<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th October 2026

ટાઇગર શ્રોફ નહીં શૂટર્સના નિશાના પર હતો આમિર ખાન

ટાઇગર શ્રોફ હુમલા કેસમાં મોટો ખુલાસો : જોકે, અભિનેતાની એક આદતના કારણે તેના પર હુમલો સફળ થયો નહીં

મુંબઈ તા.૨૬: બોલિવૂડ એક્‍ટર ટાઇગર શ્રોફની કાર પર ૧૮ ઓક્‍ટોબર ૨૦૨૬ની સાંજે મુંબઈના જુહુ વિસ્‍તારમાં જીવલેણ હુમલો થયો હતો. ટાઇગર શ્રોફ ફૂટબોલ રમીને પોતાની ગાડીમાં પાછા ફરી રહ્યા હતા કે ત્‍યારે જ તેમના પર ત્રણ બાઈક સવારોએ હુમલો કર્યો અને તેઓ ઘટનાસ્‍થળેથી ફરાર થઈ ગયા હતા. આ જીવલેણ હુમલામાં ટાઇગર શ્રોફનો જીવ બચી ગયો, પરંતુ તેમને ઈજાઓ પહોંચી હતી. પોલીસે આ સમગ્ર મામલામાં તત્‍પરતા દાખવતા ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે. હવે તપાસમાં જાણવા મળ્‍યું છે કે, શૂટર્સ ટાઇગર શ્રોફને નહીં, પરંતુ આમિર ખાનને નિશાન બનાવવાનો પ્‍લાન કરી રહ્યા હતા, પરંતુ આ સુપરસ્‍ટારની એક ટેવએ તેમનો જીવ બચાવી લીધો હતો.

ઇન્‍ડિયન એક્‍સપ્રેસના રિપોર્ટ અનુસાર, બિશ્નોઈ ગેંગના શૂટર્સ એક મહિના સુધી મુંબઈમાં હતા. તેઓ આમિર ખાનને નિશાન બનાવવા માંગતા હતા અને તેમણે એક મહિના સુધી મુંબઈમાં રહીને સુપરસ્‍ટારના ઘરની રેકી કરી હતી, પરંતુ સુપરસ્‍ટારની એક ટેવએ તેમનો જીવ બચાવી લીધો હતો. રેકી દરમિયાન શૂટર્સને ખબર પડી હતી કે, આમિર ખાન કાં તો મોટાભાગનો સમય ફિલ્‍મની શૂટિગ માટે સેટ પર રહેતા હતા અથવા તો તેઓ પોતાના ઘરની બહાર નીકળતા જ નહોતા.

આમિર ખાનની ઘરની બહાર ન નીકળવાની આદતને કારણે તેઓ શૂટર્સના નિશાનાથી બચી ગયા હતા. તો બીજી તરફ તપાસમાં જાણવા મળ્‍યું છે કે, ટાઇગર શ્રોફ દર રવિવારે ફૂટબોલ રમવા માટે જતા હતા, જેના કારણે તેઓ લોરેન્‍સ બિશ્નોઈ ગેંગ માટે સરળ ટાર્ગેટ સાબિત થયા હતા.

આ વર્ષે જુલાઈમાં આમિર ખાનને ગૌરી સ્‍પ્રેટ સાથે ત્રીજા લગ્ન કરવા બદલ બિશ્નોઈ ગેંગ તરફથી ધમકી મળી હતી. સોશિયલ મીડિયા પર એક સ્‍ક્રીનશોટ સામે આવ્‍યો હતો જેમાં આરજુ બિશ્નોઈ નામના શખ્‍સે આમિરને ત્રીજી વાર હિન્‍દુ મહિલા સાથે લગ્ન કરવા પર જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોતાને લોરેન્‍સ બિશ્નોઈ ગેંગનો સભ્‍ય જણાવનાર આરજુ બિશ્નોઈએ આમિર ખાનને ધમકી આપતા કહ્યું હતું કે, તેમની હરકતો સનાતન ધર્મ અને રાષ્ટ્રની વિરુદ્ધ છે. સોશિયલ મીડિયા પર સામે આવેલા તે સ્‍ક્રીનશોટમાં કહેવામાં આવ્‍યું હતું કે, લોરેન્‍સ બિશ્નોઈ ગેંગ આમિર ખાનની આવી હરકતોને સહન કરશે નહીં અને જલ્‍દી જ કોઈ એક્‍શન લેશે.

ઇન્‍ડિયન એક્‍સપ્રેસના રિપોર્ટ મુજબ સલમાન ખાન પણ વર્ષ ૨૦૧૮થી લોરેન્‍સ બિશ્નોઈ ગેંગના નિશાના પર છે. સલમાનના ઘર ગેલેક્‍સી અપાર્ટમેન્‍ટ પર પણ કેટલીય વાર હુમલો થઈ ચૂક્‍યો છે, પરંતુ કડક સિક્‍યોરિટીના કારણે તેમને ટાર્ગેટ કરવા ગેંગ માટે મુશ્‍કેલ સાબિત થઈ રહ્યું છે. સલમાન ખાન સાથે લોરેન્‍સ બિશ્નોઈ ગેંગની દુશ્‍મની ઘણી જૂની છે. એક્‍ટર પર ફિલ્‍મ 'હમ સાથ સાથ હૈ'ના શૂટિગ દરમિયાન વર્ષ ૧૯૯૮માં કાળિયાર (કાળા હરણ)ના શિકારનો આરોપ છે, જેના કારણે તેઓ બિશ્નોઈ ગેંગના નિશાના પર છે. આ મામલામાં સલમાન ખાન પર કેટલીય વાર હુમલા થઈ ચૂક્‍યા છે. આની સાથે જ બિશ્નોઈ ગેંગે સલમાન ખાન સાથે કામ કરનારા અને તેમના નજીકના લોકો પર પણ કેટલીય વાર હુમલા કરાવ્‍યા છે.

 

(3:22 PM IST)