<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th November 2026

કાઉન્‍સેલિંગ માટે બોલાવેલા યુવકે પોલીસ સ્‍ટેશનમાં ૯ પોલીસકર્મીઓને ચપ્‍પુ મારી ભાગ્‍યો

આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે કરેલા ફાયરિંગમાં આરોપીના પગમાં ૬ ગોળીઓ વાગી હતી

નવી દિલ્‍હી,તા.૨૪: જૂની દિલ્‍હીના જામા મસ્‍જિદ પોલીસ સ્‍ટેશનમાં સોમવારે બપોરે પારિવારિક તકરારના કાઉન્‍સેલિગ માટે બોલાવવામાં આવેલા એક યુવકે અચાનક ચપ્‍પુ વડે હુમલો કરતા ખળભળાટ મચી ગયો હતો. આ સમગ્ર ઘટનાક્રમમાં કુલ ૯ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા, જ્‍યારે આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે કરેલા ફાયરિગમાં આરોપીના પગમાં ૬ ગોળીઓ વાગી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્‍યા અનુસાર, જામા મસ્‍જિદના કાલા મહેલ વિસ્‍તારમાં રહેતા ૩૦ વર્ષીય નબીલ વિરુદ્ધ તેની માતા અને બહેને હેરાનગતિની ફરિયાદ નોંધાવી હતી. આ સંદર્ભે સોમવારે બપોરે ૨.૩૦ વાગ્‍યે તેને પોલીસ સ્‍ટેશનમાં કાઉન્‍સેલિગ માટે બોલાવાયો હતો. વાતચીત દરમિયાન નબીલે અચાનક ચપ્‍પુ કાઢીને હાજર પોલીસકર્મીઓના ચહેરા અને ગળાના ભાગે હુમલો કરી દીધો હતો. આ હુમલામાં એસઆઈ અજય, એસઆઈ અરવિદ અને હેડ કોન્‍સ્‍ટેબલ હરેન્‍દ્ર ગંભીર રીતે ઘાયલ થયા હતા, જ્‍યારે એએસઆઈ શ્રીકૃષ્‍ણ અને હેડ કોન્‍સ્‍ટેબલ બલજીતને પણ ઈજાઓ પહોંચી હતી. તમામ પાંચેય ઘાયલ કર્મીઓને સારવાર અર્થે સર ગંગારામ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતા.

હુમલા બાદ નબીલ પોલીસ સ્‍ટેશનમાંથી નાસી છૂટ્‍યો હતો અને રસ્‍તામાં એક નાગરિકનું સ્‍કૂટર છીનવીને ફરાર થઈ ગયો હતો. આરોપીને પકડવા સેન્‍ટ્રલ ડિસ્‍ટ્રિક્‍ટની એએટીએસ (AATS) અને સ્‍પેશિયલ સ્‍ટાફની સંયુક્‍ત ટીમ બનાવાઈ હતી. સાંજે ૪.૩૦ વાગ્‍યે ચાંદની મહેલ પોલીસ સ્‍ટેશન હદના ચિતલી કબર વિસ્‍તારમાં પોલીસ ટીમે તેને ઘેરી લીધો હતો. જોકે, ધરપકડથી બચવા તેણે ફરી ચપ્‍પુ વડે હુમલો કરતા સ્‍પેશિયલ સ્‍ટાફના કોન્‍સ્‍ટેબલ અંકિત, જયંત, લોકેશ અને પરમિન્‍દર ઘાયલ થયા હતા, જેમને એલએનજેપી હોસ્‍પિટલમાં દાખલ કરાયા હતા.

(3:48 PM IST)