<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 2nd May 2026

પેટમાં ગર્ભ અને હાથમાં આધાર કાર્ડ: હોસ્પિટલ પહોંચેલી બે છોકરીઓની ઉંમર જોઈ તંત્ર ચોંકી ઉઠ્યું, બાળ લગ્નનો મોટો ભાંડો ફૂટ્યો!

ચેકઅપ માટે આવેલી કિશોરીઓની ઉંમર દસ્તાવેજમાં ૧૫ અને ૧૭ વર્ષ નીકળી; હોસ્પિટલની સતર્કતાથી પોલીસ એક્શનમાં, પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ

હમીરપુર:  હિમાચલ પ્રદેશના હમીરપુર જિલ્લાના નાદૌન વિસ્તારમાં બાળ લગ્નના બે અત્યંત ગંભીર કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. ગર્ભવતી અવસ્થામાં સારવાર માટે હોસ્પિટલ પહોંચેલી બે છોકરીઓના દસ્તાવેજોની તપાસ કરવામાં આવતા તેઓ સગીર હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને હોસ્પિટલ પ્રશાસને તુરંત પોલીસને જાણ કરી હતી, જેના આધારે હવે પોક્સો એક્ટ (POCSO Act) હેઠળ તપાસ શરૂ કરવામાં આવી છે. 
આધાર કાર્ડ માંગતા જ ખૂલી પોલ
પહેલા કિસ્સામાં એક પ્રવાસી મૂળની છોકરી નાદૌન વિસ્તારના એક યુવક સાથે લગ્ન કર્યા બાદ ગર્ભવતી થઈ હતી. હોસ્પિટલમાં તેણે પોતાની ઉંમર ૧૯ વર્ષ જણાવી હતી, પરંતુ જ્યારે હોસ્પિટલ સ્ટાફે આધાર કાર્ડ માંગ્યું ત્યારે સત્ય બહાર આવ્યું. આધાર કાર્ડ મુજબ તેની ઉંમર માત્ર ૧૭ વર્ષ અને ૮ મહિના હોવાની પુષ્ટિ થઈ હતી. બીજા કિસ્સામાં તો સ્થિતિ વધુ ગંભીર જોવા મળી હતી, જ્યાં ગર્ભવતી કિશોરીની ઉંમર આધાર કાર્ડમાં માત્ર ૧૫ વર્ષ નોંધાયેલી હતી. 
દસ્તાવેજ ખોટા હોવાનો છોકરીઓનો દાવો
આ સમગ્ર મામલામાં એક નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે બંને છોકરીઓએ એવો દાવો કર્યો કે આધાર કાર્ડમાં નોંધાયેલી તેમની ઉંમર ખોટી છે. તેમનું કહેવું છે કે તેમની વાસ્તવિક ઉંમર ૧૮ વર્ષથી વધુ છે અને દસ્તાવેજમાં ખામીને કારણે ઉંમર ઓછી બતાવે છે. આ દાવા બાદ પોલીસ માટે હવે માત્ર લગ્નની કાયદેસરતા જ નહીં પરંતુ તેમના જન્મના અસલી દસ્તાવેજોની ચકાસણી કરવી પણ એક પડકાર બની ગયો છે. 
પોલીસની કડક તપાસ
હમીરપુરના એસપી બલવીર સિંહે જણાવ્યું હતું કે પોલીસે બંને કેસમાં ફરિયાદ નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. છોકરીઓની વાસ્તવિક ઉંમર જાણવા માટે હવે તેમના જન્મ પ્રમાણપત્ર અને શૈક્ષણિક રેકોર્ડની પણ તપાસ કરવામાં આવશે. કાયદા મુજબ સગીર સાથે લગ્ન અને શારીરિક સંબંધ બાંધવો એ ગંભીર અપરાધ છે, તેથી આ કેસમાં સંડોવાયેલા અન્ય વ્યક્તિઓની ભૂમિકાની પણ પોલીસ ઝીણવટભરી તપાસ કરી રહી છે.

(7:26 PM IST)