તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 4th September 2026
કુદરતનો અદભુત ચમત્કાર કે દરિયાની લીલા? ઓડિશાના ગંજામમાં ૨૦ વર્ષ પહેલાં સમુદ્રમાં ગરકાવ થયેલું ગંગાદેવી મંદિરનું શિખર અચાનક બહાર આવ્યું; જોવા માટે લોકોનાં ટોળાં ઉમટ્યાં!
સમુદ્રનું પાણી પાછળ હટતાં ઐતિહાસિક પોડમપેટા કિનારે માટી નીચે દબાયેલું શિખર પુનઃ દ્રશ્યમાન થયું; એક સમયે જળમગ્ન થયેલું આખું ગામ અને સંસ્કૃતિ ફરી ચર્ચાના કેન્દ્રમાં.

ભુવનેશ્વર, તા.૦૪: પ્રકૃતિના રહસ્યો અને સમુદ્રની અકલ્પનીય લીલાનો એક ચોંકાવનારો કિસ્સો ઓડિશામાંથી સામે આવ્યો છે. ગંજામ જિલ્લાના જૂના પોડમપેટા દરિયાકિનારે અચાનક ૨૦ થી ૨૫ વર્ષ જૂના ગંગાદેવી મંદિરના શિખરનો ભાગ માટી અને પાણીની બહાર દેખાવા લાગતાં સમગ્ર વિસ્તારમાં ભારે કુતૂહલ સર્જાયું છે. એક સમયે દરિયાના ભયાનક મોજાંઓમાં વિલુપ્ત થઈ ગયેલું આ મંદિર પુનઃ દ્રશ્યમાન થતાં સ્થાનિક લોકો માટે આ સ્થળ આકર્ષણ અને આસ્થાનું મોટું કેન્દ્ર બન્યું છે.
૨૦ વર્ષ પહેલાં દરિયામાં લીન થઈ ગયું હતું આખું ગામ સ્થાનિક રહેવાસીઓ અને ઈતિહાસના જણાવ્યા અનુસાર, આ શિખર પોડમપેટા વિસ્તારના પ્રસિદ્ધ ગંગાદેવી મંદિરનું છે. આ મંદિર પૂર્ણ રીતે સ્થાપિત થઈને પ્રાણપ્રતિષ્ઠા પામે તે પહેલાં જ દરિયાનું પાણી અંદર ધસી આવ્યું હતું. સમય જતાં સમુદ્રનું સ્તર સતત વધતું ગયું અને એક પછી એક ઘરો તેમજ આખું ગામ દરિયાના પેટાળમાં સમાઈ ગયું હતું. લોકો પોતાના વસવાટ છોડીને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવા મજબૂર બન્યા હતા.
સમુદ્ર પાછળ હટતાં મંદિર બહાર આવ્યું હાલમાં સમુદ્રના પ્રવાહમાં ફેરફાર થતાં અને પાણી થોડું પાછળ ખસતાં દરિયાકિનારાની માટી નીચે દટાયેલું મંદિરનું શિખર ફરી એકવાર બહાર આવ્યું છે. જે સ્થળે આજે વિશાળ સમુદ્ર ઘૂઘવે છે, ત્યાં બે દાયકા પહેલાં ધમધમતી માનવ વસ્તી હતી. મંદિરનો આ ભાગ બહાર આવતાં જ ભૂતકાળની યાદો તાજી થઈ છે અને આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો આ અદભુત દ્રશ્યને જોવા અને દર્શન કરવા માટે દરિયાકિનારે પહોંચી રહ્યા છે.
(4:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
