<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th April 2026

રાજ્‍યસભામાં AAP પાર્ટીનું અસ્‍તિત્‍વ ખતરામાં: ૧૦માંથી ૭ સાંસદો ભાજપમાં જોડાયા

હવે આ સાંસદોના ભાજપમાં જવાથી રાજ્‍યસભામાં આપનું ગણિત બગડી ગયું

 

નવી દિલ્‍હી તા.૨૫: આમ આદમી પાર્ટીમાં અત્‍યાર સુધીનો સૌથી મોટો રાજકીય ભૂકંપ આવ્‍યો છે. પાર્ટીના દિગ્‍ગજ નેતા અને રાજ્‍યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ બે અન્‍ય સાંસદો સંદીપ પાઠક અને અશોક મિત્તલ સાથે પ્રેસ કોન્‍ફરન્‍સ કરી હતી. ચઢ્ઢાએ એલાન કર્યું કે રાજ્‍યસભામાં આપના ૨/૩ સભ્‍યો હવે ભાજપમાં વિલય કરી રહ્યા છે. તેમણે સંવિધાનની જોગવાઈનો હવાલો આપતા આ પગલાને યોગ્‍ય ગણાવ્‍યું છે. ચઢ્ઢાએ જણાવ્‍યું કે, તેમણે  સવારે રાજ્‍યસભા સભાપતિને જરૂરી દસ્‍તાવેજ અને હસ્‍તાક્ષરિત પત્ર સોંપી દીધા છે. આ ખબર રાજકારણમાં આગની માફક ફેલાઈ ગઈ છે, કેમ કે પંજાબમાંથી આવતા આ ત્રણેય ચહેરા પાર્ટીની કરોડરજ્જૂ ગણાતા હતા.

રાજ્‍યસભામાં આમ આદમી પાર્ટીના કુલ ૧૦ સાંસદો છે અને ચઢ્ઢાએ ૭ સાંસદો તેમની સાથે હોવાનો દાવો કર્યો છે. પ્રેસ કોન્‍ફરન્‍સમાં તેમની સાથે સંદીપ પાઠક અને અશોક મિત્તલ હાજર હતા. આ ઉપરાંત તેમણે હરભજન સિંહ, રાજેન્‍દ્ર ગુપ્તા, વિક્રમ સાહની અને સ્‍વાતિ માલીવાલના નામ પણ લીધા છે. સ્‍વાતિ માલીવાલ પહેલાથી જ બળવો કરેલો છે. હવે આ સાંસદોના ભાજપમાંથી જવાથી રાજ્‍યસભામાં આપનું ગણિત બગડી ગયું છે.

નવાઈની વાત એ છે કે અશોક મિત્તલને આ જ મહિને રાઘવ ચઢ્ઢાની જગ્‍યાએ રાજ્‍યસભામાં ઉપ નેતા બનાવ્‍યા હતા. પાર્ટીએ તેમના પર વિશ્વાસ વ્‍યક્‍ત કર્યો હતો, પણ તેમણે ચઢ્ઢાને સાથ આપવાનું વધારે યોગ્‍ય લાગ્‍યું. ચઢ્ઢાએ સ્‍પષ્ટ કર્યું કે તેમની પાસે ૨/૩ બહુમત છે. એટલા માટે તેમના પર પક્ષપલટા કાયદા અંતર્ગત કાર્યવાહીનો ખતરો ઓછો છે. આ બળવાએ દિલ્‍હીથી લઈ પંજાબ સુધીના રાજકારણમાં હલચલ મચાવી દીધી છે. હવે જોવાનું એ રહેશે કે અરવિદ કેજરીવાલ આ મોટા સંકટમાંથી પોતાની પાર્ટીને કેવી રીતે બચાવે છે.

(9:43 AM IST)