News of Friday, 2nd October 2026
દંડ ભર્યા વિના અને વધારાનો ભાર ઉતાર્યા વિના કોઈ વાહન આગળ વધી શકશે નહીં: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો
ઓવરલોડેડ વાહનો માર્ગ સલામતી માટે ગંભીર ખતરો: જસ્ટિસ પારડીવાલા અને કેવી વિશ્વનાથનની બેન્ચ દ્વારા તમામ રાજ્યો : UTs અને NHAI ને કડક નિર્દેશો જારી

નવી દિલ્હી: દેશભરના હાઈવે પર દોડતા ઓવરલોડેડ વાહનો અને તેનાથી થતા ભયાનક અકસ્માતો અંગે સુપ્રીમ કોર્ટે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ આદેશ આપ્યો છે કે હવેથી રસ્તાઓ પર નિર્ધારિત મર્યાદા કરતા વધુ ભાર વહન કરતા કોઈપણ ઓવરલોડેડ વાહનને દંડ ભર્યા વિના અને વધારાનો ભાર (ઓવરલોડ) ઉતાર્યા વિના આગળ વધવા દેવામાં આવશે નહીં. કોર્ટે સ્વીકાર્યું છે કે માત્ર દંડ વસૂલીને ઓવરલોડ વાહનોને આગળ વધવા દેવાની વર્તમાન પ્રથા માર્ગ સુરક્ષાના હેતુને નિષ્ફળ બનાવે છે.
ન્યાયાધીશ જે.બી. પારડીવાલા અને ન્યાયાધીશ કેવી વિશ્વનાથનની બેન્ચે વકીલ કે.સી. જૈન દ્વારા દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજી પર સુનાવણી કરતા આ મહત્વપૂર્ણ આદેશ જારી કર્યો હતો. અરજીમાં રજૂઆત કરવામાં આવી હતી કે ઓવરલોડિંગ માત્ર માર્ગોને નુકસાન નથી પહોંચાડતું પરંતુ તે ગંભીર અકસ્માતોનું મુખ્ય કારણ છે. કોર્ટે અરજીમાં કરવામાં આવેલા તમામ વ્યવહારુ સૂચનોને સ્વીકારીને કેન્દ્રશાસિત પ્રદેશો, તમામ રાજ્યો, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) અને સંબંધિત માર્ગ અમલીકરણ અધિકારીઓને કડક અમલવારી માટે માર્ગદર્શિકા જારી કરી છે.
કોર્ટે આદેશ આપ્યો છે કે મોટર વાહન અધિનિયમ હેઠળ નિર્ધારિત ક્ષમતાથી વધુ સામાન ભરેલા વાહનો જો ટોલ પ્લાઝા, ચેકપોઇન્ટ કે કોઈ પણ અમલીકરણ બિંદુ પર પકડાશે, તો તેને વધારાનો માલસામાન નીચે ઉતાર્યા વિના અને વાહનનું વજન ફરીથી કાયદેસર મર્યાદામાં લાવ્યા વિના આગળ વધવા દેવામાં આવશે નહીં. આ ઉપરાંત, કેરળ હાઈકોર્ટના કેસ દરમિયાન NHAI દ્વારા તૈયાર કરવામાં આવેલી ઓવરલોડિંગ સંબંધિત 'સ્ટેન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર' (SOP) ને સમગ્ર દેશમાં અસરકારક રીતે લાગુ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
માર્ગ સલામતીને વધુ સઘન બનાવવા સુપ્રીમ કોર્ટે મોટર વાહન અધિનિયમની કલમ ૧૩૬-એ અને સેન્ટ્રલ મોટર વહિકલ રૂલ્સના નિયમ ૧૬૭-એ હેઠળ 'વે-ઈન-મોશન' અને 'વે-બ્રિજ' સિસ્ટમને ટોલ મેનેજમેન્ટ તથા ઈલેક્ટ્રોનિક અમલીકરણ સિસ્ટમ સાથે સંકલિત (ઇન્ટિગ્રેટ) કરવાની ભલામણ કરી છે. ઓવરલોડ વાહનોને રોકવાની કામગીરી દરમિયાન NHAI અને અધિકારીઓને જરૂર પડે ત્યારે પૂરતી પોલીસ સહાય પૂરી પાડવાનો રાજ્યોને આદેશ અપાયો છે.
અરજીમાં માર્ગ પરિવહન મંત્રાલયના વર્ષ ૨૦૧૯ થી ૨૦૨૩ સુધીના વાર્ષિક અહેવાલના આંકડા ટાંકીને દર્શાવવામાં આવ્યું હતું કે આ પાંચ વર્ષના સમયગાળા દરમિયાન દેશમાં વાહનોના ઓવરલોડિંગના કારણે કુલ ૧,૪૦,૯૪૫ ભયાનક અકસ્માતો નોંધાયા હતા. આ ગંભીર સ્થિતિને ધ્યાન ધ્યાને રાખીને સર્વોચ્ચ અદાલતે તમામ રાજ્યોને ચલણ, ઓવરલોડેડ વાહનોની ઓળખ અને નિયમોના ઉલ્લંઘનનો ડેટા નિયમિતપણે જાળવવાનો નિર્દેશ આપ્યો છે.
(7:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
