તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 31st May 2026
પશ્ચિમ બંગાળમાં હિંસાનો દોર, બદલાની રાજનીતિ શરૂ: અભિષેક બેનર્જી બાદ કલ્યાણ બેનર્જી પર પણ હુમલો, માથામાં ઇજા
તૃણમૂલ કોંગ્રેસના નેતાઓની સુરક્ષા સામે સવાલ: અભિષેક બેનર્જી પર સોનારપુરમાં હુમલા બાદ કલ્યાણ બેનર્જી પર પણ હુગલી જિલ્લામાં જીવલેણ હુમલો

કોલકાતા: પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પછીની હિંસાના બનાવો વચ્ચે તૃણમૂલ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ નિશાના પર આવ્યા છે. સોનારપુર વિસ્તારમાં પાર્ટીના મહાસચિવ અને સાંસદ અભિષેક બેનર્જી પર ઉગ્ર ભીડ દ્વારા હિંસક હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં હુમલાખોરોએ અભિષેક બેનર્જીના કપડાં ફાડી નાખ્યા હતા અને તેમના ચશ્મા તોડી નાખ્યા હતા. સદનસીબે સુરક્ષાકર્મીઓએ સમયસૂચકતા વાપરીને તેમને હેલ્મેટ પહેરાવી દેતા મોટી દુર્ઘટના ટળી હતી.
આ હુમલાના થોડા સમય બાદ જ વરિષ્ઠ સાંસદ કલ્યાણ બેનર્જી પર પણ હુગલી જિલ્લામાં હુમલો થયો હોવાના અહેવાલો સામે આવ્યા છે, જેમાં તેમને માથાના ભાગે ઈજા પહોંચી હોવાનું જાણવા મળે છે.
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બાદની હિંસાના બનાવો અટકવાનું નામ નથી લઈ રહ્યા. તાજેતરમાં તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અને પક્ષના ટોચના નેતાઓમાં ગણાતા કલ્યાણ બેનર્જી પર હુગલી જિલ્લાના ચંદીતલા પોલીસ સ્ટેશનની બહાર હુમલો થયો હોવાના અહેવાલ છે. પ્રાપ્ત વિગતો અનુસાર, કલ્યાણ બેનર્જી પક્ષના કેટલાક ધરપકડ કરાયેલા નેતાઓ અને કાર્યકરોની મુક્તિની માંગણી સાથે આવેદનપત્ર આપવા માટે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. આવેદનપત્ર સુપરત કરવામાં આવે તે પહેલા જ તૃણમૂલ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો વચ્ચે તીખી બોલાચાલી થઈ હતી, જે બાદ મામલો ઉગ્ર બનતા હિંસક અથડામણમાં ફેરવાઈ ગયો હતો. આ દરમિયાન થયેલા હુમલામાં કલ્યાણ બેનર્જીના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી છે.
આ ઘટના બાદ હુગલી વિસ્તારમાં ભારે તંગદિલી ફેલાઈ ગઈ છે. તૃણમૂલ કોંગ્રેસના સમર્થકોએ ભાજપના કાર્યકરો પર આ હુમલાનો આરોપ લગાવ્યો છે અને દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. આ ઘટનાને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સાથે જોડીને જોવામાં આવી રહી છે. બીજી તરફ, ભારતીય જનતા પાર્ટીએ આ તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવીને ફગાવી દીધા છે. ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળમાં તાજેતરમાં અભિષેક બેનર્જી પર સોનારપુરમાં થયેલા હુમલા બાદ કલ્યાણ બેનર્જી પર થયેલો આ હુમલો ટીએમસી માટે મોટો આંચકો માનવામાં આવે છે. હાલમાં ઘટનાસ્થળે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને પરિસ્થિતિ પર દેખરેખ રાખવામાં આવી રહી છે.
બેનર્જી પરના હુમલાને લઈને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આક્રોશ વ્યક્ત કરતા ભાજપ સરકાર પર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, "દેશના શાસકો પોતે જ હત્યારા બની ગયા છે." બીજી તરફ, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ આ ઘટનાની નિંદા કરી છે અને તેને બદલાની રાજનીતિ ગણાવી છે. આ હિંસક ઘટનાઓની શ્રેણી બાદ રાજ્યના રાજકીય વાતાવરણમાં ભારે તંગદિલી ફેલાઈ ગઈ છે. તૃણમૂલ કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે આ હુમલા ભાજપ દ્વારા આયોજિત છે, જેનો હેતુ વિપક્ષી નેતાઓના મનોબળને તોડવાનો છે. ભાજપે આ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવીને નકારી કાઢ્યા છે. રાજ્યભરમાં વધતી જતી આ અરાજકતાને પગલે સુરક્ષા એજન્સીઓ પણ એલર્ટ પર છે.
(12:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
