તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 23rd June 2026
માનવતા અને પશુ પ્રેમનું અદભુત ઉદાહરણ: પોલીસની ખાખી વર્દી ઉતારીને ૭૬ વર્ષના આ માજી બન્યા ‘વાનર સેના’ના અન્નપૂર્ણા, દર અઠવાડિયે સેંકડો વાંદરાઓ આતુરતાથી જુએ છે વાટ!
તમિલનાડુના નિવૃત્ત મહિલા પોલીસ અધિકારી માલતીબેન પોતાના પેન્શનની કમાણી મૂકે છે મુંગા જીવોના ચરણોમાં; માત્ર એક જ હાકલ પર પહાડો અને ગુફાઓમાંથી દોડી આવે છે ૪૦૦ જેટલા વાંદરાઓ

મદુરાઈ : જ્યારે મોટાભાગના લોકો સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયા પછી આરામદાયક જીવન જીવવાનું અથવા આધ્યાત્મિક યાત્રાઓ કરવાનું પસંદ કરતા હોય છે, ત્યારે તમિલનાડુના મદુરાઈના ૭૬ વર્ષીય વૃદ્ધા માલતીબેને જીવનની સાચી કમાણીનો એક અનોખો અને હૃદયસ્પર્શી રસ્તો પસંદ કર્યો છે. ભૂતપૂર્વ પોલીસ અધિકારી રહી ચૂકેલા માલતીબેન પોતાના માસિક પેન્શનનો એક બહુ મોટો હિસ્સો તિરુપ્પરંકુન્દ્રમ વિસ્તારમાં રહેતા સેંકડો અસહાય વાંદરાઓની ભૂખ મિટાવવા અને તેમની સારસંભાળ રાખવામાં ખર્ચી નાખે છે. છેલ્લા એક દાયકા એટલે કે લગભગ ૧૦ વર્ષથી તેમનો આ સેવાયજ્ઞ અવિરતપણે ચાલી રહ્યો છે, જે આજે સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
દર શનિવારે બપોરે તિરુપ્પરંકુન્દ્રમના મંદિર પરિસર અને તેની આસપાસની પહાડીઓ પર એક અદ્ભુત નજારો જોવા મળે છે. માલતીબેન ગાડી લઈને ત્યાં પહોંચે કે તરત જ સેંકડો વાંદરાઓ ઝાડ અને પહાડો પરથી નીચે ઉતરીને તેમની આસપાસ એકઠા થઈ જાય છે. વાંદરાઓ અને આ માજી વચ્ચેનો અતૂટ પ્રેમ અને અદભુત તાલમેલ જોઈને સ્થાનિક લોકો અને મંદિરે આવતા શ્રદ્ધાળુઓ પણ આશ્ચર્યચકિત થઈ જાય છે.
જાહેર સેવાની ખાખી વર્દીથી લઈને મુંગા જીવોની કરુણા સભર સફર
માલતીબેનનું આખું જીવન દેશ અને સમાજની સેવામાં જ વીત્યું છે. વર્ષ ૨૦૧૦ માં નિવૃત્ત થતાં પહેલાં, તેમણે તમિલનાડુ પોલીસ વિભાગમાં પૂરા ૩૩ વર્ષ સુધી બહાદુરીપૂર્વક સેવા આપી હતી. આ ઉપરાંત, તેમણે ગાંધીગ્રામ યુનિવર્સિટીમાં શારીરિક શિક્ષણ નિયામક (Physical Education Director) તરીકે અને કોડાઈકનાલની ઇન્ટરનેશનલ સ્કૂલમાં શિક્ષિકા તરીકે પણ ફરજ બજાવી હતી. નિવૃત્તિ બાદ વર્ષ ૨૦૧૫ માં જ્યારે તેમણે જોયું કે તિરુપ્પરંકુન્દ્રમ મુરુગન મંદિર અને નજીકના પહાડી જંગલોમાં વાંદરાઓની વસ્તી વધી રહી છે અને સુકાઈ રહેલા જંગલોને કારણે આ મુંગા જીવો ખોરાક માટે ભટકી રહ્યા છે, ત્યારે તેમણે આ વાનર સેનાની સેવા કરવાનો સંકલ્પ કર્યો.
માલતીબેને જણાવ્યું હતું કે, "શરૂઆતમાં હું દરરોજ આ વિસ્તારની મુલાકાત લઈને તેમને ખવડાવતી હતી. પરંતુ હવે મારી ઉંમર ૭૬ વર્ષની થઈ ગઈ છે અને સ્વાસ્થ્ય સંબંધી તકલીફોને કારણે લાંબું ચાલવું મુશ્કેલ બને છે, છતાં મેં નિયમ તોડ્યો નથી. હું દર શનિવારે નિયમિતપણે મારી આ સેવા ચાલુ રાખું છું."
માજીનો અવાજ સાંભળતા જ દોડી આવે છે ૪૦૦ વાંદરાઓની સેના
વધતી ઉંમરના પડકારો હોવા છતાં, માલતીબેન દર શનિવારે બપોરે ૩:૩૦ વાગ્યે તિરુપ્પરંકુન્દ્રમ અને તેની આસપાસના છ મુખ્ય સ્થળોએ પ્રવાસ કરે છે. જેમાં મુરુગન મંદિર સંકુલ, સરવણ પોઇગાઈ, પાલચુનૈકંદ સુબ્રમણ્યમ મંદિર, માયલ થોપ્પુ (મોરનું વન), પૌરાણિક ગુફા મંદિર અને ઐતિહાસિક કિલ્લાના વિસ્તારનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં અંદાજે ૩૫૦ થી ૪૦૦ વાંદરાઓ રહે છે. માલતીબેન જેવો અવાજ કરે કે તરત જ ગુફા મંદિર પાસે ૧૫૦ અને પીકોક ગ્રોવ પાસે ૨૦૦ જેટલા વાંદરાઓ ટોળા સ્વરૂપે દોડી આવે છે. આ મેળાવડામાં નાના-નાના બચ્ચાઓથી લઈને વડીલ વાંદરાઓ પણ સામેલ હોય છે.
વર્ષોના આ અવિરત પ્રેમ અને નિઃસ્વાર્થ સેવાને કારણે વાંદરાઓનો માલતીબેન પરનો વિશ્વાસ એટલો મજબૂત થઈ ગયો છે કે તેઓ માજીને પોતાના પરિવારના સભ્ય સમાન ગણે છે. માલતીબેન આ ભાવુક અનુભવ વિશે કહે છે કે, "આ અબોલ જીવોની સેવા કરવાથી મને જે માનસિક સંતોષ અને અપાર ખુશી મળે છે, તે દુનિયાની કોઈ દોલત આપી શકતી નથી. તેમનો આ નિખાલસ પ્રેમ જ મારા જીવનનો સાચો અર્થ છે. જ્યાં સુધી મારા શરીરમાં શ્વાસ છે અને હું શારીરિક રીતે સક્ષમ છું, ત્યાં સુધી આ મિશન ચાલુ રાખીશ." દયાના એક નાના કાર્યથી શરૂ થયેલી આ સફર આજે એક દાયકા લાંબી અતૂટ પ્રતિબદ્ધતા બની ગઈ છે, જે આપણને સૌને માનવતાનો સાચો પાઠ ભણાવે છે.
(5:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
