તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 16th May 2026
17 કરોડની ચાંદી લઈને જતી વાનને મુંબઈ-અમદાવાદ હાઈવે પર નડ્યો ગમખ્વાર અકસ્માત, બે વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત
પાલઘર પાસે વાનનું ટાયર ફાટતા ડિવાઈડર કૂદીને સામેથી આવતા ટ્રક સાથે અથડાઈ, ડ્રાઈવર અને સુરક્ષા ગાર્ડનું મોત, ચાંદીનો જથ્થો સલામત, પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી

પાલઘર, તા. 17
: મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પર પાલઘર નજીક આજે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મુંબઈથી અમદાવાદ તરફ 17 કરોડ રૂપિયાની ચાંદી લઈને જઈ રહેલી એક ખાનગી સિક્યોરિટી કંપનીની વાનનું ટાયર ફાટતા વાન કાબુ બહાર જઈને ડિવાઈડર કૂદી સામેથી આવતા ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં વાનના ડ્રાઈવર અને એક સુરક્ષા ગાર્ડનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
પોલીસના જણાવ્યા મુજબ અકસ્માત સવારે લગભગ 5.30 વાગ્યાની આસપાસ પાલઘરના મનોર વિસ્તાર પાસે થયો હતો. મુંબઈની એક બુલિયન પેઢીની લગભગ 2200 કિલો ચાંદીની લગડીઓ અને દાગીના લઈને વાન અમદાવાદ જઈ રહી હતી. વાનમાં ડ્રાઈવર ઉપરાંત બે સુરક્ષા ગાર્ડ સવાર હતા. હાઈવે પર પૂરઝડપે દોડતી વાનનું આગળનું ટાયર અચાનક ફાટતા વાને કાબુ ગુમાવ્યો હતો અને રોડના ડિવાઈડરને કૂદીને સામેના ટ્રેક પર આવી ગઈ હતી. તે સમયે સામેથી પૂરઝડપે આવતા ટ્રક સાથે વાન અથડાતા વાનનો આગળનો ભાગ સંપૂર્ણ ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો.
અકસ્માતનો અવાજ સાંભળીને આસપાસના લોકો અને હાઈવે પેટ્રોલિંગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. વાનમાં ફસાયેલા ત્રણેય વ્યક્તિઓને બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાં 45 વર્ષીય ડ્રાઈવર રમેશ પાટીલ અને 38 વર્ષીય સુરક્ષા ગાર્ડ સુનિલ યાદવનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અન્ય એક ગાર્ડને ગંભીર ઈજાઓ પહોંચતા તેને પાલઘરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
અકસ્માત બાદ પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળને કોર્ડન કરી લીધું હતું અને ચાંદીના જથ્થાને કબજે લીધો હતો. પાલઘર પોલીસે જણાવ્યું કે આશરે 17 કરોડની કિંમતની ચાંદી સંપૂર્ણપણે સલામત છે. બુલિયન પેઢીના પ્રતિનિધિઓ અને વીમા કંપનીના અધિકારીઓને જાણ કરવામાં આવી છે. પંચનામાની કાર્યવાહી બાદ ચાંદીનો જથ્થો કંપનીને સોંપવામાં આવશે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં ઓવરસ્પીડિંગ અને ટાયર ફાટવું અકસ્માતનું કારણ હોવાનું સામે આવ્યું છે.
(4:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
