિટી તારીખ ૧૫ ઓક્ટોબર ૨૦૨૨થી પહેલાંની હોવી જરૂરી છે, જ્યારે EB-3 માટે ૧ જાન્યુઆરી ૨૦૧૪થી પહેલાંની તારીખ જરૂરી છે. ઓગસ્ટમાં EB-2 ઉપલબ્ધ નહોતું. જૂન ૨૦૨૬માં EB-2ની કટ-ઓફ તારીખ ૧ સપ્ટેમ્બર ૨૦૧૩ હતી. પ્રાયોરિટી તારીખ અરજદારની ગ્રીન કાર્ડ કતારમાં સ્થિતિ નક્કી કરે છે.
NFAPના તાજેતરના નીતિ અહેવાલ Employment based immigration backlogs and waiting times મુજબ, ૨૦૨૬માં અરજી કરનાર ભારતીયને EB-2માં સંભવિત ૧૭૯ વર્ષ અને EB-3માં ૩૮ વર્ષની રાહ પડી શકે છે. જોકે ભવિષ્યમાં વિઝાની ઉપલબ્ધતા, કતારમાંથી અરજદારોનું બહાર થવું અને ઇમિગ્રેશન કાયદામાં ફેરફારથી આ સમય બદલાઈ શકે છે.
રસપ્રદ રીતે, વધારાના ગ્રીન કાર્ડ જારી થયા છતાં બેકલોગ વધ્યો છે. નાણાકીય વર્ષ ૨૦૨૦થી ૨૦૨૪ દરમિયાન સામાન્ય વાર્ષિક ફાળવણી ૧,૪૦,૦૦૦ હતી, એટલે પાંચ વર્ષમાં અપેક્ષિત સંખ્યા ૭,૦૦,૦૦૦ હતી. પરંતુ NFAP મુજબ વાસ્તવમાં ૯,૮૦,૪૬૦ રોજગાર આધારિત ગ્રીન કાર્ડ જારી થયા, એટલે અપેક્ષા કરતાં લગભગ ૨,૮૦,૦૦૦ વધુ. તેમ છતાં કતાર સતત લાંબી થઈ રહી છે.
(3:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
