<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th April 2026

AAPમાં ભડકો અને ભજ્જી પર ‘બાઉન્સર’: પંજાબ સરકારે હરભજન સિંહની Z+ સુરક્ષા આંચકી લેતા રાજકીય ગરમાવો

સાત સાંસદોના પક્ષપલટા બાદ આમ આદમી પાર્ટીમાં યાદવાસ્થળી, રાઘવ ચઢ્ઢાના સાથીદાર હોવાની આશંકાએ પૂર્વ ક્રિકેટર પર પક્ષની તવાઈ, જલંધર નિવાસસ્થાનેથી પોલીસ કાફલો હટાવાતા બળવાના સંકેત વધુ તેજ બન્યા

જલંધર : પંજાબના રાજકારણમાં અત્યારે ભારે ઉથલપાથલનો માહોલ જોવા મળી રહ્યો છે, જેમાં આમ આદમી પાર્ટીમાં પડેલા ભંગાણની અસર હવે રસ્તાઓ પર દેખાવા લાગી છે. પક્ષના સાત સાંસદોના રાજીનામા બાદ ચાલી રહેલા વિવાદ વચ્ચે પંજાબની ભગવંત માન સરકારે રાજ્યસભા સાંસદ અને પૂર્વ દિગ્ગજ ક્રિકેટર હરભજન સિંહની Z+ સુરક્ષા પાછી ખેંચી લેવાનો સનસનાટીભર્યો નિર્ણય લીધો છે. જલંધર સ્થિત તેમના નિવાસસ્થાને તૈનાત પોલીસ જવાનોને તાત્કાલિક અસરથી પરત બોલાવી લેવામાં આવતા રાજકીય વર્તુળોમાં અનેક તર્ક-વિતર્ક વહેતા થયા છે. ભલે હરભજને હજુ સુધી સત્તાવાર રીતે પક્ષ છોડવાની જાહેરાત નથી કરી, પરંતુ સરકારના આ કડક વલણે ઘણું બધું કહી દીધું છે.

આ ઘટનાક્રમ પાછળ રાઘવ ચઢ્ઢા સાથેની નિકટતા હોવાનું માનવામાં આવી રહ્યું છે. અગાઉ રાઘવ ચઢ્ઢાની સુરક્ષા પણ રાજ્ય સરકારે હટાવી લીધી હતી, જે બાદ કેન્દ્ર સરકારે તેમને સુરક્ષા કવચ પૂરું પાડ્યું હતું. દરમિયાન, પક્ષ છોડનારા સાંસદ વિક્રમજીત સાહનીએ ચોંકાવનારો દાવો કર્યો છે કે પક્ષના કન્વીનર અરવિંદ કેજરીવાલે તેમની પાસેથી રાજીનામું માંગ્યું હતું. તેમણે પંજાબની વર્તમાન રાજકીય સ્થિતિને 'ICU' સાથે સરખાવતા કહ્યું કે રાજ્યને હવે મજબૂત કેન્દ્રીય સમર્થનની સખત જરૂર છે. આ વિવાદો વચ્ચે પક્ષના વફાદાર ગણાતા સાંસદ સંત સીચેવાલે ખુલાસો કર્યો કે તેમને પણ અલગ જૂથ બનાવવા માટે લલચાવવામાં આવ્યા હતા, પરંતુ તેમણે ઇનકાર કરી દીધો હતો.

રાજકીય પંડિતોનું માનવું છે કે આમ આદમી પાર્ટીમાં આંતરિક વિખવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. જે રીતે એક પછી એક સાંસદો પક્ષના નેતૃત્વ સામે અવાજ ઉઠાવી રહ્યા છે અથવા મૌન રહીને પક્ષપલટાના સંકેત આપી રહ્યા છે, તેનાથી 2026ની રણનીતિ પર મોટી અસર પડી શકે છે. હરભજન સિંહની સુરક્ષા હટાવવી એ માત્ર વહીવટી પ્રક્રિયા નથી, પરંતુ બળવાખોરોને આપવામાં આવેલો એક સ્પષ્ટ સંદેશ છે. હવે જોવાનું એ રહેશે કે 'ભજ્જી' આ બાઉન્સર પર સિક્સર ફટકારે છે કે પછી રાઘવ ચઢ્ઢાની જેમ કેન્દ્ર સરકારના શરણે જાય છે. આગામી દિવસોમાં પંજાબનું આ રાજકીય નાટક વધુ રસપ્રદ વળાંક લેશે તે નક્કી છે.

(11:36 AM IST)