તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 3rd May 2026
એબોટાબાદનું 'ડેથ ટ્રેપ': જો અમેરિકાએ માત્ર ૪ મહિના મોડું કર્યું હોત, તો ઓસામા બિન લાદેન ફરી ક્યારેય હાથ ન આવ્યો હોત!
CIA ના નવા દસ્તાવેજોનો ચોંકાવનારો ખુલાસો: વર્ષો સુધી રક્ષણ આપનારા ભાઈઓ જ લાદેનથી કંટાળી ગયા હતા અને તેને ઘર ખાલી કરવા અલ્ટીમેટમ આપી દીધું હતું : સપ્ટેમ્બર ૨૦૧૧ માં તે ભાગી જવાની ફિરાકમાં હતો.

એબોટાબાદ : ઓસામા બિન લાદેનને પકડવા માટેનું 'ઓપરેશન નેપ્ચ્યુન સ્પીયર' જેટલું રહસ્યમય હતું, તેનાથી પણ વધુ ચોંકાવનારી હકીકતો હવે સામે આવી રહી છે. એબોટાબાદના જે કમ્પાઉન્ડમાં લાદેન વર્ષોથી છુપાયેલો હતો, ત્યાં પરિસ્થિતિ એવી સર્જાઈ હતી કે દુશ્મન પહેલા તેના પોતાના જ સાથીઓ તેનાથી 'થાકી' ગયા હતા. વર્ષો સુધી જે બે ભાઈઓએ (મેસેન્જર્સ) તેને દુનિયાની નજરોથી બચાવી રાખ્યો, તેઓ હવે લાદેનની સુરક્ષાના ભારે બોજ અને સતત જીવના જોખમથી કંટાળી ચૂક્યા હતા. નવા દસ્તાવેજો મુજબ, લાદેને પત્ર લખીને સ્વીકાર્યું હતું કે તેના રક્ષકો હવે વધુ સમય તેની જવાબદારી ઉઠાવવા તૈયાર નથી, અને લાદેન પોતે સપ્ટેમ્બર ૨૦૧૧ સુધીમાં આ કિલ્લા જેવું ઘર છોડીને બીજે ક્યાંક ભાગી જવાની યોજના બનાવી રહ્યો હતો.
CIA ના અધિકારીઓ માટે એબોટાબાદનું આ કમ્પાઉન્ડ એક એવી પહેલી હતી જેનો કોઈ છેડો મળતો નહોતો. જે ઘરમાંથી કચરો બહાર ન નીકળતો હોય (બાળી નાખવામાં આવતો હોય), જ્યાં કોઈ બારીમાંથી બહાર ન જોઈ શકાતું હોય અને જેની દિવાલો ૧૮ ફૂટ ઊંચી હોય, તે ઘર સામાન્ય તો ન જ હોય. અમેરિકી ગુપ્તચર એજન્સીએ જ્યારે આ મિલકતનું નિરીક્ષણ કર્યું, ત્યારે તેમને સમજાયું કે અહીં કંઈક મોટું રંધાઈ રહ્યું છે. રસપ્રદ વાત એ છે કે જ્યારે નેવી સીલ્સ (Navy SEALs) ની ટીમ ૨ મે, ૨૦૧૧ ના રોજ ત્રાટકી, ત્યારે તેમને ખબર પણ નહોતી કે તેઓ સમયની સાથે રેસ લગાવી રહ્યા છે. જો આ હુમલો થોડા મહિના મોડો થયો હોત, તો લાદેન ત્યાંથી ગાયબ થઈ ગયો હોત અને ઇતિહાસ આજે કંઈક અલગ જ હોત.
આ ઓપરેશનની સફળતા પાછળ CIA ની વર્ષોની મહેનત અને ઝીણવટભરી તૈયારી હતી. લાદેનને ઝડપવા માટે કમ્પાઉન્ડની આબેહૂબ પ્રતિકૃતિ બનાવીને તાલીમ લેવામાં આવી હતી, જેથી હુમલા સમયે કોઈ પણ અવરોધ ન નડે. ૨ મે ની એ રાત્રે માત્ર ૯ મિનિટમાં જ આતંકના આ પર્યાયનો અંત આવ્યો હતો. જોકે, નવા ખુલાસા એ સાબિત કરે છે કે લાદેન તેના અંતિમ દિવસોમાં અત્યંત લાચાર અને એકલવાયો બની ગયો હતો, કારણ કે તેને આશરો આપનારાઓ પણ હવે તેની 'મોટી જવાબદારી' માંથી મુક્ત થવા માંગતા હતા. આ ઘટનાક્રમ દર્શાવે છે કે નસીબ અને સમય અમેરિકાના પક્ષમાં હતા, નહિતર મોસ્ટ વોન્ટેડ આતંકવાદી ફરી એકવાર પડછાયો બનીને હવામાં ઓગળી ગયો હોત.
(6:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
