<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th July 2026

લગ્ન બાદ નવા વિવાદમાં આમિર ખાન: બિન-મુસ્લિમ મહિલા સાથેના ત્રીજા લગ્ન મુદ્દે મુફ્તીનો ફતવો, કહ્યું - "આ ઈસ્લામિક કાયદા હેઠળ હરામ છે!"

મૌલાના ઇબ્રાહિમ હુસૈને આમિર ખાનના ગૌરી સ્પ્રેટ સાથેના લગ્નને ગણાવ્યા શરિયા વિરુદ્ધ; અભિનેતાના અંગત જીવન અંગે મૌલવીના નિવેદનથી સોશિયલ મીડિયા પર ગરમાવો

મુંબઈ : બોલિવૂડના 'મિસ્ટર પરફેક્શનિસ્ટ' ગણાતા અભિનેતા આમિર ખાન ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં છે, પરંતુ આ વખતે કારણ તેમની કોઈ ફિલ્મ નહીં પણ તેમના અંગત લગ્નજીવન સાથે જોડાયેલો એક વિવાદ છે. તાજેતરમાં જ બેંગલુરુ સ્થિત ઉદ્યોગસાહસિક ગૌરી સ્પ્રેટ સાથે ત્રીજા લગ્ન કરનાર આમિર ખાન વિરુદ્ધ શાહી મુખ્ય મુફ્તી, મૌલાના ઇબ્રાહિમ હુસૈન દ્વારા એક ફતવો જારી કરવામાં આવ્યો છે. આ ફતવાએ ઇસ્લામિક કાયદા (શરિયા) અને અભિનેતાની અંગત પસંદગી વચ્ચે એક મોટી ચર્ચા છેડી દીધી છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં મૌલાના ઇબ્રાહિમ હુસૈને આમિર ખાનના લગ્નની આકરી ટીકા કરી છે. મૌલાનાના મતે, મુસ્લિમ પુરુષ માટે બિન-મુસ્લિમ સ્ત્રી સાથે લગ્ન કરવા ત્યારે જ માન્ય છે જો તે સ્ત્રી ઇસ્લામ ધર્મ સ્વીકારે. આ લગ્નને તેમણે 'હરામ' ગણાવીને એવો દાવો કર્યો છે કે, જે મુસ્લિમો આવું કરે છે તેઓ પાપના ભાગીદાર બને છે અને અંતે તેમણે અલ્લાહને જવાબ આપવો પડશે.

આમિર ખાનની લગ્નયાત્રા પર એક નજર

આમિર ખાનનું લગ્નજીવન હંમેશા મીડિયામાં ચર્ચાનો વિષય રહ્યું છે.

· પ્રથમ લગ્ન: વર્ષ ૧૯૮૬માં રીના દત્તા સાથે લગ્ન કર્યા હતા, જે ૧૬ વર્ષ બાદ ૨૦૦૨માં છૂટાછેડા સાથે સમાપ્ત થયા. તેમને બે સંતાનો જુનૈદ અને ઇરા છે.

· દ્વિતીય લગ્ન: ૨૦૦૫માં કિરણ રાવ સાથે લગ્ન કર્યા, જેઓ ૨૦૨૧માં અલગ થયા. તેમને એક પુત્ર આઝાદ છે.

· તૃતિય લગ્ન: તાજેતરમાં, ૫ જુલાઈ, ૨૦૨૬ના રોજ આમિરે ગૌરી સ્પ્રેટ સાથે સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ રજિસ્ટર્ડ લગ્ન કર્યા છે.

મૌલવીના નિવેદનથી વિવાદનો વંટોળ

મૌલાના ઇબ્રાહિમે માત્ર ધાર્મિક દૃષ્ટિકોણથી જ નહીં, પરંતુ લગ્ન અને છૂટાછેડાની વારંવારની પ્રક્રિયા પર પણ સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, "જો કોઈ વ્યક્તિ પોતાની લગ્નની જવાબદારીઓ યોગ્ય રીતે નિભાવવામાં અસમર્થ હોય, તો તેણે ફરી લગ્ન કરવા જોઈએ નહીં."

અભિનેતા સામે જારી કરાયેલા આ ફતવાને લઈને વિવિધ વર્ગોમાંથી અલગ-અલગ પ્રતિક્રિયાઓ મળી રહી છે. એક તરફ જ્યાં ધાર્મિક સંગઠનો શરિયાના પાલનનો આગ્રહ રાખી રહ્યા છે, તો બીજી તરફ ઘણા લોકો તેને અભિનેતાની વ્યક્તિગત પસંદગી ગણાવીને આ ટિપ્પણીનો વિરોધ કરી રહ્યા છે. આમિર ખાન તરફથી આ ફતવા અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી, પરંતુ આ વિવાદે બોલિવૂડ અને ધાર્મિક નેતાઓ વચ્ચેની ખેંચતાણને વધુ સ્પષ્ટ કરી દીધી છે.

 

(8:45 PM IST)