તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 14th May 2026
માણસો માટે પ્રતિબંધિત દુનિયા: દક્ષિણ બ્રાઝિલનો રહસ્યમય 'સ્નેક આઇલેન્ડ' જ્યાં એક ચોરસ મીટરે એક ઝેરી સર્પ, માત્ર નૌસેના અને વૈજ્ઞાનિકોને જ પ્રવેશ
Ilha da Queimada Grande પર ફક્ત ગોલ્ડન લાન્સહેડ વાઇપરનું સામ્રાજ્ય, 11 હજાર વર્ષથી મુખ્યભૂમિથી અલગ પડેલા ટાપુ પર 2 થી 4 હજાર અત્યંત ઝેરી સાપ; દંતકથાઓથી લઈને દીપગૃહના રક્ષકના રહસ્યમય મોત સુધીની કહાની

સાઓ પાઉલો/બ્રાઝિલ તા.૧૪ : બ્રાઝિલના દક્ષિણ-પૂર્વ કિનારેથી લગભગ 33 કિમી દૂર એટલાન્ટિક મહાસાગરમાં એક એવો ટાપુ છે જ્યાં માણસનું પગલું પડતાં જ મોત નિશ્ચિત મનાય છે. નામ છે Ilha da Queimada Grande, જે દુનિયાભરમાં 'સ્નેક આઇલેન્ડ' તરીકે કુખ્યાત છે. 43 હેક્ટર એટલે કે લગભગ 106 એકરમાં ફેલાયેલા આ ટાપુ પર દુનિયાના સૌથી ઝેરી સાપમાંના એક ગોલ્ડન લાન્સહેડ પિટ વાઇપરનું સામ્રાજ્ય છે.
એક ચોરસ મીટરે એક સાપ, 5 ગણું વધુ ઝેરી ઝેર
આ ટાપુ પર 2,000 થી 4,000 જેટલા ગોલ્ડન લાન્સહેડ વાઇપર રહે છે. એટલે કે સરેરાશ એક ચોરસ મીટરે એક સાપ હોવાની વાત પ્રચલિત છે. આ સાપ ફક્ત આ ટાપુ પર જ જોવા મળે છે અને ગંભીર રીતે લુપ્તપ્રાય પ્રજાતિ છે. 11,000 વર્ષ પહેલા સમુદ્રનું જળસ્તર વધતાં આ ટાપુ મુખ્યભૂમિથી અલગ પડી ગયો. શિકાર માટે સસ્તન પ્રાણીઓ ન મળતા આ સાપે સ્થળાંતર કરતા પક્ષીઓનો શિકાર કરવાનું શરૂ કર્યું. ઝડપથી ઉડતા પક્ષીઓને તરત મારવા માટે તેનું ઝેર મુખ્યભૂમિના સગા સાપ કરતાં 3 થી 5 ગણું વધુ શક્તિશાળી વિકસિત થયું. તેનું ઝેર માંસ ઓગાળી દે તેટલું ખતરનાક હોવાનું કહેવાય છે.
માનવ પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ
બ્રાઝિલની નૌસેનાએ આ ટાપુ પર સામાન્ય માણસોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. ફક્ત સંશોધકો અને નૌસેનાના અધિકૃત કર્મચારીઓને જ વિશેષ પરવાનગી સાથે જવાની છૂટ છે. તેનું કારણ બે છે: માનવ જીવનને મોતથી બચાવવું અને લુપ્તપ્રાય ગોલ્ડન લાન્સહેડને તસ્કરો અને ઉત્સુક પ્રવાસીઓથી બચાવવા. વર્ષમાં એક-બે વાર નૌસેના દીપગૃહની જાળવણી માટે ટાપુ પર જાય છે, ત્યારે પણ કડક સલામતી પ્રોટોકોલ પાળવામાં આવે છે.
દીપગૃહના રક્ષકની ડરામણી દંતકથા
1909માં ટાપુ પર દીપગૃહ બનાવાયું હતું. 1920ના દાયકામાં તે સ્વચાલિત કરાયું, કારણ કે છેલ્લા દીપગૃહ રક્ષક અને તેનો પરિવાર રહસ્યમય રીતે મૃત્યુ પામ્યા હતા. દંતકથા મુજબ સાપ બારી-બારણાંથી અંદર ઘૂસી ગયા હતા. પરિવારે ભાગવાનો પ્રયાસ કર્યો પણ બોટ સુધી પહોંચે તે પહેલાં જ સાપના હુમલામાં માર્યા ગયા. કહેવાય છે કે બચાવ ટીમના સભ્યો પણ એક પછી એક મૃત્યુ પામ્યા.
નામ પાછળનું રહસ્ય અને ઇતિહાસ
ટાપુનું નામ 'Queimada Grande' એટલે 'મોટી આગ' થાય છે. 20મી સદીની શરૂઆતમાં કેળાની વાડી બનાવવા માટે અહીંના જંગલને બાળીને સાફ કરવાનો પ્રયાસ થયો હતો. પરંતુ ટાપુ પર રહેલા હજારો ઝેરી સાપ જોઈને યોજના પડતી મૂકાઈ. સ્થાનિક લોકો માને છે કે ચાંચિયાઓએ ખજાનાની રક્ષા માટે સાપ અહીં છોડ્યા હતા, જ્યારે વૈજ્ઞાનિકો કહે છે કે સમુદ્રનું સ્તર વધતાં સાપ અહીં ફસાઈ ગયા અને સ્વતંત્ર રીતે વિકસ્યા. આજે આ ટાપુ ઉત્ક્રાંતિનું જીવતું પ્રયોગશાળા છે, પણ માણસો માટે મોતનું આમંત્રણ.
(3:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
